નવસારી : ધારાગીરી (Dharagiri) ઓવરબ્રિજ (Over bridge) પાસે ઉભેલી ટ્રક (Truck) પાછળ ટેમ્પો (Tempo) ભટકાતા ચાલકનું ટેમ્પામાં જ દબાઈ ચાલકનું મોત (Death) નિપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, રાજસ્થાનના બાડમેર તાલુકામાં દાખા ગામે અને હાલ સુરતના પરવત પાટિયા અભિનંદન કોમ્પલેક્ષ ગંગા હોટલમાં મુલારામ તીકમારામ રબારી રહેતા હતા. ગત 2જીએ મુલારામભાઈ તેમનો આઇસર ટેમ્પો (નં. ડીડી-01-એચ-9918) લઈને જઈ રહ્યા હતા.
દરમિયાન નેશનલ હાઇવે નં. 48 ઉપર ધારાગીરી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ઓવરબ્રિજ પહેલા અમદાવાદથી મુંબઈ જતા રોડ પર મુલારામભાઈએ ટેમ્પાના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો સાઈડમાં ઉભેલા ટ્રક (નં. ડબ્લ્યુબી-23-સી-9479) ની પાછળના ભાગે અથડાવી દીધી હતી.
જેના પગલે મુલારામભાઈના ટેમ્પાનો આગળનો ભાગ ચગદાઈ જતા મુલારામભાઈ ટેમ્પામાં જ દબાઈ ગયા હતા. જેથી તેમને કમરના, પેટના અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી તેમજ તેમના પગ દબાઈ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બુદારામભાઈ રબારીએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. પી.એચ. કછવાહાએ હાથ ધરી છે.
પારડી હાઇવે પાસે ડમ્પર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં કન્ટેનર સાથે અથડાતા એકનું મોત
પારડી : પારડી આઈટીઆઈ સામે ચંદ્રપુર પાસે રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 48 ઉપર રવિવારે ડમ્પર ચાલક ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં આવીને કન્ટેનર ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કન્ટેનર ચાલકનું મોત નિપજ્યું હતું. અહીં રવિવારે વહેલી સવારે ડમ્પર ટ્રક નંબર જીઆઈ 16 એયુ 9975 નો ચાલક હરસેન્દ્ર સિંહ તખતસિંહ પકાજા (રહે સુલતાનપુરા તાલુકા ઝઘડિયા, ભરૂચ) પોતાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી વલસાડથી વાપી તરફ જતા નેશનલ હાઇવે નંબર 48 ના હાઇવે બ્રિજ ઉપરથી ડિવાઇડર કુદાવી પારડી ચંદ્રપુર તરફ હાઇવે પરથી જઈ રહેલા કન્ટેનર નંબર આરજે 18 જીબી 15 19 ના ચાલક, શોકીન ઈદુ ખાન મેવ (રહે અલવર રાજસ્થાન)ની સાથે અતડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કન્ટેનર ચાલક શોકીનને મોઢાના, માથામાં અને શરીરે ઇજા થતા તેનું મોત નીપજ્યું છે. ઉપરોક્ત બનાવની પોલીસ મથકમાં સુબેદિન મહંમદે ફરીયાદ આપતા પારડી પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ કરી છે.