નવસારીઃ (Navsari) નવસારી જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શનની (Remdesivir Injection) અછતનો સામનો હજુ પણ કરવો પડી રહ્યો છે. એ સંજોગોમાં નવસારી જિલ્લાના ત્રણ ધારાસભ્યો અને જિલ્લા ભાજપ પ્રમુખે ગુફિકની મુલાકાત લીધા બાદ સ્થિતિ સમજાઇ હતી અને એ બાદ તેઓએ સરકારને રજુઆત કરતાં હવે ગુફિકમાંથી નવસારી જિલ્લાને 600 રેમડેસિવિર ઇન્જેક્શનો મળતા થઇ જવાની આશા બંધાઇ છે. ગુફિકમાંથી જ રેમડેસિવિર નવસારી જિલ્લાના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવા માટે સરકારે (Government) પગલું લીધું છે.
નવસારીના ગ્રીડ ખાતે આવેલી ગુફિક નામની દવા બનાવતી કંપની જોબ વર્કથી ઝાયડસ અને બીજી કંપની માટે રેમડેસિવિર બનાવે છે. ગુફિકમાંથી રેમડેસિવિર નવસારી જિલ્લાને મળે તો ફાયદો થઇ જાય એવી ગણતરી સાથે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઇ, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ અને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરા શાહ ગુફિક ઉપર પહોંચ્યા હતા. જો કે ત્યાં ગયા બાદ વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો હતો કે ગુફિક જોબ વર્ક કરતી હોવાને કારણે તે રેમડેસિવિર સીધા નવસારી જિલ્લાને ફાળવી શકે નહીં અને તેથી ધારાસભ્યોએ સરકારમાં ગુફિકમાંથી રેમડેસિવિર ઇન્જેક્શનો સીધા નવસારી જિલ્લાને ફાળવવામાં આવે તો રાહત થઇ જાય એવી રજુઆત કરી હતી.
આ રજુઆતને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. અત્યારે નવસારી જિલ્લાને રેમડેસિવિરનો જે જથ્થો મળે છે, તે ઉપરાંત ગુફિકમાંથી જિલ્લાને હવે 600 રેમડેસિવિર ઇન્જેકશન મળશે એવી સુચના અપાઇ હોવાનું જાણવા મળે છે. જો કે ઇન્જેક્શનના ઉત્પાદન પ્રક્રિયાને કારણે બે દિવસ પછી નવસારી જિલ્લાને કંપનીમાંથી સીધા ઇન્જેક્શનોની ફાળવણી થઇ શકે એમ લાગે છે.
ખાનગી હોસ્પિટલના તબીબો-સંચાલકોની ચીખલી પ્રાંતને રજૂઆત
ઘેજ : ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેકશનની અછત અંગે ખાનગી હોસ્પિટલના તબીબો અને સંચાલકો દ્વારા ચીખલી પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. વધુ ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને દાખલ નહી કરી અન્યત્ર રીફર કરવામાં આવશે. પ્રાંત અધિકારી ડી.ડી. જોગીયા સમક્ષ ચીખલીની સ્પંદન હોસ્પિટલ, આલીપોર, શાંતિ, આનંદ ઉપરાંત ગણદેવીની દમણિયા હોસ્પિટલના તબીબો, સંચાલકો અને પ્રતિનિધિઓએ કોવિડના દર્દીઓ માટે જરૂરી ઓક્સિજનનો જથ્થો પૂરતો અને નિયમિત મળી રહ્યો નથી. ઓક્સિજન લેવા માટે પ્લાન્ટ પર વાહન જાય તો કલાકોના કલાકો સુધી વેઇટીંગ રહેતા સમયસર અને પૂરતો જથ્થો મળતો નથી. બીજી તરફ રેમડેસિવિર ઇન્જેક્શનના જથ્થાની માંગ સામે નહીવત પ્રમાણમાં મળતા કોરોના દર્દીઓની સારવાર કરવી મુશ્કેલ થઇ રહી છે.