ગાંધીનગર : ગુજરાત પર આવી રહેલા સંભવિત તૌકતે વાવાઝોડાની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા માટે આજે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્યના દરિયા કિનારાના જિલ્લાઓમાં આ સંભવિત વાવાઝોડાની આફતનો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે સમગ્ર વહીવટીતંત્રને યુદ્ધના ધોરણે સજ્જ થઈ આ આવનારી આફતને પહોંચી વળવા આગોતરૂ આયોજન કરવાની રણનીતિ તૈયાર કરાઈ હતી.
રૂપાણીએ આજે રાત્રે આ બેઠકની વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યસરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કંન્ટ્રોલ રૂમમાંથી ભારતીય હવામાન વિભાગ, હવામાન શાસ્ત્રીઓ સાથે સતત સંપર્કમાં રહીને ગુજરાતમાં આ સંભવિત વાવાઝોડાની મૂવમેન્ટ પર નજર રાખીને યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. કચ્છ, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ અને જામનગર જિલ્લાના વિસ્તારોમાં આ સંભવિત વાવાઝોડાની અસર થશે તેને ધ્યાનમાં રાખીને અત્યારથી જ સમગ્ર વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે અને તેમણે પોતે આ જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાત કરીને તેમના જિલ્લાની પરિસ્થિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આગોતરા આયોજનની વિગતો મેળવી છે.
“કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈને રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓ જ્યાં આ વાવાઝોડાની અસર થઈ શકે છે તે જિલ્લાઓમાં સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવાની સૂચનાઓ આપી છે. એટલું જ નહી ગમે તે સંજોગોમાં ઓક્સિજનનો પુરવઠો અને બીજી જરૂરી સારવાર વ્યવસ્થાઓ સતત જળવાઇ રહે તે માટે આ જિલ્લાના કલેક્ટરોને તાકીદ કરી છે” તેમ તેમણે જણાવ્યું હતું.
રૂપાણીએ આ બેઠકમાં કહ્યું હતું કે, કોવિડ-૧૯ની પ્રવર્તમાન સ્થિતિમાં કોવિડ દર્દીઓ અને સંક્રમિતોને સારવાર મળી રહે તેમાં કોઇ રૂકાવટ ન થાય સાથોસાથ આ સંભવિત વાવાઝોડાની સ્થિતિનો પણ આપણે મક્કમતાથી સામનો કરી શકીએ તેવું આયોજન આપણે કર્યું છે. રાજ્યની તમામ હોસ્પિટલોમાં ડી.જી. સેટ તૈયાર રાખવાની સૂચનાઓ આપી છે જેથી વીજપુરવઠો ખોરવાય તો પણ કોવિડ-૧૯ના દર્દીઓને સારવારમાં કોઇ તકલીફ પડે નહી.
ઓક્સિજન અને વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહેલા તમામ દર્દીઓ સુરક્ષીત રહે અને જરૂરી જણાય તો તેમને નજીકના જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે તેવું નક્કી કર્યું છે.એડવાન્સ લાઇફ સર્પોટ સિસ્ટમ સાથેની એમ્બ્યુલન્સ અને ICU એમ્બ્યુલન્સ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી શિફ્ટ કરીને જામનગર, રાજકોટ, કચ્છ અને જૂનાગઢમાં સ્ટેન્ડબાય રાખવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ફાળવેલી NDRFની ૨૪ ટીમ રાજ્યના દરિયાકિનારાના જિલ્લાઓમાં તૈનાત કરી દેવામાં આવી છે. SDRFની પણ ૬ ટીમ કાર્યરત કરી દેવાઇ છે ઉપરાંત BSF, પોલીસ, ફાયરબ્રિગેડને પણ સતર્ક અને સજ્જ કરી દેવાયા છે.રાજ્યમંત્રી મંડળના મંત્રીઓને વિશેષ જવાબદારીઓ સોંપીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આ સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લાતંત્રને માર્ગદર્શન આપવા માટે તાત્કાલિક અસરથી તેમને ફાળવાયેલા જિલ્લાઓમાં પહોંચી જવાની સૂચના આપવામાં આવી છે અને પરિસ્થિતિ પૂર્વવત થાય ત્યાં સુધી જિલ્લાતંત્રનું માર્ગદર્શન કરવા જણાવાયું છે.
દરિયામાં માછીમારી માટે ગયેલા માછીમારોને પરત આવવા ફિશરીઝ વિભાગ અને જે તે જિલ્લાના કલેક્ટરો દ્વારા સૂચના આપવામાં આવી છે એટલું જ નહીં અગરીયાઓ અને માછીમારોને દરિયામાંથી પરત લાવવા વહિવટી તંત્રને સજ્જ કરાયું છે.