નવસારી, વલસાડ, વાપી, બીલીમોરા: (Navsari,Valsad) ગણદેવી તાલુકા અને બીલીમોરામાં શુક્રવારે વહેલી સવારે ભારે ધુમ્મસ (Fog) સાથે કડકડતી ઠંડી (Cold) વર્તાતા લોકોએ હિલ સ્ટેશનનો અનુભવ કર્યો હતો. સમગ્ર તાલુકા સાથે બીલીમોરામાં તો વિઝિબિલિટી ઝીરો થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી તરફ આંબા કલમો ઉપર આમ્રમંજરી કલગી ફૂટ વેળા ધુમ્મસનું આવરણ ફરી વળતા આમ્રમંજરી કાળી પડવાની સંભાવના સાથે જગતનો તાત મુંઝાયો હતો.
- નવસારી – વલસાડ જિલ્લામાં ફરી ધુમ્મસની ચાદર પથરાઇ
- વલસાડ, વાપી, કપરાડા, ગણદેવી અને બીલીમોરામાં ગાઢ ધુમ્મસથી વાતાવરણ ઠંડુગાર બની ગયુ – વિઝિબિલિટી ઝીરો થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા
- આંબા કલમો ઉપર આમ્રમંજરીની ફૂટ વેળા ધુમ્મસનું આવરણ ફરી વળતા આમ્રમંજરી કાળી પડવાની સંભાવના
શુક્રવારે સવારે ગાઢ ધુમ્મસ વચ્ચે ધીમે ધીમે વહેતી હવા અને હવામાં ઉપસ્થિત ભેજ, તરતી અશુદ્ધિઓ સાથે વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. તે સાથે ઠંડીના ચમકારા વચ્ચે લોકો અચંબિત બન્યા હતા. જો કે જેમ જેમ દિવસ ચઢતો ગયો તેમ તેમ ધુમ્મસની ચાદર વિખેરાતા સૂર્યનારાયણના દર્શન થયા હતા. અને જનજીવન ધબકતું થયું હતું. ગણદેવી તાલુકાનો વિસ્તાર બાગાયતી છે. ત્યારે ધુમ્મસને કારણે આંબા-ચીકુ કલમો, ફળફળાદી, શાકભાજીમાં રીંગણ, પાપડી, મરચી પાકો અને આમ્રમંજરીની કલગીઓમાં ઇયળ, જીવાતનો ઉપદ્રવ સાથે ફૂલ ખરણની સંભાવના વર્તાઈ રહી છે. જેને કારણે જગતનો તાત મુંઝાયો હતો.
ઉપરાંત વલસાડ, વાપી અને કપરાડામાં પણ વહેલી સવારે ધુમ્મસ છવાતા બાઇક ચલાવવામાં તકલીફ પડી હતી. વાપીમાં શુક્રવારે ફેલાયેલું ધુમ્મસ સવારે દસેક વાગ્યા સુધી રહ્યું હતું. સવારનો સૂરજ પણ ઝાંખો અને શીતળ ચાંદ જેવો નજરે પડ્યો હતો. ગાઢ ધુમ્મસ છવાતા દૂર-દૂર સુધી કંઈ નજરે નહીં પડતા નાના-મોટા વાહનચાલકોએ હેડલાઈટ તથા પાર્કિંગ લાઈટ ચાલુ રાખવી પડી હતી.