બીલીમોરા : ગણદેવી(Gandevi) તાલુકામાં 91.48 ઇંચ વરસાદ પડ્યા બાદ ચોમાસુ(monsoon) લગભગ સમાપ્ત(finish) થયું છે. ત્યારે ગણદેવી તાલુકાનું ગૌરવ દેવધા ડેમ(Devdha Dam) ઉપર 40 દરવાજા બંધ કરાયા હતા. જેને પગલે 6.45 એમસીએમ (મિલિયન ક્યુબીક મીટર) જેટલા વિશાળ જળભંડાર સંગ્રહિત થતા સમગ્ર પંથકની વર્ષભર પાણી સમસ્યા હલ (Water Problem Solve)થશે.
- દેવધા ડેમમાં 6.45 એમસીએમ જળભંડારથી પાણી સમસ્યા હલ
- ગણદેવી તાલુકામાં 91.48 ઇંચ વરસાદ પડ્યા બાદ ચોમાસુ લગભગ સમાપ્ત
- ગણદેવી તાલુકાનું ગૌરવ દેવધા ડેમના 40 દરવાજા બંધ કરાયા
વર્ષ 2002માં 19 કરોડના ખર્ચે દેવધાડેમ દેવ સરોવર પરીયોજના સાકાર થઈ હતી. 500 મીટર લાંબા અને 5 મીટર પહોળા ડેમમાં 1 એક મીટર ઊંચા અને 4 મીટર પહોળા 40 દરવાજા છે. અગાઉ પુર સંકટ ટાળવા સાવચેતીના ભાગરૂપે ડેમના તમામ દરવાજા ખોલી દેવાયા હતા. ફરી એકવાર તમામ દરવાજા બંધ કરાયા હતા. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વિશાળ જળસંગ્રહથી તાલુકાના ખેતી, ઉદ્યોગ સહિત પીવાના પાણીની સમસ્યા હલ થશે. ડેમના કેચમેન્ટ વિસ્તારની અંબિકા, વેંગણિયા અને પનિહારી નદીઓમાં જળસ્તર વધશે. આ વર્ષે તાલુકામાં 91.48 ઇંચ 2287 મીમી વરસાદ વરસ્યો છે. ડ્રેનેજ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ખુશ્બુ પટેલ, મદદનીશ ઇજનેર પ્રતિક પટેલ, સ્ટાફે જેસીબી મશીન સાથે દિવસભર દરવાજા બંધ કરવાની જહેમત ઉઠાવી હતી.
ગામડામાં હવે બેડા વડે પાણી ભરવા જવુ ભૂતકાળ બનશે
વલસાડ : વલસાડ જિલ્લામાં નલ સે જલ યોજનામાં 100 ટકા લક્ષ્યાંક સિદ્ધ કરવામાં આવ્યો છે, જિલ્લાના 6 તાલુકાના 466 ગામોમાં 307439 ઘરોમાં નળ જોડાણની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ગામડામાં હવે બેડા વડે પાણી ભરવા જવુ કે વેચાતુ પાણી લેવુ એ ભૂતકાળ બનશે. એમ રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરીએ પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં નલ સે જલ સિધ્ધિના કાર્યક્રમમા જણાવ્યું હતું. મંત્રી જીતુભાઈએ ઉમેર્યું કે ધરમપુર-કપરાડામાં 173 ઈંચ વરસાદ પડવા છતાં પાણી માટે વલખા મારવા પડતા હતા. પરંતુ એક એક ઘર સુધી પીવાનું પાણી પહોંચે તે માટે વાસ્મો અને પાણી પુરવઠા બોર્ડે સુપેરે જવાબદારી નિભાવી છે. વલસાડ જિલ્લાએ 100 ટકા લક્ષ્યાંક સિધ્ધ કર્યો છે તેમ છતાં કોઈ ઘર બાકી રહ્યા હોય તો તેને પણ ડિસેમ્બર 2022 સુધીમાં આવરી લેવાશે. નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું કે, પાણી આપવા પહેલા વીજ કનેક્શન આપવુ પડે છે. જેથી ગુજરાતમાં જ્યાં જ્યાં પણ પાણીના સ્ત્રોત છે ત્યાં તમામ સ્થળે વીજ જોડાણ આપી દીધા છે. પાણી પુરવઠા બોર્ડના અધિક્ષક ઈજનેર કે.કે.પટેલે જણાવ્યુ કે, જિલ્લામાં કુલ 307439 ઘરોની સામે 146053 ઘરોમાં નળ જોડાણની સુવિધા હતી. પરંતુ 161386 ઘરોમાં નળ જોડાણની બાકી હતા. જે કામગીરી આજે પૂર્ણ કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન ઈ-તક્તિનું અનાવરણ બાદ વાસ્મો દ્વારા હર ઘર જલ દસ્તાવેજી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. આભારવિધિ વાસ્મોના યુનિટ મેનેજર એચ.એમ.પટેલે કરી હતી.