નવસારી : નવસારી (Navsari) જિલ્લામાં અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીએ (River) રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેથી આખો જિલ્લો પાણીમાં તરબોતર થયો છે. હાલમાં જિલ્લામાં ઉપરથી વરસાદ અને નીચે પુરના (Flood) પાણી રહેતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સવારથી પડી રહેલા ધોધમાર વરસાદને પગલે શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જોકે વરસાદનું જોર ઓછું થતા વરસાદી પાણી ઓસર્યા હતા.
નવસારી જિલ્લામાં ગત સાંજથી ફરી અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીમાં પાણીની સપાટી વધી જતાં જિલ્લામાં ફરી પુરની સ્થિતિ સર્જાઈ હતી. પુરના પાણી ઓસર્યા બાદ લોકો પોતાના ઘરે પરત ફર્યા હતા. પરંતુ મોડી સાંજે નદીના પાણી વધતા તંત્ર એલર્ટ થઈ લોકોના સ્થળાંતર કરવાની કામગીરી કરી રહી હતી. જ્યારે રાત સુધીમાં તમામ નદીઓ ભયજનક સપાટીથી વધી જતાં જિલ્લામાં નદીઓ પાસેના વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં પુરના પાણી ફરી વળ્યાં હતા. જેથી જિલ્લામાં હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
બીજી તરફ ઉપરથી વરસી રહેલા વરસાદને લીધે લોકો પરેશાન થઈ ગયા હતા. ગત બુધવારે ખેરગામ અને વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં બુધવારે રાત્રે 10 થી 12 વાગ્યા સુધીમાં 2 કલાકમાં ખેરગામ તાલુકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે રાત્રે 10 થી ગુરૂવારે સવારે 6 વાગ્યા સુધી વાંસદા તાલુકામાં સાડા દસ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગુરૂવારે સવારે પણ જિલ્લામાં ધોધમાર વરસાદ યથાવત રહ્યો હતો. જેમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં ગણદેવી તાલુકામાં સાડા છ ઇંચ, સવારે 8 થી 12 વાગ્યા સુધીમાં ચીખલી તાલુકામાં સાડા આઠ ઇંચ, જલાલપોર તાલુકામાં સાડા ચાર ઇંચ અને નવસારી તાલુકામાં છ ઇંચ વરસાદ પડ્યો હતો.
નવસારી શહેર સહિત જિલ્લાઓમાં રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાતા ગરકાવ થયા હતા. નદીના વહેણની જેમ વરસાદી પાણી શહેરની ગલીઓમાં વહી રહ્યા હતા. બીજી તરફ ડ્રેનેજ લાઇન પણ ચોકઅપ થઈ જતા વરસાદી પાણીનો નિકાલ થયો ન હતો. જેથી લોકોએ તેમની ગલી-મહોલ્લામાં આવેલી ડ્રેનેજ લાઇનના ઢાંકણો ખોલી દીધા હતા. પરંતુ વરસાદી પાણીનો નિકાલ થયો ન હતો. જોકે રસ્તા પરથી અવર-જવર કરતા રાહદારી અને વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં મોટા બાંબુ અને ઝાડની ડાળખીઓ મૂકી દીધી હતી.
નવસારી ખાતે એન.ડી.આર.એફ. ટીમ દ્વારા મેડિકલ રેસ્કયુ
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પુરની આપત્તિ મંડરાઇ રહી છે. જેના લીધે રાજયકક્ષાએથી એનડીઆરએફ ની ટીમોને બચાવ કામગીરી માટે નવસારી જિલ્લામાં બે ટીમ મૂકવામાં આવી છે. ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે. જિલ્લમાં એનડીઆરએફની ટીમ કલીક એકશન, સ્માર્ટ ડિસીઝન લઇ પ્રજાની મુશ્કેલી દૂર કરી રહી છે. ગુરૂવારે નવસારી શહેરના તરોટા બજાર ખાતે મેડીકલ ઇમરજન્સી રેસ્કયુ કરી બે દર્દી સહિત કુલ ચાર વ્યકિતઓને સલામત સ્થળે એનડીઆરએફ ટીમ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતાં.
નવસારી જિલ્લામાં એનડીઆરએફની વધુ 2 ટીમો બોલાવી લેવાઈ
નવસારી જિલ્લામાં ભારે વરસાદથી નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા વરસાદ અને પુરને લઇ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાઇ એલર્ટ મોડમાં છે. જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય ડિઝાસ્ટર કચેરીએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરૂ પાડી રહ્યાં છે.
નવસારી જિલ્લામાં બે એનડીઆરએફની બે ટીમ કાર્યરત છે. એક ટીમ નવસારીમાં અને બીજી ટીમ બિલીમોરા ખાતે તૈનાત રખાય છે. જ્યારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વધુ બે એનડીઆરએફની ટીમો બોલાવવામાં આવી છે. નવસારી જિલ્લામાં પુરની પરિસ્થિતિમાં 10 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હાઇવે પર પાણી ભરાતા નેશનલ હાઇવે નં-48 ચીખલી નજીકથી બંધ કરાયો છે. નવસારીના નવીનનગર ખાતે એનડીઆરએફની ટીમે 8 લોકોનું રેસ્કયુ કરી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે જયારે વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામે 21 લોકોનું રેસ્કયુ કરી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતાં. આ ઉપરાંત સુરત મનપાની ટીમ પણ અસરગ્રસ્તોની મદદ કરવા નવસારી પહોંચી હતી.
નવસારી અને વિજલપોરના આ વિસ્તારોમાં 2 થી 4 ફૂટ સુધીના વરસાદી પાણી ભરાયા
નવસારી : નવસારીમાં મોટા બજાર, નગરપાલિકા પાસે, નવસારી હાઈસ્કૂલ પાસે, જુનાથાણા, સેન્ટ્રલ બેંકથી ટાવર રોડ, તિઘરા પાસેનો રોડ, જલાલપોર, તવડી ગામ, જલાલપોર આનંદભુવનની ચાલ, ધર્મીન નગર, કાલિયાવાડી કલેકટર કચેરી પાસેના રોડ પર, અગ્રવાલ કોલેજ રોડ પર, તાશકંદ નગર, બોદાલી રોડ પર, પ્રજાપતિ આશ્રમથી બસ ડેપો જતા રોડ પર, ધારાગીરી ગામે અને કબીલપોર રોડ પર પાણી ભરાયા હતા. જ્યારે વિજલપોરમાં મારૂતિ નગર, ભક્તિનગર, સુશ્રુશા હોસ્પિટલ પાસે, શિવાજીચોક, વિઠ્ઠલ મંદિર પાસે, વિજલપોર ફાટક જતા રોડ પર તેમજ અન્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.
3 શાળા, સિવિલ હોસ્પિટલ અને મંદિરમાં પાણી ઘુસ્યા
નવસારી : નવસારીમાં વરસાદની જોરદાર બેટિંગને પગલે ઠેર-ઠેર 3 થી 4 ફૂટના વરસાદી પાણી ભરાયા હતા. જેમાં શાંતાદેવી રોડ પર આવેલા ગંગેશ્વર મહાદેવના મંદિરમાં અને નવસારી સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા હતા. જ્યારે જલાલપોરની સરદાર પટેલ સ્કૂલ, નવસારી હાઈસ્કૂલ અને વિજલપોરની અખિલ હિંદ સ્કૂલમાં વરસાદી પાણી ભરાયા હતા.
નવસારી જિલ્લામાં વાહનવ્યવહાર માટેના 24 જેટલા રસ્તાઓ બંધ કરાયા
નવસારી : નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે 24 જેટલા રસ્તાઓ હાલમાં વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યાં છે. ઓવરટોપ બંધ થયેથી રસ્તાઓ શરૂ કરવામાં આવશે. નવસારી જિલ્લામાં અમલસાડ ગણદેવી રોડ, નવસારી ગણદેવી બીલીમોરા રોડ, એરૂ ચાર રસ્તા, હાસાપોર, અબ્રામા, અમલસાડ, બીલીમોરા રોડ, બીલીમોરા ટુ રોલીખાડી રોડ, ગણદેવી ધનોરી ખારેલ રોડ, દાંડી, મટવાડ, નવસારી, સુપા બારડોલી રોડ, સુરત સચિન, નવસારી રોડ, કસ્બા, છીણમ દેલવાડા, ભીનાર રોડ, ધોળાપીપળા આમરી, કસ્બા રોડ, તવડી એપ્રોચ રોડ, અમલસાડ સરીબુજરંગ છાપર, મેંધર રોડ, અમલસાડ, માસા, કોથા રોડ, પીપલગભાણ, હરણગામ, દોણજા રોડ, રાનકુવા, રાનવેરીકલ્લા, રાનવેરીખુર્દ, ખરોલી, અનાવલ રોડ, ચીખલી, ફડવેલ, ઢોલુમ્બર, ઉમરકુઇ રોડ, કણભઇ કોઝવે ટુ ગોડથલ, ઝાડી ફળિયા, વેલણપુર, કાકડવેલ, સુખાબારી રોડ, સુરખાઇ, અનાવલ, ભિનાર રોડ, બીલીમોરા, ચીખલી, વાંસદા વઘઇ રોડ, શણવલ્લા, ટાંકલ, રાનકુવા, રૂમલા, કરંજવેરી રોડ, ચીખલી, ખેરગામ, ધરમપુર રોડ, ખાનપુર, સતીમાળ, કામળઝરી, ચૌંઢા, મોળાઆંબા રોડ, ચીખલી, તલાવચોરા, ઘેજ, ચરી, અટગામ રોડ, ખેરગામ, આછવણી, પાણીખડક, પીપલખેડ રોડ બંધ કરવામાં આવ્યો છે.
વાંસદા તાલુકામાં 258 લોકોનું સ્થળાંતર કરાયું
નવસારી : નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેટલાંક ગામોના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જવાના કારણે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં સરા ગામના 34, પાલગભાણ ગામના 8, વાંસદા નવીનગરી, ચંપાવાડી 46, સદર ફળિયા-5, ઝૂજ 11, વાંસિયાતળાવ 3, પ્રતાપનગર 64, ઝરી 45, મોટીવાલઝર 33, લીમઝર 7 અને રાણીફળિયા ખાતે 2 મળી કુલ 258 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.