નવસારી, વલસાડ: (Navsari Valsad) નવસારી શહેરમાં એક જ દિવસમાં કોરોનાના નવા 5 કેસ સહિત જિલ્લામાં કોરોનાના નવા 7 કેસ નોંધાતા જ સોમવારે જિલ્લામાં કુલ 39 કોરોના એક્ટિવ કેસો સારવાર હેઠળ છે. જ્યારે વલસાડ જિલ્લામાં નવા 8 કેસો (Case) નોંધાયા છે.
નવસારી જિલ્લામાં, ખાસ કરીને શહેરમાં કોરોનાએ ઝડપ પકડવા માંડી લાગે છે. તા. 24મીએ એક જ દિવસમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા બાદ આજે ગુરૂવારે જિલ્લામાં કોરોનાના કુલ નવા 7 કેસ નોંધાયા હતા. નવસારી શહેરમાં 5 અને જલાલપોર તાલુકામાં એક અને ગણદેવી તાલુકાના મોરલી ગામે એક નવો કેસ નોંધાયો હતો. એ સાથે જ જિલ્લામાં કોરોનાના સારવાર હેઠળના કેસ વધીને 39 થયા છે. જેમાં નવસારી તીઘરા વાડીની સામે દેવ રેસિડન્સીમાં રહેતી મહિલા, નવસારી જમાલપોર ગામે સિલ્વર સ્ટોનમાં રહેતી યુવતી, ગણદેવી તાલુકાના મોરલા ગામે નવા ફળિયામાં રહેતા આધેડ, વિજલપોર લક્ષ્મીનગર આંબાવાડીમાં રહેતા યુવાન, નવસારી છાપરા રોડ પર સમૃદ્ધિ કોમ્પ્લેક્ષમાં રહેતા યુવાન, નવસારીના સાતેમ ગામે રહેતી મહિલા આધેડ અને નવસારી તીઘરા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ કાવેરી એપાર્ટમેન્ટમાં રહેતા મહિલાનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે.
વલસાડ જિલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. ગુરુવારે જિલ્લામાં અત્યાર સુધીના એક દિવસમાં સૌથી વધુ નવા 8 કેસો નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 1433 કેસો નોંધાયા છે, કોરોના હવે ગામડાઓમાં સક્રમન વધરી રહ્યો હોય તેમ ગામડાઓમાંથી પણ કેસો નોંધાય રહ્યા છે. નવા નોંધાયેલા કેસમાં વલસાડ તાલુકામાં ફ્લધરા ભગત ફળિયાના 69 વર્ષીય વૃદ્ધ, વલસાડ નાની મહેતવાડ ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટના 76 વર્ષીય વૃદ્ધા, લીલાપોર જીવનધારાનો 45 વર્ષીય પુરુષ, સુમુખ એપાર્ટમેન્ટ હાલર રોડનો 34 વર્ષીય પુરુષ, જી.5 સુમેઘા એપાર્ટમેન્ટનો 38 વર્ષીય પુરુષ, વાપી ભાગ્યોદય સોસાયટી જયરાજ બગલો ચલાનો 25 વર્ષીય પુરુષ, વાપી પ્રમુખ હિલ છરવાડા રોડની 20 વર્ષીય યુવતી અને ધરમપુર કાંગવીમાં 51 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.
નવસારી જિલ્લા ભાજપ પ્રમુખે કોરોના રસી લીધી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા વિશ્વમાં મોટા રસીકરણ અભિયાન અંતર્ગત આજ રોજ કબીલપોર ગ્રામપંચાયત ખાતે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહે પ્રથમ ડોઝ લીધો હતો અને લોકોને 60 વર્ષથી વધુ ઉમરના દરેક નાગરિકોએ કોરોના વેક્સિનનો ડોઝ લેવો જોઈએ અને સાથે સાથે નવસારી જિલ્લા ભાજપના તમામ કાર્યકર્તાઓને સૂચન કરવામાં આવ્યું કે એમના વિસ્તારમાં કોઈ પણ 60 વર્ષથી વધુ ઉમરના લોકો રસી લેવામાં બાકી હોઈ તો અમને પણ વહેલી તકે રસી અપાવી દેવી જેથી કરીને આ અભિયાનમાં કોઈ પણ દેશનો નાગરિક રહી ન જાય જેની ભાજપ કાર્યકર્તાઓએ ધ્યાન રાખવું.
દમણમાં કોરોના બ્લાસ્ટ : એક સાથે 12 કેસ મળી આવ્યા
દમણ : સંઘ પ્રદેશ દમણમાં કોરોનાના બીજા વેવ પછી પ્રદેશમાં કોવિડ-19 ના કેસોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ગુરૂવારે દમણમાં કોરોનાનો બ્લાસ્ટ થયો હોય તેમ એક જ દિવસમાં 12 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. પ્રદેશમાં હવે એક્ટિવ કોરોના પોઝિટિવની સંખ્યા 37 ઉપર પહોંચી છે. આજે 4 દર્દી સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ડાંગ જિલ્લામાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા
સાપુતારા : ડાંગ જિલ્લામાં કોરોનાનો પગપેસારો વધવાની સાથે આજે વધુ ત્રણ કેસ નોંધાયા હતા. જિલ્લામાં ચૂંટણી બાદ કોરોનાનો ડોળો લાગ્યો છે. કોરોનાની દહેશત વચ્ચે આજે આહવામાં વધુ ત્રણ કેસ સામે આવ્યા છે. જેમાં આહવાનાં પટેલપાડાનો 42 વર્ષીય પુરૂષ, 82 વર્ષીય વૃદ્ધ અને સહયોગ સોસાયટીનાં 62 વર્ષીયનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
ગુજરાત ચેકપોષ્ટ ઉપર 24 કલાક ટીમ તૈનાત
વલસાડ જિલ્લામાં કોરોનાના સક્રમણને અટકાવવા સરકારે ગુજરાતમાં પ્રવેશતા તમામ સ્થળોએ ચેક પોષ્ટ બનાવી સ્ક્રીનિગ શરૂ કર્યું છે. મહારાષ્ટ્ર તરફથી આવતા લોકોને નેગેટિવ સર્ટી હોય તો જ પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે ગુજરાત- મહારાષ્ટ્રના સરહદે આવેલા હુડા રાજબારી ખાતે પણ ચેક પોષ્ટ ખાતે 24 કલાક આરોગ્ય વિભાગ પોલીસની ટીમ તહેનાત કરી દેવાઈ છે. ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહન ચાલકોનું થર્મલ ગનથી સ્ક્રીનિગ કરાઈ રહ્યું છે.અને વધુ તાપમાન ધરાવતા લોકોનો કોરોના ટેસ્ટ પણ કરાઈ રહ્યો છે. સાથે કપરાડા તાલુકાના સ્થાનિકો નજીકના પેઠ જે નાસિક કામ માટે જતા હોય છે, જેમનું પણ પ્રતિદિન સ્ક્રીનિગ કરવામાં આવતું હોવાનું તાલુકા હેલ્થ ઓફિસર ડો.મહેશ પટેલે જણાવ્યું હતું.