નવસારી: (Navsari) નવસારીમાં ગઈકાલે ધોળે દિવસે સિંધી કેમ્પ વિસ્તારમાં ૨૦ મહિલાઓએ (Women) ભેગી થઈ એકને પતાવી દીધો હતો. જેથી પોલીસે હાલ તમામ મહિલાઓને ડીટેઈન કરી પૂછપરછ ચાલુ કરી છે. આ હત્યા (Murder) જૂની અદાવતને પગલે કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. જાણવા મળ્યા મુજબ નવસારીમાં સિંધી કેમ્પ વિસ્તારમાં બાળકો ક્રિકેટ (Cricket) રમતા હતા ત્યારે યુવાને આવી બાળકો સાથે ઝઘડો કરી કેટલાકને માર્યા હતા. મામલો બીચકતા માતાઓ દોડી આવી અને માથાકૂટ થતા હથિયાર મારતા યુવાન ઢળી પડ્યો હતો.
નવસારીના સિંધી કેમ્પ વિસ્તારમાં આવેલા એક મેદાનમાં કેટલાક બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારે બજરંગી ઉર્ફે વિનોદ સાળુંકે નામના ઇસમે આવી ક્રિકેટ રમતા બાળકો સાથે ઝઘડો કર્યો હતો. અને કેટલાક બાળકોને માર્યા પણ હતા. જેથી મામલો બીચક્યો હતો. બાળકોને મારતા જોઈ તેમની માતાઓ દોડી આવી હતી. મહિલાઓ અને બજરંગી ઉર્ફે વિનોદ વચ્ચે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. જેના પગલે ભેગી થયેલી ૨૦ જેટલી મહિલાઓએ રોષમાં આવી બજરંગી ઉર્ફે વિનોદને માર મારવા લાગ્યા હતા. જેમાં કોઈ મહિલાએ કોઈ હથિયાર માથામાં મારી દેતા બજરંગી ઉર્ફે વિનોદ લોહીલુહાણ થઈ જતા ત્યાં ઢળી પડ્યો હતો. આ ઘટનાને પગલે નવસારી ટાઉન પોલીસ, નવસારી એલ.સી.બી. અને ડી.વાય.એસ.પી. એસ.જી. રાણા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
પોલીસ પહોંચે ત્યાં સુધી બજરંગી ઉર્ફે વિનોદનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. જેથી પોલીસે લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સાથે જ પોલીસે ૨૦ જેટલી મહિલાઓને ડીટેઈન કરી પણ હતી. બીજી તરફ જૂની અદાવતમાં બજરંગી ઉર્ફે વિનોદની હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી હતી. જેથી હાલ પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ હત્યા કરવા પાછળનું કારણ જાણવાના પ્રયાસો પણ કરી રહી છે.
બજરંગી ઉર્ફે વિનોદ હત્યાનો આરોપી, પેરોલ પર છૂટ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, બજરંગી ઉર્ફે વિનોદે ૨૦૧૦માં એક યુવાનની હત્યા કરી હતી. જે ગુનામાં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. બજરંગી ઉર્ફે વિનોદ આજીવન કેદની સજા કાપી રહ્યો હતો. જોકે હાલ તે પેરોલ લઈ છૂટ્યો હતો.