નવસારી : નવસારીમાં (Navsari) મોડી રાત્રે રોકેટ (Rocket) સામાન ભરેલા ટ્રકની (Truck) ઉપર પડતા આગ (Fire) લાગી હતી. જેથી રાત્રે દોડધામ મચી જતા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ગતરોજ દિવાળી હોવાથી નવસારીમાં મોડી રાત સુધી ફટાકડા ફૂટી રહ્યા હતા. તેમજ આકાશમાં આતશબાજી પણ થઈ રહી હતી. જોકે આ દિવાળીના ઉત્સવમાં દુર્ઘટના ઘટી હતી.
નવસારીના સાંઢકુવા પાસે આવેલા રિલાયન્સ મોલમાંથી એક ટ્રક કોલડ્રિન્કસ ભરી ટ્રક જઇ રહી હતી. ત્યારે એક રોકેટ તે ટ્રક ઉપર પડતા રોકેટના તણખલાથી આગ લાગી હતી. જોત જોતામાં આગ વધી ગઈ હતી. જેથી સ્થાનિકોમાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાને પગલે નવસારી ફાયર વિભાગને જાણ કરતા પાણીના બમ્બાઓ સ્થળ ઉપર પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ ટ્રકમાં ભરેલો સામાન બળી જતા નુકશાન થયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળી હોવાથી ફાયર વિભાગના કેટલાક જવાનો રજા પર હતા. જોકે ફાયર વિભાગ તહેવારમાં પણ ખડેપગે સેવા આપી રહ્યા હતા. ત્યારે ટ્રકમાં આગ લાગવાની ઘટનામાં આગ ઉપર કાબુ મેળવવા માટે કેટલાક સ્થાનિકોએ ફાયર વિભાગને મદદ કરી હતી.
દિવાળીના દિવસે અમદાવાદ સહિત રાજ્યભરમાં આગના સંખ્યાબંધ બનાવો
અમદાવાદ : દિવાળીનો પર્વ ખુશી અને આનંદનો હોય છે. જેમાં લોકો પરિવાર સાથે ફટાકડા ફોડી અનેરો આનંદ મેળવતા હોય છે. પરંતુ આ જ ફટાકડાને કારણે જ્યારે આગ લાગતી હોય છે, ત્યારે આ આનંદ કેટલાક પરિવારો માટે માતમમાં ફેરવાઈ જતો હોય છે. દિવાળીના દિવસે જ અમદાવાદ સહિત રાજ્યમાં સંખ્યાબંધ આગના બનાવો બન્યા હતા. જેમાં અમદાવાદના સારંગપુર વિસ્તારમાં વેસ્ટ કાપડના ગોડાઉનમાં આગ લાગી હતી. અને જોત જોતામાં ગોડાઉનની બાજુની ચાલીમાં 11 મકાનો પણ આગની ચપેટમાં આવી ગયા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગરના ઉદ્યોગનગરમાં એક કાપડની ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ઉપરાંત વડોદરા, સુરત, પંચમહાલ, રાજકોટ, મહેસાણામાં અલગ સ્થળોએ આગના બનાવો બન્યા હતા. સદ્દનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
અમદાવાદ શહેરમાં દિવાળીના દિવસે લોકો પરિવાર સાથે ફટાકડાનો આનંદ માણી રહ્યાં હતાં, ત્યારે શહેરના સારંગપુર વિસ્તારમાં માણેકપુરની ચાલી ખાતે આવેલા અચાનક એક મકાનમાં આગ લાગી હતી. જોત જોતામાં 11 મકાનો આગની ઝપેટમાં આવી ગયા હતા. આગમાં પાંચ જેટલા ગેસ સિલિન્ડરો પણ ફાટ્યા હતા. જો કે કોઈ જાનહાની કે ઈજા થવા પામી ન હતી પરંતુ લાખો રૂપિયાનો નુકસાન થવાનો અંદાજ છે. આ આગ ફટાકડાને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડે ભારે જહમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
તેવી જ રીતે દિવાળીને રાત્રે સુરેન્દ્રનગરના ઉદ્યોગ નગરમાં આવેલી એક રેડીમેડ ગારમેન્ટ બનાવવાની ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં તાત્કાલિક ચાર જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. રેડીમેડ ગારમેન્ટ બનાવતી ફેક્ટરીમાં રોકેટ પડવાથી કે ફટાકડાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. તેમ છતાં આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.