નવસારી: (Navsari) એરૂ ગામે જી.ઈ.બી. કર્મચારીની ભૂલને કારણે ખેતરમાં ચાલુ વીજ વાયરને (Electric Wire) ખસેડવા જતા કરંટ લાગતા યુવાનનું મોત નીપજ્યું હતું. જલાલપોર પોલીસે જી.ઈ.બી. કર્મચારી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના એરૂ ગામે દ.ગુ.વીજ કચેરી (Electricity company) પાછળ નીતિનભાઈ કાંતિલાલ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. ગત 14મી જુલાઈએ નીતિનભાઈનો પરિવાર ખેતરમાં ડાંગર રોપવા માટે ઢીંઢણ ઉભું કરવા કાદવ કરવાનો હોવાથી તેઓ ખેતરમાં હતા. પરંતુ ઇલેક્ટ્રિક થાંભલા પરથી એક વાયર તૂટી જમીન પર ઢીંઢણ સાથે પડ્યો હોવાથી તેઓ કાદવ પાડી શક્યા ન હતા. જે બાબતે નીતિનભાઈએ દ.ગુ. વીજ ઓફિસે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.
જ્યાં વીજ કંપનીના કર્મચારી લાઈન મેન જીજ્ઞેશભાઈ લાડને મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગત 13મીએ તમારા ઘર નજીક જે ઇલેક્ટ્રિક લાઈન છે તે થાંભલા પર રિપેરીંગ કામ કરવા ગયો હતો. જ્યાં વાડીમાં આવેલા તમારા ઘરની બાજુમાંથી ખેતર તરફ જે ઇલેક્ટ્રિક લાઈન જાય છે તેનો પાવર સપ્લાય સંપૂર્ણ બંધ કર્યો છે અને આગળ મગનભાઈ લાડનું વીજ કનેક્શન પણ બંધ કરી દીધું છે. તમારી વાડીમાં જે વીજ કંપનીના સિમેન્ટના થાંભલામાંથી એક ઇલેક્ટ્રિક વાયર તૂટેલો છે તેમાં વીજ સપ્લાય નથી અને બંધ છે. જેથી તૂટેલો વાયર વિરાલીને સીડ પર તમે મૂકી તમારું કામ કરી શકો છો’ તેમ જણાવ્યું હતું તેમજ જીજ્ઞેશભાઈએ નીતિનભાઈના ભાઈ ભાવેશભાઈને આ બધી વાત ફોન ઉપર કહી હતી. જેથી ભાવેશભાઈ ખેતરમાં કામ કરવા જતા તેને વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેના પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ભાવેશભાઈને હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા.
વીજ કર્મચારીએ પોતાનું પાપ છુપાવવા કહ્યું ‘આ વાત આપણી વચ્ચે રાખજો કોઈને કહેતા નહીં, નહીં તો હું ફસાઈ જઈશ’
આ બાબતે નીતિનભાઈએ વીજ કંપનીના કર્મચારી જીજ્ઞેશભાઈને જાણ કરી હતી. ત્યારે જીજ્ઞેશભાઈએ આ વાત આપણી વચ્ચે રાખજે કોઈને કહેતો નહી, હું ફસાઈ જઈશ તેમજ ગોળ ગોળ વાત કરવામાં કોઈ ફસાઈ જશે તેમ જણાવ્યું હતું. આ બનાવ અંગે નીતિનભાઈએ જલાલપોર પોલીસ મથકે મૂળ વલસાડ તાલુકાના કલવાડા ગામે ગુજરાતી સ્કુલની બાજુમાં અને હાલ વલસાડ રોડ કલવાડા ચોકડીની આગળ પ્રીતિ કોમ્પ્લેક્ષમાં રહેતા જીજ્ઞેશભાઈ લાડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એ.એન. ચૌધરીએ હાથ ધરી છે.