ખેરગામ: (Khergam) નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના યુવાને તેની પ્રેમિકાની (Lover) તેના જ પરિવારજનોએ હત્યા (Murder) કરી નાંખી દફનાવી દીધી હોવાની અરજી રેન્જ આઇજીને કરતાં ચકચાર મચી ગઇ હતી. પ્રેમી યુવકે તેની અરજીમાં જણાવ્યું હતું કે ખેરગામ નજીકના કલવાડામાં તેની પ્રેમિકા સાહિસ્તાને ખેરગામના જ પાંચ આરોપીઓ બળજબરીથી બેસાડીને કારમાં લઇ ગયા બાદ તે ભેદી સંજોગોમાં ગાયબ હતી. તેણે સાહિસ્તાને મારીને દફનાવી દીધી હોવાની વાત ઉચ્ચારી હતી. આ અરજી બાદ સાહિસ્તાની લાશને પોલીસે કબરમાંથી બહાર કાઢીને ફોરેન્સિક પીએમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી છે. બીજી તરફ મૃતક સાહિસ્તાના પરિવારજનો તેણે પોતે જીવ દઈ દીધો હોવાની કેફિયત રજૂ કરી છે.
- પ્રેમિકાની લાશનું પીએમ કરવા હિન્દુ પ્રેમીએ રાવ કરતાં નવસારીની સાહિસ્તાની લાશને કબરમાંથી બહાર કાઢી સુરત સિવિલમાં લવાઈ
- ખેરગામના પાંચ મુસ્લિમો સાહિસ્તાને બળજબરીથી કારમાં બેસાડીને લઇ ગયા બાદથી જ તેણી ગાયબ હતી
- આજે તું જીવતો રહેશે અથવા તો સાહિસ્તા…તેવી ધમકી આપી સાહિસ્તાને પ્રેમીની નજર સામે જ ઊંચકી ગયા હતા
આ બનાવ અંગે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નાંધઇ ફળિયા ખાતે રહેતા બ્રિજેશ બચુભાઇ પટેલે રેન્જ આઇજીને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, નવસારીના જલાલપોરના અબ્રામા ખાતે રહેતી સાહિસ્તા શેખ સાથે તેને બે વર્ષથી પ્રેમસંબંધ હતો. તે નવસારીથી તેને મળવા બસમાં બેસીને તેના ઘરે આવતી હતી. દરમિયાન ગત તારીખ ૨૦/૦૪/૨૦૨૩ના રોજ ખેરગામના ચીખલીરોડ ઉપર આવેલા કાછિયા ફળિયામાં રહેતા મોહંમદ કમુ શેખ, સાદિક મોહંમદ શેખ, રમઝાન સિરાજ સિંધી, સિદ્દિક મોહંમદ શેખ અને સોએબ અલી શેખ તેમના ઘરે ધસી આવ્યા હતાં અને આખું ઘર ખૂંદી વળ્યા હતાં અને કહ્યું હતું કે, આજે તો તું જીવતો રહેશે અથવા સાહિસ્તા. તે દરમિયાન તેના મિત્ર રાહુલ પર સાહિસ્તાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, બ્રિજેશ સાથે વાત કરાવ અને તેને કહે કે મને લેવા માટે વલસાડ આવે.
તે વખતે કમુ શેખ, સાદિક શેખ અને રમઝાન સિંધીએ બ્રિજેશને ધમકાવીને કહ્યું હતું કે, ‘અમે તારી પાસે નથી તે રીતે સાહિસ્તા સાથે વાત કર અને સાહિસ્તાને મોપેડ પર બેસાડીને વલસાડથી લઇ આવ અને કલવાડા તળાવ પાસે બાઇક ઊભી રાખજે પછી અમે સાહિસ્તાને તેના ઘરે મૂકી આવીશું અને જો તું મોપેડ ઊભી નહીં રાખે તો તારા ટાંટિયા તોડી નાંખીશું’ એટલે તે સાહિસ્તાને વલસાડ લેવા ગયો ત્યારે પણ ત્રણેય એસેન્ટ કારમાં તેની પાછળ પાછળ આવ્યા હતાં. તેણે વલસાડ ડેપો પરથી સાહિસ્તાને લીધી હતી અને કલવાડા તળાવ પાસે ઉભો રહ્યો હતો ત્યારે આરોપીઓ તેની પાછળ જ હતા અને કારમાંથી ઉતરીને સાહિસ્તાને પકડીને કારમાં બેસાડી દીધી હતી અને કાર લઇને નીકળી ગયા હતાં.
અમે સાહિસ્તાને કાયમ માટે દફનાવી દીધી છે
બે દિવસ પહેલાં બ્રિજેશનો મિત્ર જયમીન કેરી માર્કેટમાં હતો ત્યારે આરોપીઓએ તેને કહ્યું હતું કે, અમે સાહિસ્તાને કાયમ માટે દફનાવી દીધી છે. આ વાત જયમીને તેને ઘરે આવીને કહી હતી કે આરોપીઓએ વિજલપુરના કબ્રસ્તાનમાં સાહિસ્તાને દફનાવી દીધી છે. જેની ખબર પડતાં જ બ્રિજેશે રેન્જ આઇજીને અરજી કરી હતી અને તેની પ્રેમિકાની બોડી ડિકમ્પોઝ થાય તે પહેલા તેને બહાર કાઢીને પીએમ કરાવવાની માગ કરી હતી.