Columns

સફળતા માટે જરૂરી

એક દિવસ અચાનક ગુરુજી બધા શિષ્યોને લઈને નજીકના ગામમાં ગયા.ગામમાં પાણીની સમસ્યા હતી.ગુરુજીએ કહ્યું, ‘આપણે અહીં ગામલોકોને મદદ કરવા આવ્યા છીએ.તમે બધા પોતપોતાની રીતે આ પાણીની સમસ્યાનો કોઈ હલ ગોતી આપો. જે સૌથી સારો અને સૌથી જલ્દી ઉપાય શોધી પાણી મેળવી આપશે તેને ઇનામ મળશે.’ અમુક  શિષ્યો શું કરવું તે વિચારતાં ઘણી વાર સુધી બેસી રહ્યા.અમુક  વાતોએ વળગ્યા કે શું કરવું જોઈએ? અને આ વાતો, ચર્ચા અને વાદવિવાદમાં ક્યારે પલટાઈ ગઈ તે સમજાયું નહિ.અમુક ઉત્સાહી તો કંઈ જ વિચાર્યા વિના જલ્દીથી જલ્દી ઉપાય માટે તરત જ આજુબાજુ જ્યાં ખાલી જમીન જોઇને કૂવો ખોદવા લાગ્યા.

અમુક શિષ્યો ગામલોકોને સલાહ આપવા લાગ્યા કે પાણી બહુ કિંમતી છે તેને જાળવીને વાપરો.અમુક શિષ્યો ગામલોકોને પૂછવા લાગ્યા કે અત્યારે પાણી કયાંથી લાવો છો? નદી કેટલી દૂર છે? ગામમાં કેટલા કૂવામાં પાણી છે? ગામમાં વરસાદ કેટલો પડે છે? વરસાદનું પાણી સાચવવા ટાંકાની વ્યવસ્થા છે કે નહિ? ગુરુજી ઝાડ  નીચે બેસીને બધા શિષ્યો શું કરે છે તે જોઈ રહ્યા હતા.જે શિષ્યો ગામવાળાઓને સવાલો પૂછી રહ્યા હતા હજી તેઓ તે જ કરી રહ્યા  હતા.તેમાંથી અમુક શિષ્યો કંઇક નોંધ કરી રહ્યા હતા.અમુક કંઇક દોરી રહ્યા હતા અને હજી તેમણે કામ શરૂ કર્યું ન હતું.બીજાં બધાં દોડાદોડી કરી કામ કરવાનો દેખાડો કરી રહ્યા હતા. કશું નક્કર કરી રહ્યા ન હતા.

સાંજ પડ્યે ગુરુજીએ બધાને ભેગા કર્યા અને કોણે શું કર્યું તે પૂછ્યું.બધાએ જણાવ્યું હજી સુધી કોઈ પાણી મેળવવામાં સફળ થયું ન હતું.કૂવો ખોદવાવાળા શિષ્યો બોલ્યા, ‘ગુરુજી, અમે બહુ ઝડપથી ખોદકામ કરી રહ્યા છીએ. આશા છે જલ્દી સફળતા મળશે.’ ગુરુજી કંઈ બોલ્યા નહિ. પેલા સવાલો પૂછતાં અને નોંધ કરતાં શિષ્યોએ કહ્યું, ‘ગુરુજી અમે બધી તપાસ કરી લીધી છે અહીં વરસાદ ઓછો છે એટલે જમીનમાં પાણીનું સ્તર લગભગ સુકાઈ ગયું છે. દરેક ઘરમાં વરસાદનું પાણી સાચવવાના ટાંકા નથી તે બનાવવા અને બીજું નજીકની નદીથી નહેર બનાવી તેનું પાણી અહીં ગામમાં, તળાવમાં કે ટાંકીઓમાં ભરવું.’

આ બધું સાંભળી બધા હસવા લાગ્યા કે હજી સુધી તમે કંઈ કર્યું નથી અને જે કરવાનું કહો છો તેમાં તો કેટલો સમય જશે તેનું ભાન છે. ગુરુજીએ કડક અવાજમાં બધાને ચૂપ કરતાં કહ્યું, ‘હસો નહિ , આ લોકોની જ કામ કરવાની રીત સાચી છે.સફળતા માત્ર વાતો કરવાથી કે શું કરવું વિચારતા રહેવાથી નથી મળતી.સફળતા વિચાર્યા વિના ઝડપથી કામે લાગી જવાથી પણ નથી મળતી.સફળતા મળે છે વિચારીને સાચી દિશામાં ધ્યાનથી અને ચોકસાઈથી આગળ વધવાથી અને તમે બધા જેમની પર હસી રહ્યા છો તે લોકો જ ગામલોકોની પાણીની સમસ્યા દૂર કરવામાં સફળ થશે.’ હંમેશા સાચી દિશા શોધી મહેનત શરૂ કરો, સફળતા ચોક્કસ મળશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top