નવસારી: (Navsari) નવસારી આજે લઘુત્તમ તાપમાન (Temperature) વધુ અડધો ડિગ્રી ગગડીને 14 ડિગ્રી નોંધાતા ગુરૂવાર સિઝનનો સૌથી ઠંડો (Cold) દિવસ નોંધાયો હતો. નવસારીમાં ગત 29મી ઓક્ટોબરે લઘુત્તમ તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું હતું. જેથી સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો.પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાન વધ-ઘટ થઈ રહ્યું હતું. બીજી તરફ થોડા દિવસો અગાઉ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો ડિપ્રેશનને પગલે વાદળછાયું વાતાવરણ રહેતા કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો હતો. પરંતુ ત્યારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી આસપાસ રહ્યું હતું.
- તાપમાન 14 ડિગ્રી નોંધાતા સિઝનનો ઠંડો દિવસ નોંધાયો
- વાદળછાયું વાતાવરણ રહેતા કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો
ગત મંગળવારે લઘુત્તમ તાપમાન 2.5 ડિગ્રી ગગડ્યું હતું. જયારે ગત બુધવારે લઘુત્તમ તાપમાન વધુ 3.5 ડિગ્રી ગગડતા 14.5 ડિગ્રી નોંધાયું હતું. જેથી બુધવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. પરંતુ આજે ગુરૂવારે લઘુત્તમ તાપમાન વધુ અડધો ડિગ્રી ગગડ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાન 6.5 ડિગ્રી ગગડ્યું છે. આજે ગુરૂવારે ઠંડીનો પારો 14 ડિગ્રી નોંધાતા સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. જયારે મહત્તમ તાપમાન પણ વધુ 0.5 ડિગ્રી ગગડતા 33 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 74 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 25 ટકા જેટલું નીચું રહ્યું હતું. આજે ઉત્તર-પૂર્વ દિશાએથી 7.9 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયાં હતાં.
ખારા અબ્રામા ગામે ઝીંગા તળાવના બાંધકામથી ભરાતા પાણીની સમસ્યા દુર કરવા માંગ
નવસારી : જલાલપોર તાલુકાના ખારા અબ્રામા ગામેથી કણાઈ ખાડી, કોયલી ખાડી અને કલ્થાણની પીચીંગવાળી ખાડીઓમાં આગળ પાણી જવાનો રસ્તો ઝીંગા તળાવના બાંધકામના પગલે પાણી જવામાં અવરોધ થઈ રહ્યો છે. જેથી ગામના સુમખડા ફળિયા, પાંજરા ફળિયા, હિંદુ ફળિયા, વાડી ફળિયા તેમજ ડાજી ફળિયાને લગોલગ આવેલા ખાજણ તેમજ ગૌચર જમીન અને પાણીના રોકાણના કારણે ઘણા ઘરોમાં પાણી આવી જવાથી તેમજ ખેતીના રસ્તામાં પણ અવરોધ થવાથી ખેતી કામમાં પણ ઘણું નુકસાન થાય છે. પાણી ભરાવાને લીધે જળકુંભીનો ઉપદ્રવ મોટે પાયે થયો હોવાથી ગૌચરની જમીનમાં ઘાસચારાને બદલે જળકુંભીનું સામ્રાજ્ય હોવાથી પશુધનને ઘાસચારો પણ મળતો નથી. તેમજ પાંજર ફળિયાના રહીશોને કમર ઉપરના પાણીમાંથી પસાર થવું પડે છે. એટલું જ નહી પાજર વગામાં આવેલી બધી જમીનોમાં ચોમાસા દરમિયાન કોઈ ખેત પેદાશ લઈ શકાતી નથી. ચોમાસા સિવાય ઉનાળામાં પણ ખેત પેદાશો શેરડી, કેળ જેવા પાકો રસ્તામાં પાણી ભરાવાના કારણે કોઈ વાહન જઈ શકતું નથી. પરિણામે ખેડૂતો માથે માલ કાઢવો પડે છે. જેથી આ બાબતે યોગ્ય તપાસ કરી પાણીનું રોકાણ થાય અને કણાઈ ખાડીનું ખોદકામ થાય અને પાણીનો યોગ્ય નિકાલ કરી ગામના લોકોને તેમજ પશુધનને લાભ થાય તેવી યોગ્ય વ્યવસ્થા કરવાની ગામના રહીશોએ માંગ કરી છે.