નવસારી, વલસાડ: (Valsad Navsari) વલસાડ જિલ્લામાં શનિવારે કોરોનાના 3 કેસ નોંધાયા હતા. જ્યારે બે દર્દીઓને રજા અપાઈ છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના (Corona) 1387 કેસ નોંધાયા છે, જે પૈકી 1220 ને રજા આપી દેવાઈ છે, જ્યારે 14 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે નવસારી જિલ્લામાં આજે કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો ન હતો. જ્યારે આજે 5 દર્દીઓ (Patient) સાજા (Recover) થયા હતા. વલસાડમાં અત્યાર સુધી 39,897 ટેસ્ટ થયા જે પૈકી 38,510 નેગેટિવ અને 1387 પોઝિટિવ નોંધાયા હતા.
વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ છૂપી રીતે વધી રહ્યું છે. લાંબા સમયગાળા બાદ શરૂ થયેલી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે. ત્યારે હવે વલસાડ તાલુકાના ચિંચાઈ પ્રાથમિક શાળાની બે શિક્ષિકા પણ કોરોનાગ્રસ્ત થઈ હોવાની માહિતી બહાર આવતા જ ખળભળાટ મચી ગયો છે. આ શિક્ષિકાઓ કોરોનાગ્રસ્ત થતા તેમના 16 વિદ્યાર્થીઓને પણ ઘરમાં જ આરોગ્ય વિભાગના ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. આરોગ્ય વિભાગે પણ સઘન સર્વેલન્સ હાથ ધર્યું છે.
થોડા દિવસ અગાઉ વલસાડના બે વિદ્યાર્થીઓ પણ કોરોનાગ્રસ્ત થયા હતા. આમ વિદ્યાર્થીઓ બાદ હવે શિક્ષકો પણ કોરોનાગ્રસ્ત થતા પરિસ્થિતિ ધીરે ધીરે ગંભીર બની રહી હોય તેવું લાગી રહ્યું છે. આરોગ્ય વિભાગે કામગીરીને અસરકારક બનાવવી જોઈએ. લોકોએ પણ કોવિડ-19 ની ગાઈડ લાઈનનો અમલ કરવો જોઈએ.
વલસાડ જિલ્લામાં શનિવારે કોરોનાના 3 કેસ નોંધાયા હતા. જ્યારે બે દર્દીઓને રજા અપાઈ છે. ઉપરાંત સંઘપ્રદેશ દમણમાં શનિવારનાં રોજ વધુ 2 કેસ કોરોના પોઝિટિવના નોંધાવા પામ્યા છે. વલસાડ જિલ્લામાં નવા નોંધાયેલા કેસમાં ચિંચાઈ પ્રાથમિક શાળાની બે શિક્ષિકા અને તિથલ રોડ પર રહેતો એક 44 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 1387 કેસ નોંધાયા છે, જે પૈકી 1220 ને રજા આપી દેવાઈ છે, જ્યારે 14 દર્દીઓ સારવાર હેઠળ છે.
આરોગ્ય વિભાગે સર્વેલન્સ હાથ ધર્યું
વલસાડ તાલુકા હેલ્થ ઓફિસર ડો.કમલે જણાવ્યું કે, ચિંચાઈ શાળાની બે શિક્ષિકાઓએ કોરોના રેપીડ ટેસ્ટ કરાવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે શાળાના 16 વિદ્યાર્થીઓને તેમના ઘરે જ આઈસોલેટ કરી દેવાયા છે. આરોગ્ય વિભાગે સર્વેલન્સ હાથ ધર્યું છે.
નવસારી જિલ્લામાં કોરોનાનો નવો કેસ નહી નોંધાતા રાહત
નવસારી : નવસારી જિલ્લામાં આજે કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો ન હતો. નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસો નોંધાતા આરોગ્ય વિભાગ સહિત લોકોમાં ફફડાટ ફેલાયો હતો. છેલ્લા 4 દિવસમાં કોરોનાના 11 કેસો નોંધાય હતા. જોકે આજે જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો. બીજી તરફ આજે 5 કોરોના પોઝીટીવ દર્દીઓએ કોરોનાને માત આપતા જિલ્લામાં કુલ 1484 દર્દીઓ સાજા થયા છે. શનિવારે 446 લોકોના સેમ્પલો લેવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કોરોનાના 148785 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી 146739 સેમ્પલ નેગેટીવ રહ્યા હતા, જ્યારે 1600 ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા. એ સાથે જ અત્યારે જિલ્લામાં કોરોનાના 14 એક્ટિવ કેસો છે. જ્યારે 102 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.