Comments

NCPનાં ભાગલા, કમજોર વિપક્ષ કે ભાજપ મજબૂત?

હવે શરદ પવાર તેમના ભત્રીજા અજિત પવાર સામે લડવાના કૌલ આપી શકે છે, આખરે અજિત નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)માંથી બહાર નીકળી ગયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના ભાજપ-શિવસેના ગઠબંધનમાં 2 જુલાઈના રોજ અજિત અને NCPના આઠ ધારાસભ્યોએ રાજભવનમાં પદ અને ગુપ્તતાના શપથ લીધા. જે રીતે એકનાથ શિંદેએ ગયા વર્ષે પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યા પછી ‘અસલી’ શિવસેના હોવાનો દાવો કર્યો હતો, અજિત પણ દાવો કરે છે કે તે ‘અસલી’ NCPનું પ્રતિનિધિત્વ કરે છે.

અજિતને NCPના 35 ધારાસભ્યો અને પાંચ લોકસભા સાંસદોમાંથી બેનું સમર્થન છે, જોકે આગામી દિવસોમાં આ દ્રશ્ય વધુ સ્પષ્ટ થશે. જે પણ થયું તેથી ગયા મહિને પટનામાં 15 વિપક્ષી પક્ષો વચ્ચે એકતા માટે મળેલી કવાયતને અટકાવી દીધિ છે. વળી અજિત પવારનો ભાજપ સાથે જોડાવવાનો નિર્ણય મોદી માટે તો ફાયદાકારક જ છે. મહા વિકાસ અઘાડીની ગાડીમાં હવે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સેના, NCP અને કોંગ્રેસમાંથી જે કંઈ સભ્યો બાકી છે તે જ બેઠા છે, જે એનડીએને મજબૂત લડત આપવા પોતાને ખૂબ જ નબળી માની રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સામે વિપક્ષોને એક કરવા માટે કામ કરી રહ્યા હતા તેમાં શરદ પવાર એક મહત્વપૂર્ણ નેતા છે. તેમણે 2024ની લોકસભા ચૂંટણી પછી સમજૂતી બાદ વડાપ્રધાન બનવાની મુરાદ પણ કદાચ સેવી હશે પરંતુ, પોતાની જ પાર્ટીને એકજૂથ રાખવામાં નિષ્ફળ રહી પવાર હવે વિપક્ષી એકતા માટે કંઈ ખાસ કરે તેમ જણાતું નથી.બધાને ખબર હતી કે અજિતના નેતૃત્વમાં NCPના ધારાસભ્યોનું જૂથ ફરી ભાજપ સાથે NCPને જોડવાનું કામ કરી રહ્યા છે. જોકે, એમની પહેલા શરદ પવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી બધાને અચંબિત કરી દિધા હતા. જેમ જેમ પાર્ટી શરદની આસપાસ જમાં થવા લાગી તેમ તેમ અજિત વધુને વધુ એકલા દેખાઈ રહ્યા હતા. પવારે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો એ બતાવે છે કે વારસદાર યુદ્ધના બીજા રાઉન્ડમાં પવાર જીતી ગયા. પાછળથી પવારે પાર્ટીમાં બંને જૂથ વચ્ચે સંતુલન જાળવવા માટે પુત્રી સુપ્રિયા સુલે અને નજીકના સહયોગી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલને NCPના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા.

આ બધાથી અજિત બહુ નારાજ હતો પણ એ ચૂપ રહ્યો. તેની નજર NCP મહારાષ્ટ્રના પ્રમુખના પદ પર હતી, જે અત્યાર સુધી પૂર્વ મંત્રી જયંત પાટીલ પાસે છે, જે પવાર કેમ્પમાં સામેલ છે. જોકે, શરદ પવાર તેમના ભત્રીજાને NCP સંગઠનની બાબતોમાં વધારે મહત્વ આપવાની ઈચ્છા નહોતા રાખતા. આ વખતે પવારના નજીકના સાથી પ્રફુલ્લ પટેલ પણ અજિત સાથે ભાજપમાં જોડાયા છે. પવારના અન્ય નજીકના સહયોગી છગન ભુજબળે પણ આમ જ કર્યું. ભુજબળ, પટેલ, તટકરે અને વલસે-પાટીલ આ બધા જ પવારથી ધણાં નજીક છે, તેમના બગાવત કરવાથી એવી અટકળો વહેતી થઈ છે કે પવારની દહીં-દૂધ, બંનેમાં પગ રાખવાની કોઈ ચાલબાજી હોય શકે છે. સવાલ એ છે કે શું પવાર તેમના ભત્રીજાના બળવાથી સજાગ હતા? એવું કહેવાય છે કે પવારના આશીર્વાદ વિના કશું શક્ય નથી. ઘણા લોકો હજુ પણ માને છે કે પવાર જાણતા હતા કે બળવા નામનું તોફાન ધસમસતુ તેમની તરફ આવી રહ્યું છે, પરંતુ તેમણે જ આ તોફાનને એની રીતે બહાર આવવા દીધું. જો આ સાચું હોય, તો રાજ્યની રાજકીય પટ પર ને કેટલીક મૂળભૂત બાબતોમાં બદલાવ આવી શકે છે. અથવા તો દીકરી સુપ્રિયા સુલેને મજબુત કરવામાં પવારની નબળા પડી ગયા?

એક ઈન્ટરવ્યુમાં દેવેન્દ્ર ફડણવીસે કરેલા ખુલાસા મુજબ શરદ પવાર સરકાર બનાવવા માટે ભાજપના સંપર્કમાં હતા. 2019ની વિધાનસભા ચૂંટણી બાદ એ નવો વળાંક હતો. આ તરફ પવારે પણ સ્વીકાર્યું કે તેઓ સમજૂતી કરવા માટે ભાજપના સંપર્કમાં હતા કારણ કે તે ભાજપની સત્તા ‘લાલસા’ને બાહર પાડવા માંગતા હતા. અજિત જ્યારે ડેપ્યુટી સીએમ તરીકે અને ફડણવીસે સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારે ત્યારે અજિત NCPને તોડી ન શક્યા હોવાથી બંનેને રાજીનામું આપવું પડ્યું હતું. ભાજપ સાથેની એ ક્ષણિક સમજૂતી આ બળવામાં પરિણમી. આ બધા વચ્ચે હવે એકનાથ શિંદેનું શું થશે? મહારાષ્ટ્રમાં પહેલી વાર બે ડેપ્યુટી સીએમ છે. શાસક ગઠબંધનમાં ત્રણ પક્ષોનો સમાવેશ થાય છે ભાજપ, શિંદેની શિવસેના અને અજિત અને તેમના NCPના સમર્થકો.

ઘણાં લોકોનું કહેવું છે કે અજિતનો પક્ષપલટો કરવો એ એકનાથ શિંદે માટે ધ્રાસકો જ છે કારણ કે હવે રાજ્યમાં ભાજપ પાસે વધારે વિશ્વાસપાત્ર સાથી છે. આથી શિંદેને હાથ ખોલવા વધારે જગ્યા નહીં રહે. શિંદે જૂથ દ્વારા પોતાને મજબૂત કરવાના પ્રયાસો, (જેમ કે શિંદે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કરતાં વધુ લોકપ્રિય હોવાનો દાવો કરતી જાહેરાતો લગાડવીમાં પણ રોક લાગશે. BJPના રાહુલ નરવેકર જે એસેમ્બલી સ્પીકર છે, તે શિંદે અને તેમના ધારાસભ્યો અને ઉદ્ધવને વફાદાર ધારાસભ્યો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ગેરલાયકાતની અરજીઓની સુનાવણી કરી રહ્યા છે. જો ભાજપ કેન્દ્રમાં ત્રીજી વાર સત્તામાં પાછી ફરવા માંગે છે તો 48 લોકસભા બેઠકો ધરાવતું મહારાષ્ટ્ર ખુબ નિર્ણાયક છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top