નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) આજે ગુરુવારે NEETની પરિક્ષામાં (NEET Exam) વિદ્યાર્થીઓને અપાયેલા ગ્રેસ માર્કસ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. NEET સંબંધિત થયેલી આ સુનાવણીમાં (Hearing) નક્કી કરાયું હતું કે હવે NEETની પરિક્ષામાં ગ્રેસ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓએ ફરી પરિક્ષાઓ (Re-Exams) આપવી પડશે. તેમજ જે વિદ્યાર્થીઓએ કાઉન્સેલિંગ માટે જવું હોય તેમને પણ છુટ આપવામાં આવી હતી.
NEET પરીક્ષાના પરિણામોને લઈને સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાંથી ગ્રેસ માર્કસ, ફરીથી પરીક્ષા અને પરીક્ષા રદ કરવા સંબંધિત અરજીઓ પર આજે 13 જૂન સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન NTA એ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ ફરીથી NEET પરીક્ષા લેશે. તેમજ હવે આ પરિક્ષામાં ગ્રેસ માર્કસ મેળવનાર 1563 વિદ્યાર્થીઓની 23 જૂને NEETની ફરીથી પરીક્ષા લેવામાં આવશે, એટલે કે માત્ર 1563 વિદ્યાર્થીઓએ, કે જેઓએ ગ્રેસ માર્કસ મેળવ્યા છે, તેઓએ ફરીથી પરીક્ષા આપવાની રહેશે.
સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન અરજદારને કહ્યું હતું કે NTAએ તમારી વાત સ્વીકારી લીધી છે. તેઓ ગ્રેસ માર્ક દૂર કરી રહ્યા છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે જે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ મળ્યા છે તેમને જ રી એક્ઝામમાં સામેલ કરવામાં આવશે. આ સાથે જ NTA એ આ વિદ્યાર્થીઓને એક વિકલ્પ આપ્યો છે કે તેઓ રી-NEET માં હાજર થઈ શકે છે અથવા તો ગ્રેસ માર્કસ વિના માર્કશીટ સાથે NEET UG કાઉન્સિલિંગમાં હાજર થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ન્યાયાધીશ વિક્રમ નાથની આગેવાની હેઠળની બેન્ચે સુનાવણીમાં પુનરોચ્ચાર કર્યો હતો કે તેઓ NEET-UG, 2024ની કાઉન્સેલિંગ પર રોક લગાવશે નહીં. આ મામલે સુપ્રીમે કહ્યું કે, ‘‘કાઉન્સેલિંગ ચાલુ જ રહેશે અને અમે તેને રોકીશું નહીં. જો પરીક્ષા ફરી યોજાશે તો આખી પ્રોસેસ ફરીથી કરવામાં આવશે. તેથી ડરવા જેવું કંઈ નથી.” તેમજ આ મામલામાં આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે.
સુનાવણી દરમિયાન NTAએ આ દલીલ આપી હતી
NTAએ કોર્ટને જણાવ્યું હતું કે વિદ્યાર્થીની નીટ પરીક્ષાનમાં થયેલી ગેરરીતીની ફરિયાદો મામલે તારીખ 10, 11 અને 12ના રોજ બેઠક યોજાઈ હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ 1,563 ઉમેદવારો માટે પરીક્ષા 23 જૂને યોજાશે અને પરિણામ 30 જુલાઈ પહેલા આવશે.
શું છે સમગ્ર મામલો?
NEET UG રિઝલ્ટ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ NTA પર રોષે ભરાયા હતા. તેમજ મેડિકલના વિદ્યાર્થીઓએ પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી ANITA પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. કારણકે વિદ્યાર્થીઓનું માનવું છે કે આ વખતે પરીક્ષામાં કેટલીક ગેરરીતિ જોવા મળી હતી. તેમજ ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું હતું કે આ પરીક્ષામાં 67 વિદ્યાર્થીઓને ફુલ માર્કસ મળ્યા હતા. આ સિવાય એક જ સેન્ટરમાંથી ઘણા ટોપર્સ આવવાથી પણ NEET શંકાના દાયરામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા અને રસ્તાઓ ઉપર વિરોધ કર્યો હતો.
વિદ્યાર્થીઓમા વિરોધ બાદ NEET પરીક્ષાને લઈને NTA વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓનો પૂર આવ્યો હતો. તેમજ મેડિકલ વિદ્યાર્થીઓનું આંદોલન શેરીઓથી લઈને સોશિયલ મીડિયા સુધી પ્રસરી ગયું હતું. ત્યારે આજે 13 જૂનના રોજ સુપ્રીમ કોર્ટમાં NEET પરીક્ષાને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગને ન રોકવાનો અને ગ્રેસ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા લેવાનો નિર્ણય લીધો હતો.