ગાંધીનગર: રાજ્યમાં પ્રવર્તમાન ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝીરો કેઝ્યુલિટીના અભિગમ સાથે યુધ્ધના ધોરણે રાહત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સતત મોનિટરીંગ કરીને રાહત બચાવ કામગીરી NDRF અને SDRFની ટીમો દ્વારા કરવામાં આવી રહી છે.
આજે પોરબંદર જિલ્લાના ચિંગરીયા અને માંડેર ગામના નીચાણવાળા વિસ્તારામાં ફસાયેલા 6 લોકોનું રેસક્યુ NDRF ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. નાના બાળકને મેડિકલ ઈમરજન્સી ઉભી થતા NDRFની ટીમે 2 બાળક , એક પુરુષ અને એક મહિલા સહિત કુલ 6 લોકોનું રેસ્કયુ કરીને સુરક્ષિત રીતે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
વડોદરા શહેરના વડસર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે ફસાયેલા ૪૯ લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા સલામત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ૧૯ પુરુષ,૧૫ મહિલા,૧૪ બાળકો અને એક નાના બાળક સહિત કુલ ૪૯ લોકોનો સમાવેશ થાય છે.
આજવા સરોવરમાંથી પાણી છોડાતાં વિશ્વામિત્રી નદી કિનારાના સુખલી પુરા, કોટાલી, દેણા અને આસોજ ગામની નદીમાં જળસ્તર વધતા નદી કિનારાના સુખલીપુરામાંથી ૭૧ અને કોટાલીમાંથી ૭૦ સહિત કુલ ૧૪૧ લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. આશ્રયસ્થાનોમાં આશરો લેતા લોકો માટે જિલ્લા પ્રશાસન દ્વારા ભોજન અને પીવાના પાણીની પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં ઈન્દીરા નગર, બંબુસર, કરગાટ, પરિએજ, જંગાર અને જંબુસરના સામોદ વગેરે સ્થળોના સ્થળાંતરિત આશ્રિતો માટે ભોજન અને નિવાસની ઉત્તમ સુવિધા ઉભી કરાઈ હતી. ભરૂચ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા પાણીમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે સ્થળાંતરીત કરાયા હતા. જ્યાં અસરગ્રસ્ત આશ્રિતો ભોજન, પીવાના પાણી, જરૂરી દવા, સુવા માટે ગાદલા, ચાદરો સહિતની આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં સુરતના ઓલપાડ તાલુકાના વાડોલી ગામ ભારે વરસાદથી નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા 4 લોકો ફસાયા હતા. સ્થાનિક પ્રશાસન અને NDRFની ટીમ દ્વારા ફસાયેલા 4 નાગરિકો અને પશુઓનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
24 કલાકમાં 14 ઈંચ વરસાદના પગલે બોરસદમાં ભારે તારાજી
ગાંધીનગર: છેલ્લા 24 કલાકમાં બોરસદમાં 14 ઈંચ વરસાદના પગલે થયેલી ભારે તારાજી બાદ રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે ટ્રેકટરમાં બેસીને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને રાહત કામગીરી ઝડપી બને તે માટે તંત્રને માર્ગદર્શન આપ્યું હતું.
બોરસદ શહેરી વિસ્તારમાં ગત રોજ 14 ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા બોરસદ શહેરમાં આવેલા નીચાણવાળા વિસ્તાર એવા વન તળાવ વિસ્તારમાં પાણી ભરાયા હતા, જે હવે ધીરે ધીરે ઓસરી રહ્યાં છે. આ વિસ્તારમાં કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલે ટ્રેક્ટરમાં બેસીને પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું.
તેમણે વન તળાવ વિસ્તારમાં લોકો સાથે સંવાદ કર્યો હતો અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રેલવે વિભાગ સાથે સંપર્ક કરીને આ વિસ્તારમાંથી પાણી વહેલી તકે નીકળી જાય અને પાણીનો ભરાવો ન થાય જેથી ભવિષ્યમાં વધુ વરસાદ વરસે તેમ છતાં પણ આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેવી કામગીરી કરવામાં આવશે તેવી હૈયાધારણ આપી હતી. આ તકે બોરસદ પ્રાંત અધિકારીએ સ્થળાંતર કરેલ લોકોને રહેવાની અને બે ટાઈમ ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું.
આરોગ્ય મંત્રીએ આ વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ રોગચાળો ફાટી ન નીકળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અને નગરપાલિકા દ્વારા મિથેલિયન પાવડરનો છંટકાવ અને લોકોના આરોગ્યની ચકાસણી કરી લેવા ઉપરાંત ક્લોરીનયુક્ત પાણી આપવા માટે પણ જણાવ્યું હતું.
તેમણે બોરસદ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પહેલા બોરસદ સેવા સદન ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી બોરસદ શહેરમાં ગતરોજ થયેલ ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિની વિગતો મેળવી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીથી વાકેફ થયા હતા.