નવસારી : નવસારી (Navsari) એસ.ટી. ડેપોની (ST Depo) બાંધકામ સાઈટ પર લોડર મશીન રિવર્સ લેતા ટાયર બાળકીના માથા ઉપર ચઢી જતા બાળકીને ઈજા થઇ હોવાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે (Police Station) નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, મૂળ છોટાઉદેપુર જીલ્લાના કોળિયાથર ગામના ગમોણ ફળીયામાં અને હાલ નવસારી એસ.ટી. ડેપોની બાંધકામ કામ સાઈટ પર ભાવસિંગ શંકરભાઈ રાઠવા તેમના પરિવાર સાથે રહે છે. ભાવસિંગભાઈની પુત્રી પૂજા (ઉ.વ. 1) બાંધકામ સાઈટ પર કપચીના ઢગલા પાસે રમતી હતી. ત્યારે મૂળ એમ.પી. ના જાંબુવા તાલુકાના પેટલાવદ તાલુકાના રાયપુરીયા ઝાવલીયા ગામે અને હાલ નવસારી એસ.ટી. ડેપો બાંધકામ સાઈટ પર રહેતા વરસિંહ માડિયા રૂમાલ લોડર મશીન ચલાવતા હતા.
દરમિયાન વરસિંહે લોડર મશીન રિવર્સ લેતા ભાવસિંગની પુત્રી પૂજાના માથા પરથી લોડર મશીનનું ટાયર ફરી વળ્યું હતું. જેથી તેણીને તાત્કાલિક સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પીટલમાં ખસેડી હતી. આ બનાવ અંગે ભાવસિંગે નવસારી ટાઉન પોલીસ મથકે વરસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એસ.એમ. ગામીતે હાથ ધરી છે.
વાપી રેલવે સ્ટેશને 40 વર્ષીય અજાણ્યો યુવાન ટ્રેનની અડફેટે મોતને ભેટ્યો
વાપી: વાપી રેલવે સ્ટેશનના દક્ષિણ યાર્ડ તરફ અપ રેલવે લાઈન પર ગુરૂવારની મધ્યરાત્રિએ કોઈ અજાણ્યો 40 વર્ષીય યુવાન કોઈપણ ટ્રેનની અડફેટે આવી જતાં મોતને ભેટ્યો હતો. માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાને લઈ તેનું સ્થળ પર જ મોત થયું હતું. વાપી રેલવે પોલીસને જાણ થતાં લાશનો કબજો મેળવી પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી હતી. વાપી રેલવે પોલીસ મથકે આ અંગે નોંધ થતાં મરનારે શરીરે કાળા કલરનું ટીશર્ટ, લીલા કલરનું પેન્ટ અને રાખોડીયા કલરની ચડ્ડી પહેરી છે. વધુ તપાસ હેકો. હરીસિંહ અર્જુનભાઈ કરી રહ્યા છે.