નવસારી : એન.આર.આઈ. (NRI) યુવતીને નવસારીના (Navsari) યુવાન સાથે લગ્ન (Marriage) કરવાનું ભારે પડ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નવસારીનો યુવાન સોશિયલ મીડિયા (Socail Media) મારફત એન.આર.આઈ. યુવતીના પરિચયમાં આવ્યા બાદ તેઓએ લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ યુવાને યુવતી સાથે યુ.કે. માં રહેવાના બહાને વિઝા અને અન્ય કામો માટે 35 લાખ રૂપિયા લીધા હતા. યુવાન એન.આર.આઈ. યુવતીની મદદથી યુ.કે. પહોચ્યા બાદ તેણે યુ.કે. નિયમ મુજબ એક તરફી ડાઈવર્સ લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા મામલો નવસારી ગ્રામ્ય પોલીસ મથકે (Police Station) પહોંચ્યો છે.
મળતી માહિતી મુજબ, મૂળ વિજલપોરમાં અને હાલ યુ.કે. લેસ્ટર મોરેસ રોડ પર રહેતી યુવતી ગત 2016 માં ફેસબુક સોશિયલ મીડિયાના માધ્યમથી જમાલપોરમાં રાજીવનગર સોસાયટીમાં રહેતા વત્સલ બાબુભાઈ આહીર સાથે મુલાકાત થઇ થઇ હતી. ત્યારબાદ એન.આર.આઈ. યુવતી અને વત્સલે સગાઈ કરવાનું નક્કી કરતા ગત 2017 માં એન.આર.આઈ. યુવતી ભારત આવી પરિવારની મરજીથી સગાઈ કરી હતી. અને યુવતી પરત યુ.કે. ખાતે જતી રહી હતી. ત્યારબાદ વત્સલ, તેની માતા વર્ષાબેન અને પિતા રમેશભાઈ ઉર્ફે બાબુભાઈ આહીર એન.આર.આઈ. યુવતી પાસે સારા-મોળા પ્રસંગે રૂપિયા મોકલવા જણાવતા યુવતી તેઓને પૈસા મોકલી આપતી હતી. વત્સલ યુ.કે. જવા માટે વિઝા મેળવવા માટે યુવતી પાસેથી પૈસાની માંગણી કરતો હતો. જેથી યુવતી વત્સલને પૈસા મોકલી આપતી હતી.
ગત 2018 માં એન.આર.આઈ. યુવતી નવસારી આવી વત્સલ સાથે રીતીરીવાજ મુજબ લગ્ન કર્યા હતા. ત્યારબાદ યુવતી વત્સલને યુ.કે. લઈ જતા વત્સલને અઢી વર્ષના સ્પાઉસ વિઝા આપ્યા હતા. અને વત્સલને યુવતીની માતાએ પેપર બેગની કંપનીમાં નોકરી અર્થે લગાડ્યો હતો. પરંતુ ત્યારબાદ પણ વત્સલ યુવતી પાસે જ પૈસા માંગતો હતો. આ સિવાય વત્સલે યુવતીની જાણ બહાર તેણીને ગેરેન્ટર તરીકે રાખી યુ.કે. માં બારકલે બેંકમાંથી 5 હજાર પાઉન્ડ (પાંચ લાખ રૂપિયા) લોન લીધી હતી. બે માસ બાદ વત્સલ યુવતીના ઘરેથી તેમની જાણ બહાર આશરે ત્રણેક લાખ રૂપિયા અને સોનાના દાગીના લઈ નાસી ગયો હતો. જેથી યુવતીએ બ્રિટીશ એમ્બસી અને ભારત એમ્બસીમાં જાણ કરતા તેના વિઝા કેન્સલ કરી દીધા હતા.
વત્સલે યુવતી સાથે ડાઈવર્સ લેવા માટે યુ.કે. માં અરજી ફાઈલ કરી હતી. જેમાં તેણે ખોટી માહિતી ભરી હોવાથી વધુ 60 દિવસ રહેવા માટેની મંજુરી આપી હતી. અને વત્સલે અરજી કરી યુ.કે. ના નિયમ મુજબ એક તરફી યુવતી સાથે ડાઈવર્સ લીધા હતા. જેમાં યુવતીએ સહી કરી ન હતી. જેથી એન.આર.આઈ. યુવતી પાસેથી ટુકડે-ટુકડે 35 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લઈ તેણીને પરત નહીં કરી યુવતી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઇ હોવાનું ધ્યાને આવ્યું હતું. આ બનાવ અંગે એન.આર.આઈ. યુવતીએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે વત્સલ, રમેશભાઈ ઉર્ફે બાબુભાઈ આહીર અને વર્ષાબેન આહીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. વી.જે. પટેલે હાથ ધરી છે.