નવસારી : નવસારી શહેરમાં ગણેશ વિસર્જન પ્રક્રિયા બીજા દિવસે વહેલી સવાર સુધી ચાલી હતી. પરંતુ વિસર્જન પ્રક્રિયા દરમિયાન મોડી રાત્રે પોલીસ અને વિરાવળ ગામના સેવકો વચ્ચે માથાકૂટ થતા વિસર્જન પ્રક્રિયા બંધ થઈ હતી. જોકે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ગામના અગ્રણીઓએ વાતચીત કરી મામલો થાળે પાડ્યો હતો. જેથી વિરાવળ ગામના સેવકોએ ફરી વિસર્જન પ્રક્રિયા શરુ કરી હતી. ત્યારે બીજા દિવસે સવારે 5:30 વાગ્યે ગણેશજીની અંતિમ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ગત રોજ અનંત ચૌદસના દિને ગણેશજીની મૂર્તિનું વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નવસારી જિલ્લામાં પણ નવસારી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ગણેશ પ્રતિમાઓનું પૂર્ણા નદી પર વિરાવળ, ધારાગીરી અને જલાલપોરમાં સંતોષી માતાજીના મંદિર પાસે તેમજ જિલ્લાના અન્ય તાલુકાઓમાં નદી કિનારે અને તળાવ કિનારે બનાવવામાં આવેલા ઓવારા પરથી વિસર્જન કરવામાં આવ્યું હતુ.
નવસારી અને વિજલપોર શહેરના ભક્તો સવારથી જ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જોકે બપોરબાદ ગણેશજીની મોટી મૂર્તિઓ વિસર્જન માટે આવતી હોવાથી શહેરના રસ્તાઓ પર ભારે ટ્રાફિક થતું હોય છે. જેથી ભક્તોએ સવારે વહેલા જઈ ગણેશજીની નાની મૂર્તિનું વિસર્જન કરી આવ્યા હતા. ત્યારબાદ સવારે 10 વાગ્યેથી વિરાવળ પૂર્ણા નદી ખાતે ગણેશજીની મોટી મૂર્તિઓ આવવાનું શરુ થતા તંત્રએ વિસર્જન કરવાનું શરુ થયું હતું. આમ તો વિજલપોર શહેરના મંડળો ગણેશજીની મૂર્તિનું વિસર્જન દાંડી દરિયામાં કરતા હોય છે. પરંતુ વિજલપોર રેલ્વે ફાટક ઉપર ઓવરબ્રિજની કામગીરીને કારણે વિજલપોરના મંડળો પણ વિરાવળ પૂર્ણા નદીએ વિસર્જન કરવા ગયા હતા.
ગત રોજ સમગ્ર દિવસ અને રાત્રી દરમિયાન સતત વિસર્જન પ્રક્રિયા ચાલી રહી હતી. દરમિયાન મોડી રાત્રે વિરાવળ પૂર્ણા નદી પર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને વિસર્જન પ્રક્રિયામાં સેવા આપતા વિરાવળ ગામના સેવકો વચ્ચે કોઈક બાબતે માથાકૂટ થઈ હતી. જે માથાકૂટને પગલે વાત વણસતા વિરાવળ ગામના સેવકોએ વિસર્જન પ્રક્રિયાથી અળગા રહેતા વિસર્જન પ્રક્રિયા બંધ થઈ હતી. તો બીજી તરફ આ માથાકૂટને પગલે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વિરાવળ ગામના અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા. જોકે તેઓએ વાતચીત કરી સમગ્ર મામલો થાળે પાડી દીધો હતો. જેથી વિરાવળ ગામના સેવકો ફરી વિસર્જન પ્રક્રિયામાં જોડાયા હતા.
દાંડીના દરિયામાં પણ 200 થી વધુ નાની-મોટી મૂર્તિઓનું વિસર્જન
વિરાવળ પૂર્ણા નદી ખાતે 340 મોટી મૂર્તિઓ અને 2790 નાની મૂર્તિઓ, જલાલપોર સંતોષી માતાના મંદિર પાસેના ઓવારા પરથી 45 મોટી મૂર્તિઓ અને 550 નાની મૂર્તિઓ તેમજ ધારાગીરી ઓવારા પરથી 180 મોટી મૂર્તિઓ અને 820 નાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેથી કુલ 565 મોટી મૂર્તિઓ અને 4160 નાની મૂર્તિઓનું પૂર્ણા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સિવાય દાંડીના દરિયામાં પણ 200 થી વધુ નાની-મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.