નવસારી : નવસારીની પરિણીતાને યુ.પી. ના સાસરીયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપતા પરિણીતા નવસારી આવી ગઈ હતી. દરમિયાન યુ.પી.ના સાસરીયાઓએ પતિના બીજા લગ્ન કરાવી દેતા નવસારીની પરિણીતાએ સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, નવસારી ઘેલખડી રામનગરમાં રહેતી રેખાબેન વીરપાલભાઈ દિવાકરના લગ્ન યુ.પી.ના નવાબગંજ ઉમરપુરમાં રહેતા રીતેશભાઈ અસર્ફીલાલ માથુર સાથે થયા હતા. લગ્નબાદ રેખાબેન તેમના સાસરે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના ત્રણ-ચાર મહિના બાદ પતિ રીતેશભાઈ, સાસુ શકુંતલાબેન, નણંદ લક્ષ્મી ઉર્ફે પંકજ અને નણંદ આરતીબેન નાની-નાની બાબતે રેખાબેનને શારીરિક-માનસિક ત્રાસ આપી મ્હેણાં-ટોણા મારતા હતા.
પતિ રીતેશભાઈ અપશબ્દો બોલી માર મારી દહેજ પેટે પૈસાની માંગણી કરતા હતા. જેથી રેખાબેનના પિતાએ દીકરીનું લગ્ન જીવન ન બગડે તે માટે 1 લાખ રૂપિયા રોકડા, એક બાઈક, 1 તોલાની સોનાની ચેઈન અને બે સોનાની વીંટી આપી હતી. પરંતુ ત્યારબાદ પણ સાસુ રેખાબેન વિરુદ્ધ ચઢામણી કરતા હતા.
જોકે રીતેશભાઈ સુધરી જશે એમ માની રેખાબેન બધો ત્રાસ સહન કરતા હતા. ગત 2017 માં પતિ અને સાસુએ લડાઈ ઝઘડો કરી પતિએ રેખાબેનને માર માર્યો હતો. જેથી રેખાબેને તેના ભાઈ નરેશને બોલાવી નવાબગંજ પોલીસ મથકે સાસરિયાઓ વિરુદ્ધ અરજી આપી હતી. અને રેખાબેન નવસારી આવી ગઈ હતી.
ત્યારબાદ રેખાબેનના પરિવારજનોએ પતિ રીતેશભાઈને ફોન કરી રેખાબેનને લઈ જવા માટે જણાવતા રીતેશભાઈ રેખાબેનને લેવા આવ્યા હતા. ત્યારે રેખાબેનના પરિવારજનોએ રીતેશભાઈએ રેખાબેનને સારી રીતે રાખવા અને ફરી કોઈ આવી લડાઈ કે મારઝૂડ નહીં કરવા માટે કહેતા રીતેશભાઈએ ગુસ્સામાં આવી રેખાબેન સાથે લડાઈ કરવા લાગ્યા હતા.
ગત 2019 માં પતિ રીતેશભાઇએ યુ.પી.ના ઢકેલાપુરની આરતી માથુર સાથે બીજા લગ્ન કરી લીધા હતા. જેથી રેખાબેન અને તેમના પરિવારજનોએ અફસરલાલ અને આરતીને રીતેશભાઈના પહેલા લગ્નની જાણ કરી હતી. પરંતુ તે વાતનો કોઈ ફર્ક પડ્યો ન હતો. રીતેશભાઈના બીજા લગ્ન કરવામાં સાસુ-સસરા અને નણંદે સહકાર આપતા રેખાબેને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.
આ બાબતે રેખાબેને નવસારી મહિલા પોલીસ મથકે પતિ રીતેશભાઈ, સાસુ શકુંતલાબેન, નણંદ લક્ષ્મી ઉર્ફે પંકજ, નણંદ આરતીબેન, રીતેશભાઈની બીજી પત્ની આરતીબેન અને તેમના પિતા અફસરલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એસ.ડી. પટેલે હાથ ધરી છે.