National

કોરોનાથી મોતના વળતર માટે એનડીએમએ 6 સપ્તાહમાં ગાઈડલાઇન બહાર પાડે : સુપ્રીમ


સુપ્રીમ કૉર્ટે ( supreme court) આજે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી (એનડીએમએ)ને કોવિડને ( covid) લીધે માર્યા ગયેલા લોકોના પરિવારજનોને રહેમરાહે વળતર ચૂકવવા માટે છ સપ્તાહમાં ગાઇડલાઇન જારી કરવા નિર્દેશ આપ્યો હતો અને કહ્યું કે એનડીએમએ એની ફરજિયાત વૈધાનિક ફરજ બજાવવામાં નિષ્ફળ ગયું છે.સર્વોચ્ચ અદાલતે વારસદારો કલ્યાણ યોજનાઓનો લાભ લેવા સમર્થ બને એ માટે, મોતનું ચોક્કસ કારણ એટલે કે ‘કોવિડ-19 થી મોત’ જણાવતા મૃત્યુ પ્રમાણપત્રો/સત્તાવાર દસ્તાવેજો જારી કરવા માટે અને સુધારા કરવા માટેની ગાઈડલાઇન ( guideline) સરળ કરવાના પગલાં લેવા પણ નિર્દેશ આપ્યો છે.


જસ્ટિસ અશોક ભૂષણ અને એમ આર શાહને સમાવતી બેંચે જો કે મહામારીની વિલક્ષણતા અને અસરોની નોંધ લીધી હતી અને કહ્યું કે તે રહેમરાહે વળતર માટે રૂ. 4 લાખ ચૂકવવાનો આદેશ ન આપી શકે, એ એનડીએમએ દ્વારા નક્કી થવું જોઇએ, કેમ કે અટકાયત, તૈયારીઓ, રિકવરી પર પણ ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે.બેંચે વળતરની રકમ નક્કી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે અદાલતો રાહત પૂરી પાડવામાં સરકાર દ્વારા નક્કી અગ્રતામાં દખલ કરવામાં ધીમી રહેશે, સિવાય કે તે આપખુદ હોય અને વ્યાપક જાહેર હિતમાં ન હોય. નીતિ નિર્ણયો લેવા અને અગ્રતાઓ નક્કી કરવામાં સરકાર મુક્ત હોવી જોઇએ.


અદાલતે કહ્યું કે એનડીએમએ કોવિડ-19ના અસરગ્રસ્ત લોકો માટે લઘુત્તમ ધારાધોરણો નક્કી કરે. આમાં એક્સ ગ્રેસિયા રકમનો પણ સમાવેશ થાય છે. એક્સ ગ્રેસિયા વળતર ચૂકવવા માટે કોઇ પણ ગાઈડલાઇનની ભલામણ ન કરીને એમ કહી શકાય કે નેશનલ ઑથોરિટી એની ફરજ નિભાવી શકી નથી.66 પાનાના ચુકાદાને લખતા જસ્ટિસ શાહે કેન્દ્રને કોવિડના કારણે મોત માટે વીમા કવચ પૂરું પાડવા અંગે નાણાં પંચની ભલામણો પર યોગ્ય પગલાં લેવા માટે કેન્દ્રને નિર્દેશ આપ્યો હતો.કેન્દ્રએ કહ્યું હતું કે એનડીએમએમાં હાલ રાષ્ટ્રીય વીમા વ્યવસ્થા જેવી કોઇ ગાઈડલાઇન/નીતિ/યોજના નથી જેનો ઉપયોગ કોવિડને કારણે ડિઝાસ્ટર સંબંધી મોત માટે ચૂકવવા કરી શકાય.
ચુકાદામાં જણાવાયું કે મોતનું ચોક્કસ કારણ દર્શાવતું એક્યુરેટ મૃત્યુનું પ્રમાણપત્ર જારી કરવાની દરેક સત્તાધીશની ફરજ છે, જેથી કોવિડના કારણે મૃત્યુ પામનારના પરિવારાપરિવારજનોને સરકાર દ્વારા જાહેર કરાય એવી યોજનાઓના લાભો મેળવવામાં કોઇ મુશ્કેલી ન પડે.

ગાઈડલાઇન બને એટલી સરળ હોવી જોઇએ, માનો કે પૉઝિટિવ આવ્યાના બે-ત્રણ મહિનામાં મોત થાય તો મોતનું કારણ કોવિડ લખી દેવાનું: સુપ્રીમ
આઇસીએમઆરની ગાઈડલાઇનનો ઉલ્લેખ કરીને ચુકાદામાં જણાવાયું કે અમને લાગે છે કે પ્રક્રિયા બને એટલી સરળ હોવી જોઇએ. ચિત્રણ રજૂ કરતા કહ્યું કે આવી ગાઈડલાઇનમાં જોગવાઇ હોય કે કોવિડ પૉઝિટિવ આવ્યાના બે કે ત્રત્રણ મહિનામાં વ્યક્તિ મૃત્યુ પામે તો પરિવારજનોને મોતનું કારણ કોવિડ ગણાવતું મૃત્યુનું પ્રમાણપત્ર જારી કરવું.

Most Popular

To Top