આજે પચાસ વર્ષથી દેશમાં સમાન નાગરિક ધારો કાયદા સ્વરૂપે હોવો જોઇએ તેની ચર્ચા અનેક વિદ્વાનો દ્વારા થતી રહી છે. પરંતુ એ કાયદાનું સ્વરૂપ લઇ શકયો નથી. બંધારણમાં સમાન નાગરિક ધારા વિષે ઘણી બધી પેટા કલમોથી વિચિત્રતા છે. બંધારણ ઘડાયું ત્યારે બાબાસાહેબ આંબેડકરે પણ આ વિષે નહેરુ સાથે ખૂબ ચર્ચા કરી હતી. ગાંધીજી તો પહેલેથી જ માનતા હતા કે ભારત દેશ આઝાદ બને એટલે સમાન નાગરિક ધારાને પ્રથમ સ્થાને કાયદાનું સ્વરૂપ આપવું.
સરદાર પણ ગાંધીજી સાથે સહમત હતા. રાજાજી તથા અન્ય મહાનુભાવો પણ સહમત હતા. ફકત નહેરુ, મોલાના અબુલ કલામ આઝાદ વગેરે વિરોધ કરી રહ્યા હતા. ભારતના મુસ્લિમો, ખ્રિસ્તીઓ આ કાયદા સાથે સહમત ન થાય એમ નહેરુ વારંવાર કહેતા હતા. કેરળ તો મુસલમાનોનો પ્રદેશ. એંસી ટકા મુસલમાનની વસ્તી એટલે તે તો વિરોધ કરે જ. અનામતવાળા પણ વિરોધ કરે. માનવ અધિકારવાળા પણ વિરોધ કરે. એટલે ભારત દેશમાં સમાન નાગરિક ધારો કાયદા સ્વરૂપે લાવવો ખૂબ જ અઘરું કામ છે. વસ્તી નિયંત્રણ ધારામાં પણ આવી જ સમસ્યા નડે છે.
બંધારણમાં પેટા કલમો એટલી વિચિત્ર સ્વરૂપે મૂકી છે કે તે દૂર કર્યા વગર દેશમાં કાયદો લાવી જ ન શકાય. પેટા કલમોમાં રાજયોને આ કાયદો લાવવાની છૂટ આપી છે. કેટલું વિચિત્ર. કેન્દ્ર સરકાર રાજય સરકારોની જ બનેલી છે. રાજયોને છૂટ આપી તો દેશ રાજયોનો જ બનેલો છે. ગોવામાં આજે પણ સમાન નાગરિક ધારો કાયદા સ્વરૂપે હાજર છે. તો બીજાં રાજયો અને કેન્દ્ર સરકારને શું વાંધો છે? નોટબંધી અને જી.એસ.ટી. કેન્દ્ર સરકારે લોકોને પૂછીને ન્હોતા કર્યા અને આજે આરામથી અમલ ચાલુ છે તેમ સરકારે કોઇ પણ વિરોધની બીક રાખ્યા વગર સમાન નાગરિક ધારાને કાયદાનું સ્વરૂપ આપી દેશનું ભલું થતું અટકાવવું ન જોઇએ! મોદી સરકારે વિચારવાની ખાસ જરૂર છે. પોંડેચેરી – ડો. કે.ટી. સોની- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.