દાહોદ: દાહોદ જિલ્લામાં આવેલ ઝાલોદ બાયપાસ હાઈવે પર આજરોજ વહેલી સવારે એક આઈ ટ્વેન્ટી ગાડીમાં બે વ્યક્તિઓ વિદેશી દારૂ ભરી પુરઝડપે અને ગફલત રીતે પસાર થઈ રહ્યાં હતા તેવામાં રસ્તાની સાઈડમાં ઉભેલ લોડીંગ પીકઅપ ગાડીને પાછળથી જોશભેર ટક્કર મારતાં આઈ ટ્વેન્ટી ગાડીમાં જાેતજાેતામાં આગ ભભુકી ઉઠી હતી અને આ આગમાં આઈ ટ્વેન્ટી ગાડીમાં સવાર બે વ્યક્તિઓ આગની અગન જ્વાળાઓમાં લપેટાઈ જઈ ભડથું થઈ જતાં હાઈવે પર ચકચાર મચી જવા પામી હતી.
આજે વહેલી સવારે ઝાલોદ બાયપાસ હાઈવે રોડ ઉપરથી એક પીકઅપ લોડીંગ ગાડી હાઈવે રસ્તાની બાજુમાં ઉભી હતી. આ દરમ્યાન પાછળથી એક આઈ ટ્વેન્ટી ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત રીતે પસાર થઈ રહી હતી અને આગળ ઉભેલ પીકઅપ ગાડીને પાછળથી જાેશભેર ટક્કર મારતાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો.
આ આઈ ટ્વેન્ટી ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો હોઈ અને અકસ્માત સર્જાતાની સાથે જ ફોર વ્હીલર ગાડીમાં આગ લાગી જતાં ક્ષણભરમાં આ ગાડી આગની લપેટમાં ગઈ હતી. ગાડીમાં સવાર બંન્ને ઈસમોએ બહાર નીકળનો પ્રયાસ કર્યો હતો પરંતુ બહાર નીકળવામાં સફળતા ન મળતાં આગની લપેટમાં આવી ગયેલ આઈ ટ્વેન્ટી ગાડીમાંજ આ બંન્ને વ્યક્તિઓ ગાડીમાંજ ભડથું થઈ ગયાં હતાં.
ઘટનાની જાણ થતાંની સાથે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. જાણવા મળ્યા અનુસાર, આસપાસના લોકો દ્વારા પાણીનો મારો પણ ચલાવ્યો હતો પરંતુ આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે, તેના પર કાબુ મેળવવો મુશ્કેલ હતો. જોકે આગને લાશ્કરોએ ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી.