નવસારી :(Navsari) પરૂજણ ગામે આવેલી એન.આર.આઈ.ની જમીન (land) પચાવી પાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો મરોલી પોલીસ (Police) મથકે પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ, મૂળ જલાલપોર તાલુકાના મરોલી બજાર રણછોડરાય મંદિરની પાછળ ચાવડા સોસાયટીમાં અને હાલ ન્યુઝીલેન્ડમાં રહેતા ભાવનાબેન ડાહ્યાભાઈ પટેલની પરૂજણ ગામે આવેલી નવો સર્વે નં. 271, ખાતા નં. 137 જુનો સર્વે નં. 243 વાળી ખેતીની જમીન ભાવનાબેનના પતિ ડાહ્યાભાઈ સોમાભાઈ પટેલ અને અન્ય વારસદારોના નામો રેવન્યુ રેકર્ડ પર ચાલે છે. જેથી તે જમીન ખેતીકામ અને સાર સંભાળ માટે ભીનાર રાજપૂત ફળીયામાં રહેતા કાકા સસરા મંગુભાઈ કેશવભાઈ પટેલને આપી હતી.
જમીન પચાવી પાડી જાનથી મારી નાંખવાની ધમકી
પરંતુ કાકા સસરા મંગુભાઈએ તે જમીનનો અડધો ભાગ કોઈને જાણ કર્યા વિના સુરત સેટેલાઈટ રોડ પર મોટા વરાછા રામકૃષ્ણ-1 માં અને હાલ પરૂજણ ગામે મહેન્દ્રભાઈની વાડીમાં રહેતા મહેન્દ્રભાઈ વલ્લભભાઈ પટેલને 2004 માં વેચાણ કરારમાં એક વીંઘાની વેચાણ કિંમત રૂપિયા 25 હજાર રૂપિયા પ્રમાણે નક્કી કર્યા હતા. જે જમીનનો અડધો ભાગ વેચાણ કરારથી આપી બાના પેટે 10 હજાર રૂપિયા મંગુભાઈને આપ્યા હતા. બાકીની રકમ વેચાણ દસ્તાવેજ કરતી વખતે ચુકવવાની શરતે વેચાણ કરાર કર્યો હતો. જે જમીનના પૈસા ડાહ્યાભાઈ પટેલ કે તેમના વારસદારોને આપ્યા ન હતા. આ બાબતે ભાવનાબેનને જાણ થતા તેમણે મહેન્દ્રભાઈને જમીનનો કબ્જો આપી દેવા માટે જણાવ્યું હતું.
ક્યાંય ખોવી નાંખીશ મારી પહોચ ઉપર સુધીની છે
પરંતુ તેમણે જમીનનો કબજો આપ્યો ન હતો. જેથી ગત 2014 માં ભાવનાબેને વારસાઈ કરાવી તમામ ખાતેદારોના નામો દાખલ કરાવ્યા હતા. ત્યારબાદ ભાવનાબેને મહેન્દ્રભાઈ પાસે જમીનની માંગણી કરતા મહેન્દ્રભાઈ અપશબ્દો બોલી જમીન પર બીજી વાર જો પગ મુકશો તો ક્યાંય ખોવી નાંખીશ મારી પહોચ ઉપર સુધીની છે, તમે મારું કાંઈ બગાડી શકશો નહી તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. આ બાબતે ભાવનાબેને ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળ જિલ્લા કલેક્ટરને અરજી કરી હતી. જેથી પ્રાથમિક દ્રષ્ટીએ ગુન્હો સ્થાપિત હોવાનું ગ્રાહ્ય રાખતા ભાવનાબેને નવસારી ગ્રામ્ય પોલીસ મથકે મહેન્દ્રભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક વી.એન. પટેલે હાથ ધરી છે.