National

NEET પેપર લીક કેસમાં CBIને મળી મોટી સફળતા: રોકીની બિહારમાંથી ધરપકડ, 10 દિવસના રિમાન્ડ મળ્યા

પટના: (Patna) NEET પેપર લીક કેસમાં તપાસ એજન્સીને મોટી સફળતા મળી છે. આ કેસમાં આરોપી રાકેશ રંજન ઉર્ફે રોકીની ધરપકડ કર્યા બાદ સીબીઆઈએ (CBI) આજે ​​તેને પટના કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે રોકીને 10 દિવસના CBI રિમાન્ડ પર મોકલી દીધો છે. રોકી મૂળ બિહારના નવાદાનો છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે રાંચીમાં રહેતો હતો અને રેસ્ટોરન્ટ ચલાવતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર રોકીએ જ NEETનું પેપર લીક થયા બાદ સોલ્વ કર્યું હતું અને તેને ચિન્ટુના મોબાઈલ પર મોકલ્યું હતું.

રોકીને પકડવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ
સૂત્રોના જણાવ્યા અનુસાર CBIએ રોકીને પકડવા માટે ખૂબ જ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. રાકેશ રંજનની શોધમાં પટના કોલકાતા અને પટનાની આસપાસના વધુ બે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. રાકેશ તેની પત્નીના મેઈલ આઈડી પરથી મેઈલ કરતો હતો અને તે જ આઈપી એડ્રેસ ટ્રેસ કરીને સીબીઆઈ તેના સુધી પહોંચી હતી.

રોકી સંજીવ મુખિયાનો સંબંધી હોવાનું કહેવાય છે. પેપર લીક કેસમાં તેની મહત્વની ભૂમિકા હોવાની શંકા છે. રોકીની આઉટર પટના વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. NEET પેપર લીક કેસની તપાસ કરી રહેલી CBI ટીમે મંગળવારે વધુ બે આરોપી સની અને રંજીતની ધરપકડ કરી હતી. પકડાયેલા બે આરોપીઓમાંથી એક ઉમેદવાર છે જ્યારે બીજો અન્ય ઉમેદવારનો પિતા છે. રણજીત ગયામાંથી અને સની નાલંદામાંથી પકડાયો હતો. બુધવારે સીબીઆઈએ બંનેને કોર્ટમાં રજૂ કરી 6 દિવસના રિમાન્ડ લીધા હતા. આ આરોપીઓની પૂછપરછ કરતી વખતે સીબીઆઈને રોકીનું લોકેશન મળ્યું હતું.

આ કેસમાં ચિન્ટુ નામનો આરોપી સીબીઆઈ રિમાન્ડ પર હતો. તેની પૂછપરછ દરમિયાન રોકીનું નામ સામે આવ્યું હતું. ચિન્ટુના રિમાન્ડનો સમયગાળો પૂરો થતાં તેને જેલમાં મોકલી દેવાયો છે. સીબીઆઈને શંકા છે કે હજારીબાગની ઓએસિસ સ્કૂલમાંથી પેપર લીક થયું હતું અને પેપર સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું. ત્યારબાદ સંજીવ મુખિયાએ ગોરખધંધો કરનાર ચિન્ટુના મોબાઈલ ફોન પર પ્રશ્નપત્ર મોકલી આપ્યું હતું. ચિન્ટુ અને રોકીએ એમબીબીએસના વિદ્યાર્થીઓના પેપર સોલ્વ કર્યા હતા. આ પછી ચિન્ટુ અને રોકીએ લર્ન પ્લે સ્કૂલ, પટનામાં ઉમેદવારોને પ્રશ્નપત્ર અને જવાબો આપ્યા. ધનબાદથી ધરપકડ કરાયેલા અમન, હજારીબાગની ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ એહસાનુલ હક, પૂર્વ વાઈસ પ્રિન્સિપાલ ઈમ્તિયાઝ અને પત્રકાર જમાલુદ્દીનના રિમાન્ડ વિશેષ CBI કોર્ટે લંબાવ્યા છે. ચારેય હજારીબાગના છે. તેમની પૂછપરછ ચાલુ છે.

Most Popular

To Top