Dakshin Gujarat Main

‘આ જમીન પર ફરી આવી તો દાટી દઈશ, મારી રાજકીય વગ છે, મારું કંઈ બગાડી શકશે નહીં’, નવસારીમાં વિધવા મહિલા ખેડૂતને ધમકી

નવસારી : હાંસાપોર ગામની જમીન (Land) પચાવી પાડવા મોગાર ગામના પિતા-પુત્રએ જમીન માલિક મહિલાને ધમકાવી જાનથી મારી નાંખવાની ધમકી (threat) આપતા મામલો વિજલપોર પોલીસ મથકે (Police station) નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, સુરત ભટાર ઉધના મગદલ્લા રોડ રાજ રાજેશ્વર સોસાયટીની બાજુમાં પિતૃછાયામાં પ્રતિમાબેન વિપુલભાઈ સોલંકી તેમના પરિવાર સાથે રહે છે. ગત ૨૦૦૭માં પ્રતિમાબેનના પતિ વિપુલભાઈએ જલાલપોર તાલુકાના હાંસાપોર ગામે આવેલી નવો બ્લોક નં. ૬૬૧ વાળી ખેતીની જમીન વેચાણથી રાખી હતી. પરંતુ ગત ૨૦૧૪માં વિપુલભાઈનું અવસાન થતા પ્રતિમાબેન તે જમીન ઉપર ખેતી કરી ગુજરાન ચલાવતા છે. ગત ૨૯મી જાન્યુઆરીએ પ્રતિમાબેન અને તેના પુત્રો હાંસાપોર ગામે આવેલી જમીન ઉપર ગયા હતા. જ્યાં નવસારીના મોગાર ગામે રહેતા વિક્રમસિંહ મહીડા તેમની જમીન ઉપર ઉભા હતા. તેમને જમીનમાં તાર ફેન્સીંગ તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી ખેતરમાં ટ્રેક્ટર ઉભું રાખ્યું હતું. જેથી પ્રતિમાબેને પોલીસને ફોન કરતા તેઓ નાસી ગયા હતા. જે બાબતે પ્રતીમાબેને જલાલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ગત ૧૨મીએ પ્રતિમાબેન તેમના પુત્રો અને કામ ઉપર રાખેલા જીતુભાઈ વસાવાની સાથે તાર ફેન્સીંગનું કામ કરાવવા માટે તેમજ જાહેર ચેતવણી બોર્ડ લગાવવા ગયા હતા અને કામ ચાલુ કર્યું હતું. ત્યારે વિક્રમસિંહ મહીડા, તેમનો પુત્ર અને અન્ય ૨ અજાણ્યાએ ગેરકાયદેસર પ્રવેશ કરી પ્રતિમાબેન અને તેમના પુત્રો સાથે બોલાચાલી કરી ‘આ જમીનનો માલિક હું છું, તમે અહીંથી જતા રહો’ કહેતા પ્રતીમાબેને આ જમીન મારા પતિએ વેચાણથી રાખી છે અને ૭/૧૨ ના રેવન્યુ રેકર્ડમાં અમારૂ નામ ચાલે છે. જેથી જમીનમાં અમે માલિક મુખત્યાર કબ્જેદાર તરીકે ચાલી આવેલા છે. તેમ જણાવતા વિક્રમસિંહ મહિડાના પુત્ર તેમજ અન્ય ઇસમે પ્રતિમાબેનને અપશબ્દો બોલી ઉશ્કેરાઈ જઈ અહીંથી ચાલ્યા જાઓ નહી તો જાનથી હાથ ધોવા પડશે અને આજ જમીનમાં દાટી દઈશું, મારી ઘણી મોટી રાજકીય વગ છે. મારો ભાઈ એડવોકેટ છે. એટલે મારૂ કોઈ કઈ બગાડી શકે તેમ નથી અને મારી પોલીસમાં પણ ઉપરના લેવલના અધિકારી સુધી ઓળખાણ છે. તેવી ધમકીઓ આપતા પ્રતિમાબેન અને તેમના પુત્ર ગભરાઈ ગયા હતા અને ત્યાંથી જતા રહ્યા હતા.

પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાંખીશું
બાદમાં વિક્રમસિંહ, તેમનો પુત્ર અને અન્ય બે અજાણ્યા ઈસમો લાકડાનો ફટકો, દાતરડું, પાવડ, કોયતો જેવા હથિયારો લઈને પ્રતિમાબેન અને તેમના પુત્ર તરફ એકદમ ધસી આવતા તેઓ ગાડીમાં બેસી ગયા હતા. અને વિક્રમસિંહ સહિતના લોકોએ ગાડીને ઘેરી લઈ તમે લોકો જો પોલીસ ફરિયાદ કરશો તો અમે તમને લોકોને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે પ્રતીમાબેને વિજલપોર પોલીસ મથકે વિક્રમસિંહ, તેમનો પુત્ર અને અન્ય ૨ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હે.કો. રાજેન્દ્રસિંહને સોંપી છે.

Most Popular

To Top