સુરત(Surat): શહેરમાં સોમવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા વહેલી સવારે ફુલગુલાબી ઠંડીના (Cold) પ્રારંભનો અનુભવ થયો હતો. આગામી દિવસોમાં હવે શહેરમાં ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી છે. હવામાન વિભાગના (Weather Department) જણાવ્યા મુજબ શહેરમાં ગયા અઠવાડિયાથી ઠંડીનું આગમન અનુભવાયું હતું. દિવાળી સુધી લોકોને રાત્રે એસી (AC) ચાલુ રાખવાની ફરજ પડતી હતી. પરંતુ છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ગગડતા ઠંડી અનુભવાઈ રહી છે.
લોકોને એસી બંધ કરવાની ફરજ પડી રહી છે. આ સિવાય ગ્રામ્ય વિસ્તારોમાં તો પંખા પણ બંધ રાખવાની ફરજ પડી છે. ગ્રામીણ ભાગમાં લોકો ઠંડીથી રાહત મેળવવા મોડી રાત સુધી તાપણું કરી રહ્યાં છે. શહેરમાં સોમવારે મહત્તમ તાપમાન આંશિક ઘટાડા સાથે 34.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી ગગડીને 19.5 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં ગયા અઠવાડિયાથી પવનોની દિશા પણ બદલાઈને ઉત્તર-પૂર્વની નોંધાઈ હતી. સોમવારે પણ શહેરમાં 4 કિમીની ઝડપે ઉત્તર-પૂર્વનો પવન ફુંકાયો હતો. હિમાલય તરફથી આવતા ઉત્તર પૂર્વના પવનોને કારણે ઠંડીમાં વધારો થાય છે. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે ચોમાસું પણ ભરપૂર રહ્યું છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારથી જ હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યાં હતાં કે આ વર્ષે શિયાળો પણ આકરો રહેશે. ઓક્ટોબરના અંતમાં જ જે રીતે દક્ષિણ ગુજરાતમાં ઠંડીએ ચમકારો બતાવ્યો છે તે જોતાં નવેમ્બર અને ડિસેમ્બર આકરો રહે તેવી શક્યતા જોવાઈ રહી છે.
ઓક્ટોબરના અંતિમ દિવસે નવસારીનું તાપમાન ગગડીને 16 ડિગ્રી પર પહોંચી ગયું
નવસારી : નવસારીમાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડીને 16 ડિગ્રી નોંધાતા ઠંડીમાં વધારો થયો હતો. નવસારીમાં છેલ્લા થોડા દિવસોથી લઘુત્તમ તાપમાન 17 થી 18 ડિગ્રી નોંધાઈ રહ્યું હતું. જેથી નવસારીમાં રાત્રી દરમિયાન ઠંડીનો અનુભવ થતા ઠંડીની શરૂઆત થઇ ચુકી હતી. ગત રોજ લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું. જયારે સોમવારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડતા ઠંડીમાં વધારો થયો હતો. ત્યારે આગામી સમયમાં નવસારીમાં કાતિલ ઠંડી પડવાની સંભાવના વર્તાઈ રહી છે.
નવસારીમાં લઘુત્તમ તાપમાન 1.2 ડિગ્રી ગગડતા 16 ડિગ્રી નોંધાયું હતું. જયારે મહત્તમ તાપમાન 0.5 ડિગ્રી ગગડતા 34 ડિગ્રી નોંધાયું હતું. જયારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 57 ટકા જેટલું ઊંચું રહ્યું હતું. જોકે દિવસ દરમિયાન 1 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.