નવસારી : નવસારીમાં અગાઉના કેસમાં સમાધાન કરવા દબાણ કરી 3 યુવાનોએ એકને માર મારતા મામલો નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે.
- નવસારીમાં અગાઉના કેસમાં સમાધાન કરવા દબાણ કરી 3 યુવાનોએ એકને ફટકાર્યો
મળતી માહિતી મુજબ, નવસારી કરિશ્મા ગાર્ડન સોસાયટીમાં વસીમભાઈ બસીરભાઈ શેખ તેમના પરિવાર સાથે રહે છે. ગત 8મીએ વસીમભાઈ રાત્રે 10 વાગ્યે જમવાનું લેવા માટે પેટ્રોલ પંપની સામે આરાધના પાન પાર્લર પાસે રોડ ઉપર ઉભો હતો. દરમિયાન એક સફેદ રંગની મોપેડ ઉપર તરોટા બજાર ઘનશ્યામ જીમની સામે રહેતા આસિફ જાફર પઠાણ, કરિશ્મા ગાર્ડનમાં રહેતા અલી પઠાણ અને એક અજાણ્યો ઈસમે આવી વસીમભાઈને ખેંચી ‘આગળના કેસનું સમાધાન કરી નાંખ, નહીં તો તને અને તારા પરિવારને મારી નાંખીશું’ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ તેઓએ વસીમભાઈને ધક્કો મારતા જમીન પર પડી ગયા હતા. બાદમાં આસિફે કમરના ભાગેથી રેમ્બો ચપ્પુ કાઢી વસીમભાઈને ચપ્પુ મારવા જતા વસીમભાઈએ ડાબો હાથ ઉચકતા પહેલી આંગળી ઉપર વાગ્યુ હતું. ત્યારબાદ અલી પઠાણ અને એક અજાણ્યા ઇસમે પકડી બીજુ ચપ્પુ મારવા જતા વસીમભાઈએ જમણો હાથ ઊંચો કરી ચપ્પુ પકડવા જતા આંગળીમાં વાગ્યું હતું. જેથી વસીમભાઈએ બુમાબુમ કરી દેતા લોકટોળુ ભેગું થઈ ગયું હતું. જેના કારણે આસિફ, અલી અને અજાણ્યો ઈસમ જાનથી મારી નાંખવાની ધમકી આપી મોપેડ પર બેસી જતા રહ્યા હતા. આ બનાવ અંગે વસીમભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે આસિફ, અલી અને અજાણ્યો ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એસ.એમ. ગામીતે હાથ ધરી છે.
ભીલાડમાં મોબાઈલ ઝુંટવી બાઈક સવાર ત્રણ શખ્સ ફરાર
ઉમરગામ : ભીલાડમાં મોબાઈલ ઝુંટવી બાઈક સવાર ત્રણ શખ્સો ફરાર થઈ ગયાની ઘટના ભીલાડ પોલીસ ચોપડે નોંધાવા પામી છે. પ્રાપ્ત સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ યુનિક હોસ્ટેલ ભીલાડ ખાતે રહેતા મૂળ મધ્ય પ્રદેશના રઘુપત શ્રીશીવપતિ સિંઘ શનિવારે સવારે આઠેક વાગ્યાના સુમારે તલવાડા ખાતે નોકરી ઉપર જવા નીકળ્યા હતા, ત્યારે સરીગામ સનસીટીની સામે પહોંચતા ફોન ઉપર વાત કરતા કરતા ભીલાડ તરફ જતા હતા તે વખતે પાછળથી કાળા કલરની અપાચી મોટર સાયકલ ઉપર રેનકોટ પહેરીને આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ હાથમાંથી રૂપિયા ૧૦ હજારની કિંમતનો મોબાઈલ ફોન ઝૂંટવી ચીલઝડપ કરી નાસી ગયા હતા. આ બનાવની ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.