નવસારી: (Navsari) ગત ૨૦૨૦માં થયેલી હોમગાર્ડની ભરતીમાં નવસારી જિલ્લા હોમગાર્ડ (Homeguard) કચેરીની ભૂલોને કારણે ૨૦૨૧માં ભરતી રદ થતાં અગાઉની ભરતીમાં (Recruitment) પસંદગી પામેલા ૧૦૮ ઉમેદવારોને હોમગાર્ડ દળમાં નિયુક્તિ આપવાની માંગ કરી ઉમેદવારોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
- ૨૦૨૦માં થયેલી હોમગાર્ડની ભરતી નવસારી જિલ્લા હોમગાર્ડ કચેરીની ભૂલોને કારણે ૨૦૨૧માં રદ થઈ
- અગાઉની ભરતીમાં પસંદગી પામેલા ૧૦૮ ઉમેદવારોને હોમગાર્ડ દળમાં નિયુક્તિ આપવા માંગ
ઉમેદવારોએ જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, નવસારી જિલ્લા હોમગાર્ડ દળમાં ભરતી થવાની જાહેરાત પ્રસિદ્ધ થતા ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજ સાથે અરજી કરી હતી. જેની દાંડી ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી ૨૮-૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦માં પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારે પાસ થયેલા ઉમેદવારોને જણાવ્યું કે અન્ય કોઈ વિશેષતા હોય તો તેના પ્રમાણપત્રો નવસારી જિલ્લા હોમગાર્ડ કચેરીમાં જમા કરાવવા, તે બધા માર્ક્સ ઉમેરી મેરીટના આધારે તમારી પસંદગી થશે. પસંદગી પામેલા ઉમેદવારોને ટ્રેનીંગમાં બોલાવવામાં આવશે. ત્યારબાદ પસંદગી પામેલા ઉમેદવારોને ટ્રેનિંગ માટે બોલાવવામાં આવતા ઉમેદવારોએ ટ્રેનિંગ શરૂ કરી દીધી હતી. ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા હતા અને ઓફિસરના આદેશ અનુસાર યુનિફોર્મ પણ સિવડાવ્યા હતા તેમજ વેતન જમા કરાવવા માટે બેંકમાં ખાતા પણ ખોલાવ્યા હતા. પરંતુ ખાતાનો વપરાશ ન થવાના કારણે જમા કરેલી રકમ ખાતામાં ચાર્જ લાગવાના કારણે કપાઈ ગઈ છે.
ઘણો સમય વીતી જવા છતાં પણ ફરજ પર હાજર થવાં સંદેશો નહીં આવતાં ઉમેદવારોએ પુછપરછ કરી તો આઘાત લાગ્યો
ઘણો સમય વીતી જવા છતાં પણ મંજુરી ન આવતા ઉમેદવારોએ જિલ્લા હોમગાર્ડ કચેરીએ પૂછપરછ કરી હતી. જ્યાં ભરતીમાં ભૂલ હોવાથી તેની તપાસ બાદ ફરજ ઉપર હાજર કરાશે તેવું જાણવા મળ્યું હતું. તે તપાસ દરમિયાન કેટલાક યુવાનોને દુર કરવામાં આવ્યા હતા અને બાકી રહેલા ઉમેદવારોને નિમણુક આપી ફરજ ઉપર હાજર કરાશે તેમ જણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ પણ ફરજ ઉપર હાજર કર્યા ન હતા. આ બાબતે તત્કાલીન જિલ્લા કલેકટર, હોમગાર્ડ કમાન્ડન્ટ, તેમજ રાજકીય પક્ષના નેતાઓ સહિત ગૃહરાજ્ય મંત્રીને રજૂઆતો કરી છે. પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. ગત ૧૬મી ઓક્ટોબરે હોમગાર્ડ ભરતી રદ કરવામાં આવી હતી. જેથી ઉમેદવારોને રોજગારીનો પ્રશ્ન સતાવતો હોવાથી પસંદગી પામેલા ઉમેદવારોને હોમગાર્ડ દળમાં નિયુક્તિ આપવાની માંગ કરી છે.