નવસારી: (Navsari) વિજલપોરમાં યુવાનો વચ્ચે થયેલા ઝઘડામાં (Quarrel) બે ભાઈઓને શરીરે છરાના ઘા ઝીંકી દેતા બંને ભાઈઓને હોસ્પિટલમાં (Hospital) ખસેડ્યો હતો. આ બાબતે પોલીસે (Police) 5 સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- યુવાનો વચ્ચે થયેલા ઝઘડામાં બે ભાઈઓને છરીના ઘા ઝીંકી દેવાયા
- વિજલપોરમાં યુવાનો વચ્ચે થયેલા ઝઘડામાં છરીના ઘા ઝીંકી દેનારા 5 સામે ગુનો નોંધાયો
મળતી માહિતી મુજબ વિજલપોરના આકારપાર્ક સોસાયટીમાં રહેતા રાજેશભાઈ સંજયભાઈ ચૌધરીના મિત્રો લાલુ પાટીલ, યોગેશ અને યોગેશ સાથે હતા. ત્યારે લાલુ પાટીલ અને યોગેશ વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો. ત્યારે લાલુ પાટીલે બ્લોક ઉચકીને યોગેશને માથામાં મારી દીધો હતો. જોકે ત્યારે તેઓને છુટા પાડી દીધા હતા અને તેઓ વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ગત 21મીએ રાત્રે રાજેશ અને યોગેશ બજરંગ ડેરી પરથી ઘરે જતા હતા. ત્યારે પાર્થ કોલોની વચ્ચે આવતા મારૂતિનગરમાં રહેતા વિનય મરાઠે ઉર્ફે મજનુ અને રામજીપાર્કમાં રહેતો લાલુ પાટીલ એક્સેસ મોપેડ લઈ રાજેશ અને યોગેશ પાસે આવી વિનય મરાઠેએ મોપેડ પરથી નીચે ઉતરી યોગેશને માથામાં મારી તમે રામજીપાર્કની છેલ્લી દુકાન પાસે આવો તેમ કહી મોપેડ લઈ જતા રહ્યા હતા.
ત્યારબાદ રાજેશ અને યોગેશ રામજીપાર્કના નાકા પાસે આવેલી દુકાન પાસે જતા વિજલપોર આશીર્વાદ સોસાયટીની પાછળ રહેતા અજય ભાલેરાવ, શુભમ એપાર્ટમેન્ટમાં રહેતા સંતોષ સૂર્યવંશી, વિજલપોર મારૂતિનગરમાં રહેતા વિનય મરાઠે ઉર્ફે મજનુ, વિજલપોર બજરંગડેરીની સામે રહેતા ઉદય શેટ્ટી અને રામજીપાર્કમાં રહેતો મેહુલ ઉર્ફે લાલુ પાટીલ યોગેશને ઝાપટો મારી હતી. જેથી રાજેશે તેઓને છોડાવ્યા હતા. દરમિયાન યોગેશે રાજેશના ભાઈ વિશાલને ફોન કરી બોલાવતા વિશાલ ત્યાં આવી વાતચીત કરતો હતો. ત્યારે અજય ભાલેરાવે તેની પાસેનો છરો કાઢી વિશાલને કમરના ભાગે મારી દીધો હતી.
તે પછી અજય ભાલેરાવે હાથમાંનો છરો લઈ રાજેશ પાસે આવી તેણે છાતીના ભાગે, ડાબા હાથની બગલની નીચે અને કમરની નીચે પાછળના ભાગે છરો મારી દેતા વિશાલ અને રાજેશ બેભાન થઇ ગયા હતા. જેથી ઘટના સ્થળે લોકટોળું ભેગું થઇ જતા વિશાલ અને રાજેશને તાત્કાલિક સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે રાજેશે વિજલપોર પોલીસ મથકે અજય ભાલેરાવ, સંતોષ સૂર્યવંશી, વિનય ઉર્ફે મજનુ, ઉદય શેટ્ટી અને મેહુલ ઉર્ફે લાલુ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. કે.ડી. મંડોરાએ હાથ ધરી છે. આજે સવારે નવસારી એફ.એસ.એલ. ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં તેઓએ ઘટના સ્થળનું નિરીક્ષણ કરી પુરાવાઓ એકત્ર કર્યા હતા.