નવસારી : નવસારીમાં (Navsari) દારૂના ખોટા ગુનામાં (fake crime) સંડોવી દેવાની ધમકી આપી 30 હજાર રૂપિયાની લંચની (Bribe) માંગણી કરનાર નવસારી ગ્રામ્ય (Rural) પોલીસના (Police) એ.એસ.આઈ. 20 હજાર રૂપિયાની લાંચ લેતા એ.સી.બી.એ રંગે હાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે ખાનગી વ્યક્તિને ઘટના સ્થળેથી નાસી ગયો હતો. તેમજ આ ગુનામાં સંડોવાયેલા વડોદરા પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા પો.કો. પણ ભેરવાયા હતા.નવસારીના જાગૃત નાગરિકનો મિત્ર પર બે માસ પહેલા પ્રોહિબીશનનો કેસ થયો હતો. જેથી જાગૃત નાગરિક તેના મિત્રને મળવા નવસારી ગ્રામ્ય પોલીસની જી.આઈ.ડી.સી. પોલીસ ચોકીએ મળવા ગયા હતા.
10 હજાર રૂપિયા ફોન-પે કર્યા હતા,બાકીના 20 હજાર રૂપિયાની ઉઘરાણી કરતા હતા
જી.આઈ.ડી.સી. પોલીસ ચોકીના એ.એસ.આઈ. કિશોરભાઈ ગુલાબભાઈ શિંદેએ જાગૃત નાગરિકને દારૂના ખોટા ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી 30 હજાર રૂપિયાની માંગણી કરી હતી. એ.એસ.આઈ. કિશોરભાઈ અને વડોદરા શહેરના પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા પો.કો. રાજેન્દ્ર ભોળાભાઈ પંડ્યા જાગૃત નાગરિક પાસે અવાર-નવાર પૈસાની ઉઘરાણી કરતા હતા. જેથી જાગૃત નાગરિકે તેમને 10 હજાર રૂપિયા આપવાનું જણાવતા એ.એસ.આઈ. કિશોરભાઈએ મેહુલ માહ્યાવંશી નામના ખાનગી વ્યક્તિનો નંબર આપતા જાગૃત નાગરિકે 10 હજાર રૂપિયા મેહુલ માહ્યાવંશીને ફોન-પે કર્યા હતા. પરંતુ તેઓ બાકીના 20 હજાર રૂપિયાની ઉઘરાણી કરતા હતા.
20 હજાર રૂપિયા લેતા એ.સી.બી. પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા
જેથી જાગૃત નાગરિક તેઓને પૈસા નહીં આપવા હોવાથી એ.સી.બી. પોલીસને ફરિયાદ કરી હતી. દરમિયાન ચીખલીના એંધલ ગામ પાસે સમ્રાટ હોટલ પર એ.એસ.આઈ. કિશોરભાઈએ જાગૃત નાગરિકને બાકીના 20 હજાર રૂપિયા લઈને બોલાવતા એ.સી.બી. પોલીસે લાંચિયા અધિકારીને રંગે હાથ ઝડપી પાડવા છટકું ગોઠવ્યું હતું. જ્યાં એ.એસ.આઈ. કિશોરભાઈ અને ખાનગી વ્યક્તિ મેહુલ માહ્યાવંશીએ જાગૃત નાગરિક સાથે વાતચીત કર્યા બાદ એ.એસ.આઈ. કિશોરભાઈએ 20 હજાર રૂપિયા લેતા એ.સી.બી. પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જોકે મેહુલ માહ્યાવંશી ઘટના સ્થળેથી નાસી ગયો હતો. જેથી એ.સી.બી. પોલીસે એ.એસ.આઈ. કિશોરભાઈની ધરપકડ કરી હતી. સાથે જ મેહુલ માહ્યાવંશી અને પો.કો. રાજેન્દ્ર પંડયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
નવસારીમાં લાંચ લેતા બીજો સરકારી કર્મચારી ઝડપાયો
નવસારીમાં લાંચ લેતા બીજો સરકારી કર્મચારી ઝડપાયો છે. થોડા દિવસો અગાઉ નવસારી કલેકટર કચેરીના જિલ્લા પુરવઠા અધિકારી વિશાલ યાદવ 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા. ત્યારે હવે પોલીસ વિભાગના એ.એસ.આઈ. કિશોરભાઈ શિંદે લાંચ લેતા ઝડપાયા છે.