દશેરા પર ફાફડા અને જલેબીનું સુરતમાં ધૂમ વેચાણ થયું. ફાફડા અને શુદ્ધ ઘીની જલેબી રૂ ૫૦૦ ના ભાવે વેચાયા. (ટકે શેર ખાજા…ટકે શેર ભાજી) ફાફડા કપાસિયા તેલ કે સીંગતેલમાં બનાવવામાં આવ્યા હતા તેનો ઉલ્લેખ કોઈ ફરસાણ વિક્રેતાએ કર્યો નહતો. વર્ષો પહેલા ફરસાણની દુકાનમાં કયા ખાદ્યતેલમાંથી ફરસાણ બનાવવામાં આવે છે તેનો ઉલ્લેખ બોર્ડ પર કરવાનું ફરજીયાત હતું.
આ નિયમનું હવે પાલન થતું નથી. પહેલા સમયમાં શ્રાવણ મહિનામાં અને દિવાળીના તહેવારોમાં કલેક્ટરશ્રી અને જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા ફરસાણ વિક્રેતા અને ઉત્પાદકોની મિટીંગ બોલાવવામાં આવતી હતી. ગ્રાહકોને તહેવારોમાં વ્યાજબી ભાવે અને ગુણવત્તાયુક્ત ફરસાણ મળી રહે એની સૂચના આપવામાં આવતી હતી. પરિણામે ફરસાણના ભાવ પર નિયંત્રણ રહેતું હતું. આજે ફરસાણના ભાવો બેફામ વધી રહ્યા છે. ફરસાણના ભાવ પર સરકારી તંત્રનું કોઈ નિયંત્રણ રહ્યું નથી. દિવાળીના તહેવારોમાં લોકોને વ્યાજબી ભાવે ફરસાણ મળી રહે અને ફરસાણની દુકાન પર કયા ખાદ્યતેલમાં ફરસાણ બનાવવામાં આવ્યું છે તેવા નિયમોનું ચુસ્તપણે પાલન થાય એ દિશામાં યોગ્ય કાર્યવાહી થાય એવી અપેક્ષા.
સુરત. કિરીટ મેઘાવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ભારતની યુવા પેઢી માટે જોખમી વધતું ડ્રગ્સ સપ્લાય
છેલ્લા ખૂબ જ લાંબા સમયથી લગભગ ભારતનાં મહત્તમ રાજયોમાં ડ્રગ્સ પકડાયું હોવાના સમાચારો જોવા અને વાંચવા મળે છે. હાલમાં જ દિલ્હીમાં બે હજાર કરોડનું 200 કિલો કોકેઇન જપ્ત કરવામાં આવ્યું. આ અગાઉ પંજાબમાં એક મોટી ડ્રગ્સ સિંડીકેટનો ખુલાસો થયો હતો. વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જે નથી પકડાયું એવો મોટો ડ્રગ્સનો જથ્થો પહેલાથી જ દેશનાં રાજયોમાં સપ્લાય થઇ ચૂકયો છે. રાજયોમાં ડ્રગ્સ સપ્લાય કરતી સિંડીકેટને બ્રિટન અને દુબઇથી મોટો ડ્રગ્સનો જથ્થો ભારતનાં રાજયોમાં પૂરો પાડવાનો ઓર્ડર મળતો હોય છે.
વર્તમાન પરિસ્થિતિ જોતાં દેશનાં અને દરેક રાજયોના ગૃહમંત્રીઓની ઇમરજન્સી મિટીંગ કરીને ભારતમાં નિરંતર વધી રહેલા ડ્રગ્સ સપ્લાયને સંપૂર્ણ રીતે નાબૂદ કરી શકાય એવા કડક અને અસરકારક એકશન પ્લાન બનાવવો જરૂરી છે. નહીં તો જે રીતે ભારતનાં રાજયોમાં ડ્રગ્સ સપ્લાય વધી રહ્યો છે તે જોતાં ભારતની યુવા પેઢી અને ભવિષ્યને વિનાશકારી દિશામાં તીવ્ર ગતિએ વધી રહી છે જે ભારત માટે ખૂબ જ ઘાતક પુરવાર થશે.
સુરત – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.