નવસારી: (Navsari) આરક સિસોદ્રા ગામે ગાડી પુરઝડપે ચલાવવા બાબતે 3 યુવાનોએ માળી અને તેના પુત્રોએ માર મારતા મામલો નવસારી ગ્રામ્ય પોલીસ મથકે (Police Station) નોંધાયો છે. જ્યાં પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ (Complaint) લઈ કુલ ૬ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- ‘ગાડી પુરઝડપે લઈ નીકળશો તો ગાડીના કાચ તોડી નાંખીશું અને તમને પણ છોડીશું નહીં’
- આરક સિસોદ્રા ગામે ગાડી ચલાવવા બાબતે 3 યુવાનોએ માળી અને તેના પુત્રોને માર માર્યો, 6 સામે ગુનો નોંધાયો
મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના આરક સિસોદ્રા ગામે ગોરાટ ફળીયામાં વાઈટ હાઉસ ફાર્મ હાઉસમાં વિરસિંહ ઉર્ફે પપ્પુ ચીરોજીલાલ કુશવાહા તેમના પરિવાર સાથે રહે છે. જ્યાં ફાર્મ હાઉસમાં લોન કાપવાનું કામ કરે છે. ગત 18મીએ વિરસિંહ તેમની ઇકો કાર (નં. જીજે-05-આરટી-0390) લઈને પત્ની અને સસરા સાથે કડોદરા-બારડોલી રોડ ઉપર હળદરૂ ગામે કામ અર્થે ગયા હતા. જ્યાંથી તેઓ કામ પતાવી પરત ફાર્મ હાઉસ ઉપર જતા હતા. ત્યારે ગોરાટ ફળીયામાંથી નીકળતા રોડની બાજુમાં લગ્ન હોવાથી ઘણા માણસો રોડ ઉપર હતા અને વિરસિંહ તેમની કાર લઈને ફાર્મ હાઉસના ગેટ ઉપર પહોચ્યા હતા.
ત્યારે ગોરાટ ફળીયામાં રહેતા વિજયભાઈ હસમુખભાઈ હળપતિ, અશોક અરવિંદભાઈ હળપતિ અને રોહિતભાઈ કાળુભાઈ હળપતિ હાથમાં લાકડી લઈ વિરસિંહની પાછળ-પાછળ આવી ‘ગાડી કેમ પુરઝડપે ચલાવો છો’ તેમ કહી ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી વિરસિંહને લાકડીથી માર મારવા લાગ્યા હતા. જેથી વિરસિંહે બુમાબુમ કરતા વિરસિંહના દીકરા અજબસિંહ અને પુષ્પેન્દ્ર દોડી આવતા વિજયભાઈ, અશોક અને રોહિતભાઈએ તેઓને પણ લાકડીના ફટકા માર્યા હતા. જેથી અજબસિંહે પણ વિજયને લાકડીના ફટકા માર્યા હતા. જોકે અન્ય લોકોએ વચ્ચે પડી તેઓને છોડાવ્યા હતા. પરંતુ જતા જતા તેઓ હવે પછી ગાડી પુરઝડપે લઈ નીકળશો તો ગાડીના કાચ તોડી નાંખીશું અને તમને પણ છોડીશું નહી તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહ્યા હતા.
આ બનાવ અંગે વિરસિંહે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે વિજયભાઈ, અશોક અને રોહિતભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. પી.એચ. કછવાહાએ હાથ ધરી છે. જ્યારે સામે પક્ષે પણ વિજયભાઈ હળપતિએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે વિરસિંહ ઉર્ફે પપ્પુ, પુષ્પેન્દ્ર અને અજબસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ કુલ ૬ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.