નવસારી: (Navsari) નવસારી આજે લઘુત્તમ તાપમાન (Temperature) વધુ એક ડિગ્રી ગગડતા 17.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન યથાવત રહ્યું હતું. ઉપરાંત વલસાડમાં (Valsad) પણ લઘુત્તમ તાપમાન 16.0 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વલસાડમાં લઘુત્તમ તાપમાન 16.0 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34.0 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83 % ટકા રહ્યું હતું.
નવસારીમાં ગત રવિવારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. બીજા દિવસે ગત સોમવારે લઘુત્તમ તાપમાનમાં અઢી ડીગ્રીનો વધારો થતા 19.5 ડિગ્રી નોંધાયું હતું. જેના પગલે ઠંડીનો ચમકારો ઘટ્યો હતો. જોકે ગત મંગળવારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડતા 18.5 ડિગ્રી નોંધાયું હતું. આજે બુધવારે લઘુત્તમ તાપમાન વધુ 1 ડિગ્રી ગગડતા 17.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 34 ડિગ્રીએ યથાવત રહ્યું હતું. બુધવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 91 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 43 ટકા જેટલું ઉંચુ રહ્યું હતું. આજે પવનોએ દિશા બદલતા ઉત્તર-પૂર્વ દિશાએથી 5.5 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.
વલસાડમાં છેલ્લા 15 દિવસથી વધેલા કોરોનામાં આંશિક ઘટાડો, નવા માત્ર 2 કેસ નોંધાયા
વલસાડ, સેલવાસ : વલસાડ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વધી રહેલા કોરોનાનાં દર્દીઓની સંખ્યામાં બુધવારે આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે માત્ર 2 કેસ નોંધાયા હતા. જેમાં વલસાડ તાલુકાના મોગરાવાડી ખાતે 27 વર્ષની મહિલા અને ધમડાચી ગામે 65 વર્ષની વૃદ્ધાનો સમાવેશ થાય છે. જ્યારે 1 દર્દીને રજા અપાઈ હતી. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં 6192 કેસ નોંધાયા હતા, જે પૈકી 5695 સાજા થયા હતા. જ્યારે 44 દર્દીઓ સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી કોરોનાનાં 2,69,993 ટેસ્ટ કર્યા છે, જે પૈકી 2,33,801 નેગેટિવ અને 6192 પોઝિટિવ નોંધાયા છે. જ્યારે દાદરા નગર હવેલીમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.
પ્રદેશમાં હાલ 4 સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં 5912 કેસ રીકવર થઇ ચુક્યા છે. અગાઉ ત્રણ વ્યક્તિના મોત થયા છે. પ્રદેશમાં આજે આરટીપીસીઆરના 179 નમૂના લેવાયા હતા. જેમાંથી 1 વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જ્યારે રેપિડ એન્ટિજન ટેસ્ટના 243 નમૂના લેવાયા હતા. જે તમામ નેગેટીવ આવ્યા હતા. પ્રદેશમાં 1 કંટાઈમેન્ટ ઝોન નક્કી કરાયો છે. દાનહ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પીએચસી, સીએચસી અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સિનનું ટીકાકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે 1436 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. પ્રદેશમાં પ્રથમ ડોઝ 3,87,414 અને બીજો ડોઝ 1,81,153 વ્યક્તિઓને આપવામાં આવ્યો છે. હાલ સુધીમાં કુલ 5,68,567 લોકોને વેક્સિન આપવામાં આવી છે.