નવસારી : નવસારીમાં (Navsari) મહિલાએ અન્ય સગાં-સબંધીઓ પાસેથી લીધેલા નાણા ચુકવવા માટે વ્યાજખોર (Usury) પાસે ડાયમંડનો સેટ અને બુટ્ટી ગીરવે મૂકી 2.50 લાખ રૂપિયા લીધા હતા. જેની સામે મહિલાએ 2.50 લાખ રૂપિયા વ્યાજ ચુકવ્યું છતાં વ્યાજખોર મહિલા પાસેથી વ્યાજના નાણા વસુલવા માટે મહિલાને અપશબ્દો બોલી ધાકધમકી આપતા મહિલાએ વ્યાજખોર વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકે (Police Station) ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, મૂળ નવસારી માણેકલાલ રોડ આદેશ એપાર્ટમેન્ટમાં અને હાલ નવસારી આશાનગર પ્રિન્સ એપાર્ટમેન્ટમાં રહેતા વનીતાબેન જયેશભાઈ મહેતાએ ગત 2015 માં પતિ બીમાર પડતા સગાં-સબંધીઓ પાસેથી હાથ ઉછીના પૈસા લીધા હતા. તેમજ ગત 2018 માં દીકરો બીમાર પડતા સગાં-સબંધીઓ પાસેથી પૈસા લીધા હતા. જે પૈસા આપવા માટે પૈસાની જરૂરિયાત પડતા વનીતાબેને મોનીકાબેન કમલેશ મહેતાને વાત કરતા મોનીકાબેને નવસારી શિવપાર્વતી સોસાયટીમાં સ્વસ્તિક એપાર્ટમેન્ટની સામે બંગલામાં રહેતા મનોજભાઈ રમણલાલ ગાંધી સાથે સંપર્ક કરાવતા વનીતાબેને 2.50 લાખ રૂપિયાની જરૂરિયાત હોવાનું મનોજભાઈને જણાવ્યું હતું. જેથી મનોજભાઈએ મુદ્દલ રકમ પરત નહી આપે ત્યાં સુધી દર મહીને ૫ ટકા પ્રમાણે વ્યાજ આપવું પડશે તેમજ રૂપિયાના બદલામાં કોઈ ચીજવસ્તુ આપવી પડશે તેવી વાત કરતા વનીતાબેને તેમની દીકરીનો રીયલ ડાયમંડનો સેટ અને તેની બુટ્ટી તેમજ સિક્યુરીટી પેટે બેંકનો કોરો ચેક મનોજભાઈને આપી 2.50 લાખ રૂપિયા લીધા હતા.
મનોજભાઈ 2.50 લાખ રૂપિયાનું 7 ટકા પ્રમાણે વ્યાજના 9 હજાર રૂપિયા ગણતા હતા. દર મહિનાના અંતે મનોજભાઈ વનીતાબેનના ઘરે આવી રોકડા લઈ જતા હતા. પૈસા આપવામાં મોડું થાય તો અલગથી એક દિવસના ૪૦૦ રૂપિયા પેનલ્ટીના લેતા હતા. કોવિડ-19 ના સમયે લોકડાઉનમાં મનોજભાઈ પૈસાની માંગણી કરતા. પરંતુ તે સમયે વનિતાબેન પાસે પૈસાની વ્યવસ્થા નહીં થતા મનોજભાઈ ધાકધમકી આપતા હતા. જેથી ડરના કારણે વનીતાબેને તેમના ઘરેલી ચીજવસ્તુનું વેચાણ કરીને મનોજભાઈને વ્યાજના પૈસા ચૂકવ્યા હતા. છેલ્લા એકાદ વર્ષથી વનીતાબેન પાસે પૈસાની સગવડ નહીં હોવાથી મનોજભાઈને પૈસા આપવાનું બંધ કરતા મનોજભાઈ ઘરે આવી તેમજ વનીતાબેનની દીકરીને રસ્તામાં મળી મુદ્દલ અને વ્યાજના નાણાની માંગણી કરતા હતા. જો પૈસા નહી આપો તો જાનથી મારી નાંખવાની તેમજ તેમની પાસે કોરો ચેક છે જે ચેક બાઉન્સ કરાવડાવી કોર્ટમાં કેસ દાખલ કરાવવાની ધમકી આપતા હતા. આ બનાવ અંગે વનીતાબેને નવસારી ટાઉન પોલીસ મથકે મનોજભાઈ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. કે.એચ. ચૌધરીએ હાથ ધરી છે.