નવસારી: (Navsari) વિજલપોરમાં ગતરોજ થયેલી હત્યાના આરોપીને પોલીસે (Police) ઝડપી પાડ્યો છે. મૃતક યુવાનનું આરોપીની બહેન સાથે પ્રેમસંબંધ (Love) હોવાથી તેઓ વચ્ચે ઘણા વર્ષોથી તકરાર ચાલી રહી હતી. જેથી આરોપીએ જૂની અદાવતમાં યુવાનને છરો મારી હત્યા (Murder) કરી હોવાનું સામે આવ્યું હતું.
- બહેન સાથે પ્રેમસંબંધની તકરારમાં ભાઈએ યુવાનને છરો મારી પતાવી દીધો હતો
- વિજલપોરમાં યુવાનની થયેલી હત્યાના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
મળતી માહિતી મુજબ, મૂળ યુ.પી. ફતેહપુર જિલ્લાના હુસેનગંજ ભીટવરા અસની અને હાલ વિજલપોરના લક્ષ્મી નગર-2 માં ધર્મેન્દ્ર શિવકુમાર સોનકર (ઉ.વ.35) તેમના પરિવાર સાથે રહેતો હતો. ધર્મેન્દ્રનું 10 વર્ષ અગાઉ મૂળ યુ.પી. ફતેહપુર જિલ્લાના હુસેનગંજ ભીટવરા લાલીપુર અને હાલ વિજલપોરના લક્ષ્મી નગર-2 માં રહેતા દિનેશ ઉર્ફે લોટ શ્રવણભાઈ સોનકરની બહેન સાથે પ્રેમસંબંધ હતો. જે બાબતે તેઓ વચ્ચે અગાઉ બે-ત્રણ વખત બોલાચાલી ઝઘડો થયો હતો. ગતરોજ બપોરે ધર્મેન્દ્ર લક્ષ્મીનગર-2 માં બનારસ લોન્ડ્રિવાળના દરવાજા પાસે તેની બાઇક લઈને ઉભો હતો. ત્યારે દિનેશ ઉર્ફે લોટ હાથમાં છરો લઈને આવી ધર્મેન્દ્રને પાંસળીના નીચેના ભાગે અને પીઠના ભાગે ઘા કર્યા હતા.
ધર્મેન્દ્રની બુમો સાંભળી તેનો ભાઈ છોટુ ધર્મેન્દ્રને બચાવવા દોડી આવતા દિનેશ ઘટના સ્થળેથી નાસી ગયો હતો. ત્યારબાદ છોટુએ ધર્મેન્દ્રને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના ડોક્ટરે તેને ચકાસીને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ છોટુએ વિજલપોર પોલીસ મથકે દિનેશ ઉર્ફે લોટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ. કે.ડી. મંડોરાએ હાથ ધરી છે. આ ઘટનાને પગલે પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જેથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી દિનેશ ઉર્ફે લોટને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.
વેસ્મા ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ પર લક્ઝરી અડફેટે યુવાનનું મોત
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર વેસ્મા ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ પર લક્ઝરી બસ અડફેટે યુવાનનું મોત નિપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, એમ.પી. ના અલીરાજપુર જિલ્લાના સોંઢવા તાલુકાના બડીબેગલ ગામે હોલકર દરલીયા રાવત (ઉ.વ. 29) રહેતો હતો. ગત 2જીએ રાત્રે હોલકર નેશનલ હાઇવે નં. 48 ઉપર વેસ્મા ઓવરબ્રિજ પાસેના સર્વિસ રોડ પર એકતા નગર ગેટની સામેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે એક અજાણી લક્ઝરી બસના ચાલકે હોલકરને ટક્કર મારી હતી. જેના કારણે હોલકરને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે એકતા નગરમાં રહેતા પ્રકાશ પાટીલે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થની તજવીજ હાથ ધરી છે. જ્યારે પોલીસે પ્રકાશભાઈ પાટીલની ફરિયાદને આધારે અજાણ્યા લક્ઝરી બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. વાય.જી. ગઢવીએ હાથ ધરી છે.