મુંબઈ: મહારાષ્ટ્રમાં (Maharashtra) ડ્રગ્સ, (Drugs) ભ્રષ્ટાચાર (Corruption) અને ગુનેગારોને (Criminals) રક્ષણ આપવાના મુદ્દે બે રાજકારણીઓ (Politicians) વચ્ચેની લડાઈ (War) અટકતી જણાતી નથી. રાજ્યના વરિષ્ઠ મંત્રી અને એનસીપી (NCP) નેતા નવાબ મલિક (Nawab Malik) અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી (Ex CM) અને બીજેપી (BJP) નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvish) છેલ્લા ઘણા દિવસોથી એકબીજા પર આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોનો સામનો કરી રહ્યા છે. હવે બંને પક્ષો તરફથી એકબીજા સામે કાનૂની નોટિસ (Legal Notice) પણ મોકલવામાં આવી છે.
પીટીઆઇના અહેવાલ અનુસાર, નવાબ મલિકના જમાઈ સમીર ખાન તરફથી પુત્રી નિલોફર મલિક ખાને ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને રૂ.5 કરોડની માનહાનિની નોટિસ મોકલી છે અને લેખિત માફીની પણ માંગ કરી છે. નવાબ મલિકની પુત્રી નિલોફર મલિક ખાને ગુરુવારે તેના ટ્વિટર હેન્ડલ પર 10 નવેમ્બરની કાનૂની નોટિસનો સ્નેપશોટ પોસ્ટ કર્યો હતો. રાજ્ય ભાજપના પ્રવક્તાએ કહ્યું છે કે, તેઓ નોટિસનો કાયદાકીય રીતે જવાબ આપશે. આ દરમિયાન, ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા દેવેન્દ્ર ફડણવીસે પણ કથિત બદનક્ષીભર્યા ટ્વીટ્સ દ્વારા ‘તેમના પરિવારની છબી ખરાબ કરવા’ બદલ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકને કાનૂની નોટિસ મોકલી હતી.
નવાબ મલિકની પુત્રી નિલોફર મલિકે ટ્વીટમાં લખ્યું કે, ખોટા આરોપો જીવનને બરબાદ કરે છે. કોઈ વ્યક્તિ આરોપ મૂકે કે નિંદા કરે તે પહેલાં, તેણે જાણવું જોઈએ કે તેઓ શું વાત કરી રહ્યા છે. આ માનહાનિની નોટિસ દેવેન્દ્ર ફડણવીસ દ્વારા મારા પરિવાર પર કરવામાં આવેલા ખોટા દાવા અને નિવેદનો માટે છે. અમે ઝૂકીશું નહીં. તેમણે કહ્યું કે, આ માત્ર શરૂઆત છે, ભવિષ્યમાં વધુ નોટિસ મોકલવામાં આવશે.
નિલોફર મલિકે આ લીગલ નોટિસની કોપી સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેના અનુસાર ફડણવીસે સમીર ખાન પર ડ્રગ્સ રાખવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે કેસની તપાસ હજુ ચાલુ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે NCB દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં (Charge Sheet)ફડણવીસના એક પણ દાવાને સમર્થન મળતું નથી.
નોંધનીય છેકે દેવેન્દ્ર ફડણવીસ અને નવાબ મલિક બંને એકબીજા પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે. નવાબ મલિકે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસ પર નકલી ચલણના ધંધાને સમર્થન આપવાનો આરોપ મૂક્યો છે, ત્યારે ફડણવીસે દાવો કર્યો છે કે મલિક અને તેનો પરિવાર શંકાસ્પદ જમીન સોદામાં સામેલ છે.