નવસારી : અન્ય રાજ્યોમાંથી આવતી ટ્રકોને જુદા-જુદા બહાના હેઠળ ડિટેઇન કરી રૂપિયાની ઉઘરાણી કરતો નવસારી આર.ટી.ઓ. કચેરીનો આસિ. મોટર વ્હિકલ્સ ઇન્સ્પેક્ટરને 7 હજાર રૂપિયાની લાંચ લેતા એ.સી.બી. પોલીસે રંગે હાથ ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.
- અન્ય રાજ્યોમાંથી આવતી ટ્રકોને જુદા-જુદા બહાના હેઠળ ડિટેઇન કરી રૂપિયાની ઉઘરાણી કરતો હતો
- એ.સી.બી.એ આર.ટી.ઓ. કચેરીમાં છુટકુ ગોઠવી આસિસ્ટન્ટ મોટર વ્હિકલ્સ ઇન્સ્પેક્ટરને 7 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો
મળતી માહિતી મુજબ, નવસારી શહેરના બહારથી નેશનલ હાઇવે નં. 48 પસાર થાય છે. જે ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો હાઇવે છે. જેથી નેશનલ હાઇવે નં. 48 પરથી અન્ય રાજ્યોમાંથી માલ-સામાન ભરી મોટા-મોટા ટ્રક અને ટેમ્પાઓ પસાર થાય છે. ત્યારે નવસારી આર.ટી.ઓ. કચેરી દ્વારા ટ્રકો અને ટેમ્પાને રોકી જુદા-જુદા બહાના હેઠળ ડિટેઇન કરાતા હતા. પરંતુ નવસારી આર.ટી.ઓ. કચેરી દ્વારા ટ્રકો કે ટેમ્પાને ડિટેઇન કરી ચાલક અથવા માલિક પાસેથી નિયમ અનુસાર દંડ તો વસુલ કરતા હતા. તે ઉપરાંત 5 હજારથી 10 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
નેશનલ હાઇવે નં. 48 ઉપર નવસારી આર.ટી.ઓ. કચેરીના આસિસ્ટન્ટ મોટર વ્હિકલ્સ ઇન્સ્પેક્ટર સંતોષસિંહ સર્વજીતસિંહ યાદવ દ્વારા એક ટ્રક ડિટેઇન કરવામાં આવી હતી. જે ટ્રક ચાલક કે માલિક પાસેથી નિમય અનુસાર દંડની વસુલાત કરવામાં આવી હતી. પરંતુ ડિટેઇન કરેલી ટ્રકને છોડાવવા માટે 7 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. જેથી એક જાગૃત નાગરિકે લાંચ બાબતે એ.સી.બી. પોલીસને જાણ કરી હતી. જેથી એ.સી.બી. પોલીસે નવસારી આર.ટી.ઓ. કચેરીમાં છુટકુ ગોઠવ્યું હતું. દરમિયાન આસિસ્ટન્ટ મોટર વ્હિકલ્સ ઇન્સ્પેક્ટર સંતોષસિંહ સર્વજીતસિંહ યાદવ 7 હજાર રૂપિયાની લાંચ લેતા એ.સી.બી. પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ બાબતે એ.સી.બી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.