નવસારી (Navsari) : નવસારી : નવસારીમાં બુધવારની રાતે જમીન દલાલીના ધંધાની અદાવતમાં 3 શખ્સો દ્વારા જમીન દલાલ પર તલવાર વડે હૂમલો કરાતા ગંભીર ઈજા થઈ હતી. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જમીન દલાલની કાર સાથે કાર અથડાવી હુમલો કરાયો હતો જ્યારે સામેપક્ષના લોકોએ પણ 3 ઈસમો પૈકી એકની કાર ઉપર હુમલો કરી કારની તોડફોડ કરતા વાતાવરણ તંગ બન્યું છે. જેના પગલે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જમીન દલાલીનો ધંધો સારો ચાલતો હોવાની અદાવત રાખી વાઘા ભરવાડ અને ગણેશ ગુટ્ટેને 50 લાખ રૂપિયાની સોપારી આપી હોવાનું જમીન દલાલે ફરિયાદમાં જણાવ્યું હતું.
- જમીન દલાલને પતાવી દેવા તલવારથી હુમલો : 50 લાખની સોપારી આપી
- નવસારીમાં જમીન દલાલીના ધંધાની અદાવતમાં 3 શખ્સોને કાર અથડાવી મારવા માટે તલવાર લઈ ઘસી આવ્યા
નવસારીમાં ગ્રીડ રોડ પર જયભાઈ અશોકભાઈ નાયક પરિવાર સાથે રહે છે. ગત 3જીએ જયભાઈ સત્તાપીર ખાતે પંડ્યા ચેમ્બર્સની સામે રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ ઓફિસેથી નીકળી નાના ભાઈ અજયભાઈ અને સંતોષ ખાંડેકર સાથે કાર (નં. જીજે-21-બીસી-7001)માં ઘરે જઈ રહ્યા હતા. ત્યારે કબીલપોર શિવનગર સોસાયટી તરફ જવાના રસ્તા ઉપર જાહેરમાં રામનગર ચૌધરી કિરાણા સ્ટોરથી આગળ સામેથી અચાનક એક સેદાન કારના ચાલકે જયભાઈની કારને ઠોકી દીધી હતી. જેથી જયભાઈ બહાર ઉતરીને જોવા જતા સેદાન કારમાંથી નવસારી મેઘદૂત સોસાયટીમાં રહેતા વાઘા ભરવાડ તેમના કેસમાં સમાધાન નહી કરવાની અદાવતમાં તેના હાથમાં તલવાર સાથે તેમજ વિજલપોર શિવાજી ચોક ખાતે રહેતા ગણેશ ગુટ્ટે અને જ્યોતીન્દ્ર રામધની રાજભર હાથમાં લોખંડનો પાઈપ લઈને અન્ય અજાણ્યા ત્રણ ઈસમો સાથે આવી અપશબ્દો બોલી ‘તને આજે મારી જ નાંખવાનો છે’ તેમ કહી વાઘા ભરવાડે તલવારથી જયભાઈના માથાના ભાગે એક ઘા કરી દીધો હતો.
ગંભીર ઈજા થતા જયભાઈ નીચે પડી ગયા હતા. પરંતુ વાઘા ભરવાડે જાનથી મારી નાંખવાના ઈરાદે તલવારથી જયભાઈના પેટના ભાગે ઘા કરવા જતા જયભાઈ સાઇડમાં ખસી જતા તેમના પગના ભાગે તલવાર વાગી હતી તેમજ ગણેશ ગુટ્ટે, જ્યોતીન્દ્ર અને અન્ય ઇસમો લોખંડના પાઈપ વડે જયભાઈને ફટકા મારવા લાગ્યા હતા. જોકે તે સમયે જયભાઈનો નાનો ભાઈ અજય અને સંતોષ જયભાઈને બચાવવા કારમાંથી નીચે ઉતરતા વાઘા ભરવાડ, ગણેશ ગુટ્ટે અને જ્યોતીન્દ્ર સહિતના અન્ય ઈસમો ગાડીમાં બેસી નાસી ગયા હતા. અને ઈજાગ્રસ્ત જયભાઈને તાત્કાલિક સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ હુમલામાં જયભાઇએ હાથમાં પહેરેલું આશરે સાડા છ તોલાની સોનાની ઘડિયાળ અને આશરે ત્રણ તોલાનું સોનાનું લુઝ પડી ગયું હતું.
સોપારી આપ્યાની જાણ થયા બાદ જયભાઈના નાના ભાઈ અજય નાયકે તેના સાથી અમિત જોગડિયા, મોઈન ડેની, સિદ્ધુ થોરાટ અને ધીરજ દુબે સાથે ગણેશ ગુટ્ટેના ઘર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ગણેશ ગુટ્ટેનો ભત્રીજો પ્રેમ ગણેશ ગુટ્ટે તેની પત્ની સાથે કાર (નં. જીજે-21-સીએ-1936) સોસાયટીની બહાર નીકળી રહ્યા હતા. ત્યારે અજય નાયક અને તેના ત્રણ સાગરિતોને પ્રેમે કાર ઉભી રાખી નાસવા લાગ્યો હતો. સિદ્ધુ થોરાટે ગણેશ ગુટ્ટેની પત્નીને ગળાના ભાગે પકડી લઈ તેણીએ પહેરેલું આશરે બે તોલાનું 45 હજાર રૂપિયાની કિંમતનું સોનાનું મંગલસૂત્ર તોડી લુંટી લીધું હતું. જોકે ગણેશ ગુટ્ટેની પત્ની ભાગવા જતા તેમની પાછળ લોખંડનો પાઈપ લઈ મારવા માટે દોડ્યા હતા. અજય નાયક અને તેના ત્રણેય સાગરિતોએ કાર ઉપર પથ્થર અને લોખંડના પાઈપ મારી કારનો કાચ, બોનેટ અને છત તોડી નુકસાન કર્યું હતું. આ ઘટના બાબતે ગણેશ ગુટ્ટેની પત્નીએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ પોલીસ પહોંચે તે પૂર્વે જ તેઓ જતા રહ્યા હતા. આ હુમલાની ઘટના બનતા જ નવસારીનું વાતાવરણ તંગદીલી બની ગયું હતું. જેના પગલે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
વાઘા ભરવાડ અને ગણેશ ગુટ્ટેને 50 લાખ રૂપિયાની સોપારી આપી હતી !
સાતેક દિવસ અગાઉ કેયુર ઉર્ફે કાનજી દેસાઈ જયભાઈની જુનાથાણા ખાતેની ઓફિસે જઈ જયભાઈને જણાવ્યું હતું કે, ‘તારે જમીન દલાલીનો ધંધો સારો ચાલે છે જેની અદાવતમાં નવસારી નુતન સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત ઉર્ફે ચંદુ રણછોડભાઈ પટેલ (જાપાન) વાઘા ભરવાડ અને ગણેશ ગુટ્ટેને રૂપિયા 50 લાખની સોપારી તને જાનથી મારી નાંખવા માટે આપી છે તું સાચવીને રહેજે.’
કોની કોની સામે ગુનો નોંધાયો?
આ બનાવ અંગે જયભાઈ નાયકે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે વાઘા ભરવાડ, ગણેશ ગુટ્ટે અને જ્યોતીન્દ્ર રાજભર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેયારે સામેપક્ષે પ્રેમ ગુટ્ટેએ વિજલપોર પોલીસ મથકે અમિત જોગડિયા, મોઈન ડેની, અજય નાયક, સિદ્ધુ થોરાટ અને ધીરજ દુબે વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હાથ ધરી છે.