બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAએ પોતાનો સંયુક્ત ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં રોજગાર, ઔદ્યોગિક વિકાસ અને મહિલાઓના સશક્તિકરણ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. NDAએ રાજ્યના યુવાનોને 1 કરોડથી વધુ સરકારી નોકરીઓ અને મોટા રોકાણના વચનો આપ્યા છે.
બિહાર ચૂંટણી માટે NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)એ પોતાના “સંકલ્પ પત્ર” રૂપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા, મુખ્યમંત્રી નીતીશ કુમાર, કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી, ચિરાગ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહા સહિતના નેતાઓએ મળીને આ ઢંઢેરાનું વિમોચન કર્યું.
આ મેનિફેસ્ટોમાં NDAએ નવા બિહાર માટે નવા ભવિષ્યનું દ્રષ્ટિકોણ રજૂ કર્યું છે. ઠરાવ પત્રમાં કુલ 25 મુખ્ય સંકલ્પો સામેલ છે. જેમાં રોજગાર અને શિક્ષણને સૌથી વધુ મહત્વ અપાયું છે. NDAએ વચન આપ્યું છે કે બિહારમાં 1 કરોડથી વધુ સરકારી નોકરીઓ અને રોજગારીના અવસરો સર્જવામાં આવશે. સાથે જ, રાજ્યમાં 50 લાખ કરોડ રૂપિયાના રોકાણની યોજના પણ રજૂ કરવામાં આવી છે.
ગરીબ પરિવારો માટે NDAએ કેજીથી પીજી સુધી મફત શિક્ષણ, મધ્યાહન ભોજન અને ભોજન યોજના જેવી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે. બિહારના ચાર મોટા શહેરોમાં મેટ્રો સેવા શરૂ કરવાની યોજના છે. જે “બિહાર ગતિ શક્તિ યોજના” હેઠળ આવશે. ઉપરાંત રાજ્યમાં ન્યૂ પટના નામનું ગ્રીનફિલ્ડ શહેર બનાવવામાં આવશે અને બિહારને આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે જોડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
કૃષિ ક્ષેત્ર માટે NDA એ જુબ્બા સાહની મત્સ્ય પાલક યોજના રજૂ કરી છે. જેના અંતર્ગત માછીમારોને દર વર્ષે રૂ 9,000 ની સહાય મળશે.
તે જ સમયે, વિરોધ પક્ષના મહાગઠબંધન એ પોતાનો ઢંઢેરો ત્રણ દિવસ પહેલા જાહેર કર્યો હતો. જેને “તેજસ્વી પ્રાણ” નામ આપવામાં આવ્યું છે. તેમાં રોજગાર, મહિલા સશક્તિકરણ અને સામાજિક ન્યાયને કેન્દ્રસ્થાને રાખી, સરકાર બન્યાના 20 દિવસની અંદર દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનો કાયદો લાવવાનો વાયદો કરવામાં આવ્યો છે.
બિહારમાં 243 બેઠકો માટે મતદાન બે તબક્કામાં થશે. તા. 6 નવેમ્બર અને તા. 11 નવેમ્બર. જ્યારે પરિણામો તા. 14 નવેમ્બરે જાહેર થશે. NDAના નેતા સમ્રાટ ચૌધરીએ કહ્યું કે ધ્યેય છે કે બિહારના દરેક યુવાનોને રોજગાર મળે અને મહિલાઓને “લખપતિથી કરોડપતિ” બનાવવામાં આવે.