નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 ઉપર અષ્ટ ગામ પાસે ટેમ્પો ડિવાઈડર કુદાવી રોંગ સાઈડે જતો રહ્યો હતો. જેના કારણે અમદાવાદથી મુંબઈ જતા ટ્રેક પર બે કારને (Car) અડફેટે લેતા એક કારમાં સવાર મહિલા સહીત ૩ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે કારમાં સવાર અન્ય બે સહીત બીજી કારના ચાલકને શરીરે ઈજાઓ થઈ હોવાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.
- ટેમ્પો ડિવાઈડર કુદાવી રોંગ સાઈડે જતો રહેતા બીજા ટ્રેક પર બે કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો
- રાજસ્થાનના પાલીનો પરિવાર મુંબઈ જતો હતો ત્યારે ટેમ્પો ના ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવ્યો
મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના સોજત તાલુકાના બિલ્લાવાસ ગામે અને હાલ નવી મુંબઈ ખાલઘર શિવમંદિર પાસે રીધ્ધ્મ કોમ્પ્લેક્ષમાં પારસમલ ધનારામ ચૌધરી વિકાસ પારસભાઈ ચૌધરી (ઉ.વ. 18), પ્રકાશ ઉકારામ ચૌધરી (ઉ.વ. 28), કવિતા પારસભાઈ ચૌધરી અને ડીમ્પલ ચૈનારામ ચૌધરી (ઉ.વ. 15) સાથે વેગનાર કાર (નં. એમએચ-46-સીઈ-5228) માં રાજસ્થાનથી મુંબઈ જતા હતા. અને કાર પ્રકાશભાઈ ચૌધરી ચલાવી રહ્યા હતા. દરમિયાન તેઓ નેશનલ હાઈવે નં. 48 ઉપર અષ્ટ ગામ પાસે રામદેવ હોટલ સામેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક બંધ બોડીનો આઈસર ટેમ્પો (નં. જીજે-15-એવી-9317) ના ચાલકે ટેમ્પાના સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો ડિવાઈડર કુદાવી પહેલી ટ્રેકમાં ચાલતી મારુતિ સુઝુકી એસએક્ષફોર કાર (નં. જીજે-05-સીકે-8548) ને અડફેટે લીધી હતી.
સાથે જ પારસમલ ધનારામ ચૌધરીની કારને પણ અડફેટે લીધી હતી. જેથી એક કારમાં સવાર લોકોને ઈજા થઈ હતી. પરંતુ પારસમલ ચૌધરીની કારમાં સવાર વિકાસ ચૌધરી, પ્રકાશ ચૌધરી અને કવિતા ચૌધરીને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ત્યારે પારસમલ અને ડીમ્પલને તેમજ અન્ય કારમાં સવાર અન્ય લોકોને પણ ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે હસ્તીમલ સીરવીએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ટેમ્પો ચાલક અને વલસાડના વાપી ચાર રસ્તામાં રહેતા સંતોષ રાજનાથ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. પી.બી. પટેલીયાએ હાથ ધરી છે.