નવસારી : નવસારીના (Navsari) જમાલપોર વિસ્તારની સોસાયટીઓમાં (Society) ચડ્ડી-બનિયાન ગેંગ એક્ટિવ (Active) થતા રાત્રીના સમયે સોસાયટીઓમાં પોલીસ (Police) કે સ્થાનિકોના ભય વિના બિન્દાસ ફરી બંધ ઘરોને નિશાન બનાવી રહી છે. જોકે તેઓનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. પરંતુ ચોરીની ઘટનાઓ અટકાવવા માટે ચડ્ડી-બનિયાન ગેંગને પકડવા પોલીસ માટે પડકાર બની રહેશે. ચડ્ડી-બનિયાન ગેંગના 4 સભ્યો સીસીટીવી કેમેરામાં કેદ થતા સ્થાનિક રહીશોમાં ભય ફેલાતા પોલીસ બંદોબસ્ત મુકવાની માંગ કરી છે.
હાલમાં નવસારી અને વિજલપોર શહેર સહિતના આજુબાજુના વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ બની રહી છે. બાઈક ચોરી હોય કે ઘરફોડ ચોરી ચોરટાઓ સફળ થઇ રહ્યા છે. હાલમાં વધતી ચોરીની ઘટનાઓને લઈ જિલ્લા પોલીસ પણ એલર્ટ થઇ છે. રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં વધારો કર્યો તેમજ ચેકિંગ ચાલુ છે. પરંતુ સ્માર્ટ જમાનામાં ચોર પણ સ્માર્ટ બની ગયા હોય તેમ લાગે છે.
ગતરાત્રે નવસારીના જમાલપોર વિસ્તારમાં રાધેશ્યામ સોસાયટી અને નિશાળ ફળીયામાં ચડ્ડી-બનિયાન પહેરી 4 યુવાનો ફરી રહ્યા છે. પોલીસ અને કાયદાનો ડર રાખ્યા વિના ચડ્ડી-બનિયાન ગેંગના 4 સભ્યો બિન્દાસ સોસાયટીઓમાં ફરી રહ્યા હતા અને કોઈ બંધ ઘરની તપાસ કરી રહ્યા હતા. પરંતુ સ્થાનિકો જાગી જતા ચડ્ડી-બનિયાન ગેંગના સભ્યો નાસી ગયા હતા. બીજા દિવસે સોસાયટીઓના ઘરોમાં લગાવેલા સીસીટીવી કેમેરાઓ જોતા ચડ્ડી-બનિયાન ગેંગના ૪ સભ્યો ચોરી કરવાની ફિરાકમાં ફરી રહ્યા હતા. પરંતુ તેમનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આ ચડ્ડી-બનિયાન ગેંગના સભ્યોને એક્ટીવ જોઈ સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેથી આજે તેઓએ નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરી સીસીટીવી કેમેરાના ફૂટેજો જોયા હતા. સાથે જ પોલીસે તમામ સોસાયટીઓમાં ફરી તપાસ કરી હતી. પરંતુ ગભરાયેલા સ્થાનિકોએ પોલીસને બંદોબસ્ત મુકવાની માંગ કરી હતી. જેથી કરીને ચોરી ન થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને. અને ચોરટાઓને વહેલી તકે ઝડપી પાડવાની માંગ કરી છે.
બંધ ઘરો ઉપર નજર રાખી નિશાન બનાવતા તસ્કરો
ખાસ કરીને ચોરટાઓ બંધ ઘરો ઉપર નજર રાખી તેને નિશાન બનાવે છે. અને રાત્રી દરમિયાન તે બંધ ઘરના દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના રોકડા રૂપિયાની ચોરી કરી નાસી જતા હોય છે. જોકે કેટલાક બનાવોમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે કેટલાક સ્માર્ટ ચોર પોલીસ પકડથી દુર છે.