નવી દિલ્હી: યુપીના (UP) હાથરસમાં સત્સંગ (Satsang) દરમિયાન ફાટી નીકળેલી નાસભાગમાં (Stampede) 3 જૂલાઇ સુધીમાં 121 લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. દરમિયાન ગઈકાલે 2 જૂલાઇએ જ્યાં સત્સંગ થઈ રહ્યો હતો ત્યાંનો એક વીડિયો સામે આવ્યો છે. જ્યાં 40 હજાર લોકો સત્સંગ માટે હાજર રહ્યા હતા. ત્યાં સંપૂર્ણ મૌન છવાઇ ગયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સિકંદરરાવ પોલીસ સ્ટેશન વિસ્તારના રતિભાનપુર ગામમાં ગઇકાલે આયોજિત ભોલે બાબાના સત્સંગમાં અચાનક નાસભાગ મચી ગઈ હતી. જેમાં ઘણા લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. તેમજ ઘણાં ગંભીર રીતે ઘાયલ થયા હતા ત્યારે આ નાસભાગમાં અત્યાર સુધીમાં 121 લોકોના મોત થઇ ચૂક્યા છે. ત્યારે મંગળવારે રાત્રે જ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ શરૂ થયું હતું. તેમજ મુખ્ય સેવાદાર દેવપ્રકાશ મધુકર અને સત્સંગ કાર્યક્રમના અન્ય આયોજકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. તેમની ઉપર ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 105, 110, 126(2), 223 અને 238 હેઠળ FIR નોંધવામાં આવી હતી.
ગાઝિયાબાદથી NDRFની ટીમ સિકંદરરૌ પહોંચી
સિકંદરરૌમાં ભોલે બાબા સત્સંગમાં નાસભાગ દરમિયાન ભક્તોના મોત બાદ કેન્દ્ર સરકાર દ્વારા ગાઝિયાબાદથી NDRFની ટીમ મોકલવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ NDRFની ટીમે બચાવ કાર્ય શરૂ કર્યું હતું. આ પછી NDRFની ટીમ જિલ્લા હોસ્પિટલ પહોંચી હતી. ત્યારે સિકંદરરૌમાં NDRFના 48 લોકો હાજર છે. પ્રાપ્ત વિગતો મુજબ મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ અને બાળકો છે. તેમજ 150 લોકો ઘાયલ થયા છે અને મૃત્યુઆંક વધી શકે છે. ઇજાગ્રસ્તો અને મૃતદેહોને ટેમ્પો અને બસોમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલની બહાર હજુ પણ મૃતદેહો વિખરાયેલા છે.
હાથરસ નાસભાગ કેસની તપાસ માટે સમિતિની રચના
મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, હાથરસમાં સત્સંગ કાર્યક્રમમાં 80 હજાર લોકોને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ આ સત્સંગમાં 80 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. તેમજ મુખ્યમંત્રી દ્વારા ADG અને કમિશનરના નેતૃત્વમાં એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી, જે 24 કલાકની અંદર પોતાનો રિપોર્ટ આપશે. આ સાથે જ આ મામલે આયોજકો સામે કેસ નોંધવાના આદેશ આપવામાં આવ્યા છે. બાબા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહોને તેમના ઘરે પહોંચાડવાની જવાબદારી પ્રશાસનની રહેશે. ઘાયલોને પણ યોગ્ય સારવાર આપવામાં આવશે. મૃત્યુ પામેલા 121 લોકોમાંથી સાત બાળકો હતા.
હાથરસ અકસ્માત પર શોક ગૃહમંત્રી વ્યક્ત કર્યો
હાથરસ અકસ્માત પર શોક વ્યક્ત કરતા અમિત શાહે પોસ્ટ કર્યું હતું કે હું ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા દુ:ખદ અકસ્માતથી અત્યંત દુઃખી છું. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. સ્થાનિક વહીવટીતંત્ર રાહત કાર્યમાં લાગેલું છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
રાષ્ટ્રપતિ મુર્મુએ હાથરસ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે હાથરસમાં દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત અનેક શ્રદ્ધાળુઓના મોતના સમાચાર હ્રદયદ્રાવક છે. હું તેમના પરિવારના સભ્યોને ગુમાવનારા લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.