National

NCPના નામ અને સિમ્બોલ પર અજિત પવારનો દાવો, કહ્યું- તમામ ચૂંટણી પાર્ટીના નામે જ લડાશે

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharastra) રાજકારણમાં મહા રાજકીય ડ્રામા જોવા મળી રહ્યો છે. NCPમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. NCP નેતા અજિત પવાર (Ajit Pawar) શિંદે સરકારમાં સામેલ થયા છે. તેમણે ડેપ્યુટી સીએમ (Deputy CM) પદના શપથ લીધા છે. આ સાથે તેમના 8 ધારાસભ્યો પણ શિંદે સરકારમાં સામેલ થયા છે. ભાજપ-શિવસેના ગઠબંધનને ટેકો આપવા અને સરકારમાં જોડાવાનો અજિત પવારનો નિર્ણય 2024 પહેલા વિપક્ષી એકતા માટે ફટકો છે.

અજિત પવાર પછી છગન ભુજબળ અને દિલીપ વાલસે પાટીલે પણ મંત્રી પદના શપથ લીધા છે. દિલીપ વાલસે પાટીલ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન રહી ચૂક્યા છે અને તેઓને શરદ પવારના નજીકના હોય તેવું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અજિત પવારને લગભગ 40 ધારાસભ્યોનું સમર્થન છે. આ કર્યક્રમમાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર છે.

PM મોદી વિકાસ કામ કરી રહ્યા છે તેને જોઈને લાગ્યું કે મારે પણ વિકાસ યાત્રામાં સહભાગી બનવું જોઈએ: અજિત પવાર
ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા પછી અજિત પવારે કહ્યું છે કે વિકાસને મહત્વ આપવું ખૂબ જ જરૂરી છે. છેલ્લા 9 વર્ષથી પીએમ મોદી જે રીતે વિકાસ કામ કરી રહ્યા છે તેને જોઈને મને લાગ્યું કે મારે પણ વિકાસની યાત્રામાં સહભાગી બનવું જોઈએ, તેથી હું એનડીએમાં જોડાયું છું. NDA સરકારમાં સામેલ થયા બાદ અજિત પવારે કહ્યું કે અમે બધાએ સાથે મળીને આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આજે અમે શપથ લીધા છે પરંતુ આગામી દિવસોમાં મંત્રીમંડળનું વધુ વિસ્તરણ થશે. આ સાથે એનસીપીનું ચૂંટણી ચિન્હ અને નામ અમારું જ રહેશે તેવો અજિત પવારે દાવો કર્યો હતો. તેમજ કહ્યું હતું કે ચૂંટણી એ જ ચિન્હ અને નામ સાથે લડાશે.

અજિત પવારે વધુમાં કહ્યું કે જ્યારથી દેશ આઝાદ થયો છે ત્યારથી એવું જોવામાં આવ્યું છે કે દેશ નેતૃત્વ સાથે આગળ વધે છે. પહેલા નહેરુજી હતા, પટેલ હતા. તે પછી લાલ બહાદુર શાસ્ત્રીનું નેતૃત્વ આવ્યું, તે પછી ઈન્દિરાજીના નેતૃત્વમાં આવ્યું. ઈમરજન્સી પછી ઈન્દિરાજીના નેતૃત્વમાં સરકારની રચના થઈ. એ પછી રાજીવજીની સરકાર બની. 1984 પછી દેશમાં એવો કોઈ નેતા નહોતો કે જેના નેતૃત્વમાં દેશ આગળ વધ્યો હોય. અલગ-અલગ જૂથોમાં સરકાર રચાઈ.

વઘુમાં પવારે કહ્યું તમે છેલ્લા 9 વર્ષમાં જોયું હશે કે મોદીજીના નેતૃત્વમાં સરકાર વિકાસ માટે કામ કરી રહી છે. વિદેશમાં પણ તેમને ઘણું સન્માન મળ્યું. વિરોધીઓ માત્ર પોતપોતાના રાજ્યો તરફ જુએ છે. મને વિપક્ષનો કોઈ નેતા દેખાતો નથી જે નેતૃત્વ કરી શકે.

અમે અલગ પાર્ટી બનાવી નથી, અમે પીએમ મોદીના નેતૃત્વમાં કામ કરવા માંગીએ છીએ: છગન ભુજબળ
છગન ભુજબળે કહ્યું છે કે પાર્ટીનું નામ અને ચિન્હ પણ મારી પાસે જ રહેશે. મેં બાકીના ધારાસભ્યોનો પણ સંપર્ક કર્યો છે અને આજે સાંજ સુધીમાં ઘણા ધારાસભ્યો અહીં પહોંચી જશે. અમે આ સરકારને માત્ર NCP તરીકે સમર્થન આપ્યું છે, અમે અલગ પાર્ટી બનાવી નથી. અમે પીએમ મોદીના નેતૃત્વમાં કામ કરવા માંગીએ છીએ.

અજિત પવારનો અનુભવ મહારાષ્ટ્રને મજબૂત બનાવવામાં મદદ કરશે: એકનાથ શિંદે
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું છે કે હવે અમારી પાસે 1 મુખ્યમંત્રી અને 2 નાયબ મુખ્યમંત્રી છે. ડબલ એન્જિનવાળી સરકાર હવે ટ્રિપલ એન્જિન બની ગઈ છે. મહારાષ્ટ્રના વિકાસ માટે અજિત પવાર અને તેમના નેતાઓનું સ્વાગત છે. અજિત પવારનો અનુભવ મહારાષ્ટ્રને મજબૂત બનાવવામાં મદદ કરશે.

અજિત પવારની અને કેટલાક ધારાસભ્યો શરદ પવારના આ એકતરફી નિર્ણયથી નારાજ હતા
NCPના 9 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેવાના છે. જેમાં પવાર ઉપરાંત તેમાં છગન ભુજબળ, ધનંજય મુંડે, અનિલ પાટીલ, દિલીપ વલસે પાટીલ, ધર્મરાવ આત્રામ, સુનીલ વલસાડ, અદિતિ તટકરે અને હસન મુશ્રીફનો સમાવેશ થાય છે. અજિત પવારની સાથે રાજભવનમાં ગયેલા કેટલાક ધારાસભ્યો પટનામાં વિપક્ષી એકતાની બેઠકમાં મંચ શેર કરવા અને રાહુલ ગાંધીને સહકાર આપવાના શરદ પવારના એકતરફી નિર્ણયથી નારાજ હતા.

શું ખાનગી બેઠકમાં આ રણનિતી તૈયાર કરાય હતી?
અજિત પવારે સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, એકનાથ શિંદે અને અજિત પવારની એક ખાનગી બેઠક યોજાઈ હતી જેમાં આ રાજકીય ઉથલપાથલની રણનીતિ તૈયાર કરવામાં આવી હોય તેવું અનુમાન છે.

કેટલાક લોકોએ મહારાષ્ટ્રની રાજનીતિને સાફ કરવાનું બીડુ ઉઠાવ્યું છે: સંજય રાઉત
મહારાષ્ટ્રની રાજનીતિમાં આવેલી આ ઉથલપાથલ પછી ઉદ્ઘવ જૂથના સંજય રાઉતે કહ્યું કે કેટલાક લોકોએ મહારાષ્ટ્રની રાજનીતિને સાફ કરવાનું બીડુ ઉઠાવ્યું છે. તેમને તેમની રીતે ચાલવા દો. મારી હમણાં જ શરદ પવાર સાથે વાત થઈ તેમણે કહ્યું હું હજું પણ મજબૂત છું આપણને લોકોનું સમર્થન મળી રહ્યું છે. આપણે ઉદ્ધવ ઠાકરે સાથે મળીને ફરીથી પાર્ટીને મજબૂત કરી લઈશું. રાઉતે કહ્યું શિંદે જૂથ દ્વારા રમાયેલી આ ગેમને લોકો વધારે દિવસો સુધી સહન કરશે નહિં. આ ઉપરાંત તેમણે કહ્યું કે અજિત પવાર સાથે ગયેલા તમામ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવશે.

પ્રિયંકા ચતુર્વેદીએ ભાજપ પર નિશાન સાધ્યું
શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે દેશમાં વૈચારિક ગઠબંધનની વાત કરનાર ભાજપ છેલ્લી પાર્ટી હોવી જોઈએ. તેઓ માત્ર રાજકીય તકવાદી છે જેઓ કોઈપણ ભોગે સત્તા ઈચ્છે છે. મહારાષ્ટ્રમાં ભ્રષ્ટાચાર કરી જેલમાં ગયેલા ધારાસભ્યો હવે મંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે.

રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે મહારાષ્ટ્રમાં થયેલા સિયાસી ખેલ પર નિશાન સાધતા કહ્યું કે શું આ એ લોકશાહી જેની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં કરી રહ્યા હતા.

ચૂંટણી આવે ત્યાં સુધીમાં ભાજપ અનેક નવા પ્રયોગો કરશે: અખિલેશ યાદવ
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું છે કે પહેલા સાંસદ ભાજપની પ્રયોગશાળા હતી, પરંતુ હવે તે મહારાષ્ટ્ર બની ગઈ છે. ચૂંટણી આવે ત્યાં સુધીમાં ભાજપ અનેક નવા પ્રયોગો કરશે. પછી ભલે પછાત, દલિત, લઘુમતીને કોઈ સ્થાન ન મળે.

NCP પતનની આરે પહોંચી ગઈ
મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલપાથલ સાથે શરદ પવારની NCP પતનની આરે પહોંચી ગઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપવાની ઓફર કરનાર અજિત પવારે આજે (રવિવારે) તેમના નિવાસસ્થાને સમર્થક ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી અને ત્યારબાદ શિંદે સરકારને ટેકો આપવા માટે 17 ધારાસભ્યો સાથે રાજભવન જવા રવાના થયા હતા. આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલ અને સુપ્રિયા સુલે પણ હાજર રહ્યા હતા. જો કે સુપ્રિયા સુલે અધવચ્ચેથી મીટિંગ છોડી દીધી હતી.

Most Popular

To Top