Dakshin Gujarat

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વીજળીના પોલ તોડી નંખાતા ખેડૂતોનો વિરોધ

નવસારી : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) અંતર્ગત કુદરતી વહેણ કોતર, નહેર પર મોટા બ્રિજની જોગવાઈ, ખેતી પાક, ઝાડ, પાક-ઝાડ ચોરી, વીજળીના પોલ તોડી નાંખતા ખેડૂતોએ (Farmer) વિરોધ કરતા નવસારી (Navsari) જિલ્લા બુલેટ ટ્રેન અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે.

નવસારી જિલ્લા બુલેટ ટ્રેન અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિએ જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્ર જણાવ્યું હતું કે, લાર્સન એન્ડ ટોબ્રો લિ. કોન્ટ્રાક્ટર્સની નવસારી તાલુકાના કછોલ ગામે ઓફીસમાં રૂબરૂ મુલાકાત લઈ કણાઈ કુદરતી ખડી તથા સમગ્ર જિલ્લાની અન્ય કુદરતી ખાડી વહેણ ઉપર બોક્ષ ડ્રેઈન ક્લવર્ટ ડીઝાઇન મુબજ બ્રિજ બનાવવા બાબતે રજૂઆત કરી હતી. પરંતુ બુલેટ ટ્રેન કંપની અને કોન્ટ્રાક્ટર કંપનીએ કોઈ કાર્યવાહી હાથ ધરી નથી. પરિણામે ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન અને માનસિક ત્રાસ થયો છે. જોકે નવસારી પ્રાંત અધિકારીએ આમડપોર ખાતે મુલાકાત લીધી હતી. ત્યારે કણાઈ ખાડીની નજીક આવેલી જગ્યા અને એક વગડાની કોતરમાં નાંખેલા ભૂંગળા હાલમાં કાઢી નાખ્યા છે. જે હાલ દેખાડા પુરતી હોય તેમ જણાય છે.

એક સ્થાને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કણાઈ ખાડીની જમીન ગેરકાયદેસર રીતે દબાણ કર્યું છે. જે વિસ્તારની જીડીસીઆરની જોગવાઈઓ લાગુ પડતી ના હોય તેવા સ્થળોએ સંપાદિત જમીનની હદથી 12 મીટર માર્જીન છોડવાનું, કુદરતી ડ્રેઈન હોય તેવા કિસ્સામાં ડ્રેઈનની હદથી 12 મીટર માર્જીન રાખવાનું છે. જ્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સરકારી ઠરાવની જોગવાઈઓ મુજબ વોટર બોડીથી બાંધકામ અંગેના માર્જીન જાળવવામાં આવ્યા નથી અને કુદરતી વહેણની જમીન હડપ કરીને માટી પુરાણ કરીને વહેણ સાંકડું કર્યું છે. બીજુ કુદરતી ખાડી, કોતર, તળાવ, નદી, દરિયો વગેરે ક્રોસિંગ થતું હોય એવી બાંધકામ પ્રવૃત્તિ થતી હોય ત્યારે જિલ્લા ડ્રેનેજ વિભાગની વહીવટી પૂર્વ મંજુરી લેવી ફરજીયાત છે. તેમજ નહેરનું ક્રોસિંગ થતું હોય ત્યારે સિંચાઈ વિભાગની જિલ્લા કચેરીની વહીવટી પૂર્વ મંજુરી ફરજીયાત છે. પરંતુ જિલ્લા ડ્રેનેજ વિભાગ કે સિંચાઈ વિભાગ પાસે મંજુરી મેળવી નથી. પરિણામે અતિવૃષ્ટિના દિવસોમાં કણાઈ કોર્નર ખાડીમાં વરસાદી પાણીના ભરાવાને કારણે ગણેશ સિસોદ્રા, કછોલ, ઉન અને ખડસુપાની ખેતીવાડીમાં બાગાયતી ઝાડ અને પાકોમાં નુકશાન થયું છે. જેથી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.

કછોલ ગામે એલ એન્ડ ટી કંપનીના વાહને વીજપોલ તોડી નાંખ્યો
નવસારી : કછોલ ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. જેનો કોન્ટ્રાક્ટ એલ એન્ડ ટી કંપનીને સોંપવામાં આવ્યો છે. જેથી કછોલ ગામે મોટા વાહનો સામાન ભરી જતા હોય છે. ત્યારે કછોલ ગામે વીજપોલ તૂટવાની ઘટનાઓ બની રહે છે. જેથી ગામજનોમાં રોષ ફેલાયો છે. જે બાબતે જિલ્લા વહીવટી તંત્રને રજૂઆતો પણ કરી છે. આજે ફરી એલ એન્ડ ટી કંપનીના વાહને કછોલ ગામે વીજપોલ તોડી નાંખ્યો હતો. જેના કારણે ગામમાં અનેક ઘરોમાં વીજળી ડૂલ થઇ ગઈ હતી. જેથી ગામના રહીશોએ રસ્તો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો.

Most Popular

To Top