નવસારી (Navsari): નવસારી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગે ૨૦૨૧ માં વિરાવળ ગામે બંદર રોડ પૂર્ણા નદીના (Purna River) પટમાં ચાલતા ગેરકાયદેસર ખનીજ ચોરી બાબતે છાપો મારી નાવડી, બે ટ્રક અને જે.સી.બી. (JCB) મશીન કબજે કર્યું હતું. પરંતુ ખનીજ ચોરીની માપણી બાકી હોવાથી જે.સી.બી. માલિક (Owner) અને તેનો ડ્રાઈવર (Driver) કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાંથી જે.સી.બી. ચોરી કરી નાસી ગયાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે (Police Station) નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, નવસારીના જુનાથાણા મતીયા પટેલ સમાજ વાડીની સામે કલ્પતરૂ એપાર્ટમેન્ટમાં રહેતા કમલેશભાઈ મગનભાઈ આલ નવસારી કલેક્ટર કચેરીના ભૂસ્તર શાસ્ત્રીની કચેરી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગમાં માઈન્સ સુપરવાઈઝરની નોકરી કરે છે. ગત ૬ઠ્ઠી ડીસેમ્બર ૨૦૨૧ ના રોજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતા દ્વારા વિરાવળ ગામે બંદર રોડ પૂર્ણા નદીના પત વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા ખનીજ ખનન બાબતે રેડ કરવામાં આવી હતી. જ્યાંથી તેઓએ એક ખાલી નાવડી, ખાલી ટ્રક અને જેસીબી સીજ કરી નવસારી કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં મુક્યા હતા. જોકે ટ્રક માલિક ૧ લાખ રૂપિયાનો દંડ ભરી બંને ટ્રકો છોડાવી લીધા હતા. પરંતુ રેડ વાળી જગ્યાએ પાણી ભરાયું હોવાથી ખનીજ ચોરીની માપણી થઇ શકી ન હતી. જેથી નાવડી અને જે.સી.બી. મશીન કબજે રાખવામાં આવ્યા હતા. ગત ૨જી ફેબ્રુઆરીએ ખનીજ વિભાગના અધિકારીએ જે.સી.બી. મશીન અને નાવડી ચેક કરવા માટે સિક્યુરીટી ગાર્ડને મોકલ્યા હતા. ત્યારે કમ્પાઉન્ડમાં નાવડી હતી પરંતુ જે.સી.બી. મશીન ન હતું. જેથી કમલેશભાઈએ જે.સી.બી.ના માલિક અને નવસારીના બાપુનગર ઝુંપડપટ્ટીમાં રહેતા મનહરભાઈ નગીનભાઈ ઓડએ ત્યાં જઈ પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ જે.સી.બી. મશીન મારા ડ્રાઈવર દ્વારા કલેક્ટર કચેરીથી કોઈને પણ જાણ કર્યા વગર મારી મરજીથી લઈ આવ્યો હોવાનું કબુલ્યું હતું. આ બનાવ અંગે માઈન્સ સુપરવાઈઝર કમલેશભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે મનહરભાઈ અને તેમના માણસ વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. પી.એચ. કછવાહાએ હાથ ધરી છે.