Dakshin Gujarat Main

નવસારીમાં જિલ્લા આરોગ્ય તંત્ર કોરોનાના દર્દી અને મોતની માહિતી છુપાવી રહ્યું છે

નવસારી: (Navsari) નવસારી સિવિલ હોસ્પિટલ જિલ્લા આરોગ્ય તંત્રને (District Health System) દરરોજ કોરોનાને લગતી તમામ માહતી પહોંચાડતી હોવા છતાં જ્યારે સત્તાવાર રીતે જે માહિતી આપવામાં આવે છે, ત્યારે સબ સલામતની બાંગ પોકારવામાં આવી રહી છે, તેની પાછળ કોનો સ્વાર્થ અને લાભ છુપાયેલો છે, તેની તપાસ થવી જોઇએ. જિલ્લામાં કોરોનાની સ્થિતિનું સાચું ચિત્ર પ્રજા સમક્ષ નહીં મૂકીને જિલ્લા આરોગ્ય તંત્ર પ્રજાદ્રોહ કરી રહ્યું છે. નવસારીમાં છેલ્લા ત્રણ દિવસથી 10 થી વધુ કેસો સત્તાવાર રીતે નોંધાય છે. જો કે ખાનગી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની (Privet And Civil Hospital) સાચી માહિતી બહાર આવે તો કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા બહુ મોટી હોવાની ભીતિ સેવાય છે. યાદ રહે કે નવસારી પાલિકાના ઉપપ્રમુખ જાગૃતિ દેસાઇ પણ કોરોના પોઝીટીવ જાહેર થયા છે. તો ધારાસભ્ય પિયુષ દેસાઇ, ત્રણ જજ અને કેટલાય સરકારી અધિકારીઓ ક્યાં તો હોમ ક્વોરન્ટાઇન થયા છે અથવા કોરોના પોઝીટીવ થયા હોવાને કારણે સારવાર હેઠળ છે. આ સ્થિતિમાં જિલ્લામાં કોરોનાની સ્થિતિ વણસી રહ્યાનું જણાઇ રહ્યું છે.

નવસારીમાં કોરોનાથી બુધવારે 16 મોત થયા ?

નવસારી સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામેલાઓના અંતિમ સંસ્કાર માટે પાલિકાની ફાયર વિભાગની શબવાહિનીનો ઉપયોગ થતો આવ્યો છે. બુધવારે એક જ દિવસમાં પાલિકાની શબવાહિની માટે 16 કોલ આવ્યા હતા. જો કે જિલ્લા આરોગ્ય તંત્ર ઉપર માછલાં ધોવાયા બાદ જાણે આરોગ્ય તંત્રને બચાવવું હોય એમ સિવિલ હોસ્પિટલે પણ આજે કોરોનાના મૃતકો અંગે મૌન સેવી લીધું હતું અને તેને કારણે પાલિકાની શબવાહિનીમાં લઇ જવાયેલા 16 પૈકી કેટલાના મોત કોરોનાથી થયા એ જાણવા મળ્યું નથી. પરંતુ પાલિકાની શબવાહિનીનો ઉપયોગ કોરોનાના દર્દી માટે જ થતો આવ્યો હોય આ તમામના મોત કોરોનાથી થયા હોવાની આશંકા છે. બીજી તરફ કોવિડ શબવાહિનીમાં પણ બુધવારે 5 મૃતદેહો લઇ જવાયા હતા. જ્યારે અત્યાર સુધી બનતું આવ્યું એમ બુધવારે પણ જિલ્લા આરોગ્ય તંત્રે કોરોનાથી એક પણ મૃત્યુ થયાનું નોંધ્યું નથી.

જિલ્લા આરોગ્ય અધિકારીની લાપરવાહીને કારણે જિલ્લામાં ત્રણ ત્રણ દિવસથી કોરોનાની રસીનો પુરવઠો ખત્મ થઇ ગયો હતો, છતાં દાંડીયાત્રા પૂરી થઇ ન થઇ ત્યાં સુધી કલેક્ટર સુધ્ધાંએ પ્રજાના આરોગ્યની કોઇ પરવાહ કરી ન હતી. અખબારી હેવાલોને પગલે આખરે ધારાસભ્ય પિયુષ દેસાઇએ પગલાં ભરીને રસી 24 હજાર વેક્સિનના ડોઝ મળે એવી વ્યવસ્થા કરી છે. અખબારોમાં કોરોનાનું સાચું ચિત્ર રજુ થતું નહીં હોવાના હેવાલ બાદ પણ હજુ જિલ્લા આરોગ્ય તંત્ર તો સબ સલામતની જ માહિતી આપે છે. જ્યારે નવસારી સિવિલના જણાવ્યા પ્રમાણે તેઓ સિવિલમાં કોરોનાના ટેસ્ટિંગ, પોઝીટીવ દર્દીઓ અને કોરોનાથી થતા મૃત્યુના આંકડા દરરોજ જિલ્લા આરોગ્ય વિભાગને મોકલી આપે છે. પરંતુ ન જાણે કેમ જિલ્લા આરોગ્ય તંત્રને સાચું ચિત્ર રજુ કરવામાં રસ નથી. સાચુ ચિત્ર રજુ ન થવાને કારણે પ્રજા બધુ સલામત છે, એમ માનીને બેદરકાર રહેવા માંડી છે, તેને કારણે કોરોનાનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે. એ જોતાં જિલ્લા આરોગ્ય તંત્ર સાચુ ચિત્ર રજુ ન કરીને પ્રજાને અંધારામાં રાખીને કોરોના ભણી ધકેલી રહ્યું છે.

શાળા અને ટ્યુશન ચાલુ રહેતાં સંક્રમણ વધવાનો ભય
એક તરફ સતત કોરોનાના કેસો વધી રહ્યા છે, તો બીજી તરફ સરકારે 1 થી 9 ધોરણની શાળા તો બંધ કરવાનો આદેશ કર્યો છે, પરંતુ કેટલીક શાળાઓ ચાલી રહી છે. ઉપરાંત ટ્યુશન પણ ધમધોકાર ચાલી રહ્યા છે, જે કોરોના માટે જોખમ વધારનારા છે. એક તો બાળકો પણ હવે કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાના જિલ્લા આરોગ્ય તંત્રની યાદી જોતાં લાગી રહ્યું છે, ત્યારે શાળાઓ અને ટ્યુશનો બંધ થાય એ જરૂરી છે. ઓન લાઇન ભલે શાળા ટ્યુશનો ચાલે પરંતુ ઓફ લાઇન બંધ થવા જોઇએ.

ગણદેવીમાં ટેસ્ટિંગ વધારવાની જરૂર
છેલ્લા ત્રણ ચાર દિવસથી નવસારીમાં કોરોનાના કેસો વધુ નોંધાઇ રહ્યા છે, ત્યારે એમ લાગે છે કે નવસારીમાં ટેસ્ટિંગ વધારવા ઉપર આરોગ્ય કેન્દ્રે ધ્યાન વધાર્યું છે. જો કે નવસારીના વસ્તી અઢી ત્રણ લાખની હોય ત્યારે જિલ્લાની વસ્તી સ્હેજે ચારેક લાખ થતી હશે. આટલી વસ્તીમાં દરરોજ બે હજાર ટેસ્ટિંગ સાવ અપૂરતા છે. ગણદેવીમાં કોરોનાના કેસો વધુ હોવાનું કેટલાય તબીબો ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. એ સંજોગોમાં પાલિકાના પ્રમુખ જાતે શેરીઓ સેનેટાઇઝ કરવા નીકળે એ પ્રસંશનીય કાર્ય છે. પરંતુ એ કામ તો કોઇ પણ સફાઇ કામદાર કે બીજા કર્મચારીઓ પાસે કરાવી શકાય, ત્યારે પ્રાણલાલ પટેલે નગરમાં કોરોનાનું ટેસ્ટિંગ વધે એ દિશામાં પ્રયાસ કરવાની જરૂર છે. અનેક પરિવારોના તમામ સભ્યો કોરોનાગ્રસ્ત છે. એ સંજોગોમાં ગણદેવીમાં સ્થિતિ વધુ વણસે એ પહેલાં કોરોનાના ટેસ્ટિંગ વધારવાની જરૂર છે.

Most Popular

To Top