National

છત્તીસગઢના સુકમા અને કાંકેરમાં મતદાન વચ્ચે નકસલી હુમલો

નવી દિલ્હી: છત્તીસગઢ વિધાનસભાની (Chattishgadh Assembly Election) ચૂંટણી માટેની મતદાન (Voting) પ્રક્રિયા દરમિયાન આજે મંગળવારે નકસલી હુમલો (Naxlite Attack) થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સુકમાના તાડમેટલા અને દુલેડ નજીક સીઆરપીએફ અને નકસલીઓ વચ્ચે અથડામણ થઈ છે. બીજી તરફ કાંકેર જિલ્લામાં બાંદે વિસ્તારમાં પણ અથડામણ થઈ છે. આ બંને ઘટનામાં અનેક નકસલીઓ માર્યા ગયા હોવાની માહિતી સાંપડી છે.

સુકમાના તાડમેટલા અને દુલેડ નજીક સીઆરપીએફ અને નકસલીઓ સામસામે થઈ ગયા હતા. અહીં બંને પક્ષે ભારે ગોળીબાર થયો હતો. કોબરા 206ના જવાનો અને નકસલી વચ્ચે લાંબો સમય સુધી ફાયરીંગ ચાલ્યું હતું. મીનપામાં પોલિંગ પાર્ટીને સુરક્ષા આપવા માટે આ જવાનો જંગલોમાં ફરજ બજાવી રહ્યાં હતાં ત્યારે નકસલીઓએ હુમલો કર્યો હતો. અહીં લગભગ 20 મિનીટ સુધી સામસામે ગોળીબાર ચાલ્યો હતો. આ હુમલામાં કેટલાંક જવાનો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.

બીજી તરફ કાંકેર જિલ્લામાં બાંદે પોલીસ મથક વિસ્તારમાં બીએસએફ અને ડીઆરજીની ટીમ મતદાન માટે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ડીઆરજીની ટીમ પર પાનાવર પાસે હુમલો થયો હતો. ઘટના સ્થળ પરથી એકે 47 મળી આવી છે. તપાસ ચાલી રહી છે. અહીં કેટલાંક નકસલી ઘાયલ અથવા મૃત હાલતમાં મળી આવે તેવી સંભાવના છે.

તમને જણાવી દઈએ કે એક તરફ જ્યારે છત્તીસગઢના સુકમામાં વોટિંગ ચાલી રહ્યું હતું તો બીજી તરફ લગભગ 1 વાગ્યાના અરસામાં પદેડાના દક્ષિણમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. મતદાન માટે એરિયા ડોમિનેશન ડ્યૂટી પર નીકળેલી કેન્દ્રીય રિઝર્વ પોલીસના 85માં વાહન અને માઓવાદીઓ વચ્ચે અહીં અથડામણ થઈ હતી. આ અથડામણ લગભગ 5થી 10 મિનીટ ચાલી હતી. માઓવાદીઓને લગભગ બે થી ત્રણ લાશ ઉંચકી ભાગતા જોવામાં આવ્યા છે. ઘટના સ્થળ પર લોહીના ડાઘા જોવા મળ્યા છે. તમામ જવાનો સુરક્ષિત છે. આસપાસ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

Most Popular

To Top