નવસારી:(Navsari) નવસારીમાં રહેતા સતેન્દ્ર દીક્ષિત શનિવાર અને રવિવારની રાત્રીએ કોઈ પણ ઋતુમાં સતત દોડ લગાવી એક વિક્રમ બનાવી રહ્યા છે. જેને લીધે આંતર રાષ્ટ્રીય બુક ઓફ રેકોર્ડમાં (National Book of Records) તેમની દોડવાની સિદ્ધિનું બહુમાન કરી પ્રમાણપત્ર આપવામાં આવતા રમતવીરોએ (Players) તેમની સિદ્ધિ બદલ અભિનંદન પણ આપ્યા હતા.
નવસારીના 65 વર્ષીય દોડવીર સતેન્દ્ર દીક્ષિતે એક વર્ષમાં 12-12 કલાકની 42 રાત્રી દૌડમાં વિશ્વ રેકૉર્ડ અંકિત કરતા તેમની સિદ્ધિને ઇન્ટરનેશનલ બુકે સ્થાન આપ્યું છે. નવસારીના એરૂ ચાર રસ્તા ખાતે રહેતા 65 વર્ષીય સતેન્દ્ર દીક્ષિતે જણાવ્યું હતું કે, તેઓએ 31ઓક્ટોબર 2021 થી 31 ઓક્ટોબર 2022 સુધી એક વર્ષ દરમિયાન દર રવિવારે ગર્મી, ઠંડી તથા વરસાદની ચિંતા કર્યા વિના રાત્રે 12-12 કલાક સતત દોડ્યા છે. અને દોડ તેમના માટે યોગ છે. તપસ્યા છે. યુવાનો પણ દોડમાં ભાગ લઈ રેકોર્ડ તો બનાવે પણ શરીરની તદુરસ્તી પણ જાળવે તેમ અપીલ કરી હતી. આ એમનો પાંચમો વર્લ્ડ રેકોર્ડ છે. નવસારીની પ્રજા સતેન્દ્ર દીક્ષિતને આ ગૌરવ માટે અભિનંદન પાઠવે છે.
ચીખલીમાં નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઇ
ઘેજ : ચીખલીમાં એસ.યુ. પટેલ ઇન્વિટેશન આયોજીત નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટમાં બોરિયાચની ટીમ ચેમ્પિયન જ્યારે સોનગઢની ટીમ રનર્સઅપ રહી હતી. બંને ટીમોને મહાનુભવોના હસ્તે ટ્રોફી તેમજ રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા.
ચીખલીમાં નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટની શરૂઆત તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ગાંવિત, ભાજપ મહામંત્રી સમીરભાઇ, એપીએમસી ચેરમેન કિશોરભાઇ, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઇ, ન્યાય સમિતિના અધ્યક્ષ વૈભવ બારોટ, સરપંચ વિરલભાઇ, બીલીમોરાના પ્રગ્નેશભાઇ, પીએસઆઇ સમીરભાઇ કડીવાલા, સામાજીક કાર્યકર ધર્મેશભાઇ વિઠ્ઠલાણી સહિતનાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી. વોલીબોલ ટુર્નામેન્ટના મુખ્ય આયોજક એસ.યુ. પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપી રહ્યા છે ત્યારે એ દિશામાં આપણે પણ ફરજ અદા કરવાના ભાગરૂપે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ક્રિકેટ ટીમમાં પસંદગી પામનાર ચીખલી કોલેજની ઉર્વશી ભાનુશાલી અને શ્રધ્ધા કડાવાલાનું સ્મૃતિભેટ આપી સન્માન કરાશે.
આ વોલીબોલ ટુર્નામેન્ટના આયોજન માટે એપીએમસી ચેરમેન કિશોર પટેલે મુખ્ય આયોજક એસ.યુ. પટેલને બિરદાવી રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવા અનુરોધ કર્યો હતો. ઉપરોક્ત ટુર્નામેન્ટમાં ભીખો બોરીયાચ પસો અલ્લુ બોરીયા, ચિંતન સોનગઢ, જયેશ આંબાપારડી, અમીન વાલોડ, મોન્ટુ કોસંબા, પિયુષ સુરત, જસ્સી ચીખલી સહિત આઠ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલમાં ભીખો બોરીયાસની ટીમ ચેમ્પિયન જ્યારે ચિંતન સોનગઢ રનર્સ અપ આવતા ટ્રોફી અને રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા. એસ.યુ. પટેલ આ સાથે પાંચમી વખત વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતું. ટુર્નામેન્ટમાં રેફરી તરીકે મઝહર તથા જસ્સીએ ફરજ બજાવી હતી.